ટોપ ન્યૂઝસ્પોર્ટસ

મુંબઈની સ્થાનિક મૅચોમાં મૌન પાળીને દારા પોચખાનાવાલાને અંજલિ અપાશે, વિશેષ સિક્કાથી ટૉસ કરાશે

મુંબઈ: કાંગા લીગ ક્રિકેટમાં રવિવારે અમ્પાયરો દારા પોચખાનાવાલાને અંજલિ આપવા મૅચ પહેલાં બે મિનિટનું મૌન પાળશે. તેઓ સદગત અમ્પાયર અને સ્પોર્ટ્સ પત્રકાર દારાના માનમાં ખાસ તેમના નામે બનાવેલા સિક્કાનો ઉપયોગ ટોસ ઉછાળવામાં કરાવડાવશે. આ સિક્કો અસોસિયેશન ઑફ ક્રિકેટ અમ્પાયર્સ ઑફ મુંબઈ (એસીયુએમ) દ્વારા થોડા અઠવાડિયા પહેલાં જ બનાવાયો હતો.

ત્રણ દાયકાથી પણ વધુ સમય સુધી ‘મુંબઈ સમાચાર’ સાથે સ્પોર્ટ્સ એડિટર તરીકે સંકળાયેલા મુંબઈના જાણીતા ખેલકૂદ પત્રકાર તેમ જ યુવા વર્ગના ક્રિકેટરોના પ્રિય અમ્પાયર તથા માર્ગદર્શક દારા પોચખાનાવાલાનું શુક્રવારે નિધન થયું હતું. તેઓ 73 વર્ષના હતા.
અમ્પાયર્સ અસોસિયેશનના પ્રમુખ ગણેશ ઐયરે ગઈ કાલે ‘મુંબઈ સમાચાર’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘અમે સ્થાનિક ક્રિકેટના અમ્પાયર્સને દારા સરના માનમાં મૅચ પહેલાં બે મિનિટનું મૌન પાળવા કહ્યું છે. આવતા અઠવાડિયે અમ્પાયર્સ ઍન્ડ સ્કોરર્સ અસોસિયેશન દ્વારા શોક સભા રાખવામાં આવશે.’

અમ્પાયરિંગના ગોલ્ડ મેડલિસ્ટ દારા સાહેબે અનેક સ્થાનિક મૅચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. ક્રિકેટના અને ખાસ કરીને અમ્પાયરિંગના નિયમોના જાણકાર દારા 1980-’90ના દાયકામાં વિનોદ કાંબળી સહિત ઘણા જાણીતા ક્રિકેટરો માટે માર્ગદર્શક બન્યા હતા. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર દિલીપ વેન્ગસરકર, રવિ શાસ્ત્રી સહિત અનેક નામાંકિત ક્રિકેટરોનો દારાના મિત્રગણમાં સમાવેશ હતો.
ગણેશ ઐયરે વધુમાં કહ્યું, ‘હજી ગયા અઠવાડિયે અમારા અમ્પાયર્સ અસોસિયેશને 42મી જયંતિ ઊજવી હતી જે ઐતિહાસિક સિદ્ધિ છે. દારા સરના માનમાં અમે (એસીયુએમ દ્વારા) બનાવેલા સ્પેશિયલ કોઇનનું તાજેતરમાં જ તેમના ઘરે જઈને તેમના હાથે અમે અનાવરણ કરાવ્યું હતું. એ સિક્કાની એક બાજુ દારા સરનો ફોટો તથા નામ (હેડ) હતા અને બીજી બાજુ અમ્પાયર્સ અસોસિયેશનનું નામ (ટેઇલ) લખાયેલું હતું. દારા સરના હાથે એ સિક્કાથી પ્રતીકરૂપે પ્રથમ ટૉસ ઉછાળવામાં આવ્યો હતો. દારા સર ટેઇલ બોલ્યા હતા, પરંતુ હેડ પડતાં ટેબલ પર તેમનો ફોટો અને નામવાળો ભાગ દેખાતાં ખુદ દારા સર અને અમે બધા ખૂબ ખુશ થઈ ગયા હતા.

