સ્પોર્ટસ

ડેમિયન માર્ટિનની તબિયતમાં ચમત્કારિક સુધારો, કોમામાંથી બહાર આવીને વાતો કરવા લાગ્યો!

મેલબર્નઃ ઑસ્ટ્રેલિયાનો એક સમયનો ટોચનો બૅટ્સમૅન ડેમિયન માર્ટિન (Damien Martin) ચિંતાજનક હાલતમાંથી બહાર આવ્યો છે અને તેની તબિયત હવે ઘણી સારી છે એવું તેના ભૂતપૂર્વ સાથી ખેલાડી ઍડમ ગિલક્રિસ્ટે રવિવારે કહ્યું હતું.

માર્ટિન કોમામાં હતો, પણ હવે કોમા (Coma)માંથી બહાર આવીને વાતો કરવા લાગ્યો છે. તે મેનિન્જાઇટિસની બીમારીનો શિકાર થયો હોવાનું બે દિવસ પહેલાં મીડિયાજગતને જાણવા મળ્યું હતું.

ગિલક્રિસ્ટે કહ્યું છે કે ` માર્ટિનની તબિયતમાં ચમત્કારિક સુધારો થયો છે. તેને હવે કંઈ પણ કહીએ તો એનો તે સારો પ્રતિસાદ આપે છે અને વાતો પણ કરવા લાગ્યો છે. તે હવે આઇસીયુની બહાર છે. તેને હજી થોડા દિવસ હૉસ્પિટલમાં રાખવામાં આવશે.

જોકે તેની તબિયતમાં જે બદલાવ આવ્યો એ મારી દૃષ્ટિએ ચમત્કારિક છે. માર્ટિનની પત્ની અમાન્ડાએ સૌનો આભાર વ્યક્ત કરતા કહ્યું છે કે માર્ટિનના મિત્રો, સંબંધીઓ તેમ જ અસંખ્ય ચાહકોએ જે શુભેચ્છા આપી હતી એ બદલ હું સૌની આભારી છું.’

માર્ટિન 54 વર્ષનો છે. તેણે 1992માં ડીન જોન્સના સ્થાને રમીને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લી ટેસ્ટ 2007માં ઇંગ્લૅન્ડ સામે રમ્યો હતો. તેણે 67 ટેસ્ટમાં 4,406 રન, 208 વન-ડેમાં 5,346 રન અને ચાર ટી-20માં 120 રન કર્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button