| Also Read: જાણીતા ખેલફૂદ પત્રકાર અને ‘મુંબઈ સમાચાર’ના ભૂતપૂર્વ સ્પોર્ટ્સ એડિટર દારા પોચખાનાવાલાનું નિધન

અમારા અમ્પાયર્સ અસોસિયેશનના સ્થાપક સભ્ય દારા સરે અસોસિયેશન માટે જે કંઈ કર્યું એવું ભાગ્યે જ કોઈ કરે. મારા સૌથી પ્રિય ક્રિકેટર ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રાયન ક્લોઝ જેમ વેસ્ટ ઇન્ડિઝના ખૂંખાર ફાસ્ટ બોલર્સની બૉડીલાઇન ક્રિકેટ સામે ગજબની હિંમત બતાવીને સફળતાથી સામનો કરતા એવો સફળ સંઘર્ષ દારા સરે અસોસિયેશનની સ્થાપના માટે કર્યો હતો. અમ્પાયરિંગના નિયમોના અમલની બાબતમાં મક્કમ તેમ જ શિસ્તના આગ્રહી હંમેશાં સાથીઓ, મિત્રો, સ્ટુડન્ટ્સ અને પ્રશંસકો માટે હેલ્પિંગ હૅન્ડ હતા.’

એ પ્રસંગે ઉતારવામાં આવેલા વીડિયોમાં દારા પોચખાનાવાલાએ જણાવ્યું હતું, ‘1982માં અમ્પાયર મામસા, ખુદ દારાસાહેબ, ભરત મથુરિયાએ મળીને શિવાજી પાર્કમાં અમ્પાયર્સ અસોસિયેશનની સ્થાપના કરી હતી. 1992માં 10 વર્ષ પૂરાં થયાં ત્યારે આ અસોસિયેશન દ્વારા વર્ષ દરમ્યાન કુલ 11 કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જેમાં મનોહર જોશી તેમ જ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર ફ્રૅન્ક ટાયસન, અમ્પાયર પીલુ રિપોર્ટર સહિત અનેક મહાનુભાવોએ હાજરી આપી હતી. અમ્પાયર્સ અસોસિયેશન અમ્પાયરોની ખૂબ કાળજી રાખે છે અને આ સંગઠન વધુને વધુ મજબૂત બને તેમ જ ગોલ્ડન જ્યૂબિલી હાંસલ કરે એવી મારી હાર્દિક શુભેચ્છા છે.’

આજે બપોરે લાલબાગમાં ઉઠમણાંની ક્રિયા

દારા કેખશરૂ પોચખાનાવાલાના ભાણેજના પતિ ડેરિક કાવારાનાએ ‘મુંબઈ સમાચાર’ને કહ્યું હતું કે ‘દારાસાહેબ ખૂબ જ શાંત સ્વભાવના અને પોતાના પ્રોફેશન પ્રત્યે હંમેશાં ખૂબ ઉત્સાહિત હતા. તેમની પાસેથી અમને ક્રિકેટ બાબતમાં ઘણી જાણકારીઓ મળી હતી. તેઓ અમારી સાથે 2011ના વર્લ્ડ કપ વિશે ઘણી વાર ઉત્સાહભેર ચર્ચા કરતા હતા. રવિવારે, 18મી ઑગસ્ટે બપોરે 3.40 વાગ્યે લાલબાગ અગિયારીમાં તેમના ઉઠમણાંની ક્રિયા રાખવામાં આવી છે.’

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રક્ષાબંધન પર બહેનને ગીફ્ટ આપતા પહેલા આ જાણી લો શું પત્ની પતિને રાખડી બાંધી શકે? જાણો શું કહે છે શાસ્ત્ર… ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