સ્પોર્ટસ

‘પપ્પા, મને તમારા ખોળામાં લઈ લો, આખું શરીર ખૂબ દુખે છે’…મૃત્યુ પામતાં પહેલાં આ હતા બાસ્કેટબૉલ પ્લેયરના છેલ્લા શબ્દો

રોહતક: હરિયાણા રાજયમાં બે અલગ વિસ્તારમાં બાસ્કેટબૉલની કોર્ટ પર બનેલી એક્સરખી ટ્રેજેડીમાં બે ટીનેજરે જીવ ગુમાવ્યાની ઘટનાઓએ સમગ્ર ખેલ જગતમાં અરેરાટી મચાવી છે ત્યારે બન્ને આશાસ્પદ ખેલાડીઓ વિશેની વધુ જાણકારીએ સ્પોર્ટ્સપ્રેમીઓને ગમગીન બનાવી દીધા છે. આ ઘટનામાં લખન માજરા અને બહાદુરગઢમાં અનુક્રમે હાર્દિક રાઠી તથા અમન કુમાર નામના પ્લેયરના મૃત્યુ થયા હતા.

બાસ્કેટબૉલની કોર્ટમાં બાસ્કેટ સાથે જોડાયેલો જૂનો થાંભલો તૂટી પડવાના પહેલા બનાવમાં રવિવારે અમન કુમારનો અને મંગળવારે મંગળવારે હાર્દિકનો જીવ ગયો હતો.

બહાદુરગઢમાં રહેતા 15 વર્ષના અમન કુમારે હજી 19મી નવેમ્બરે જન્મદિન ઉજવ્યો હતો જેના ડેકોરેશનના ફુગ્ગા હજી પણ તેના ઘરની દીવાલ પર છે. તેણે જન્મદિને મમ્મી કાંતા દેવીને વચન આપેલું કે ‘ જોજે મમ્મી, એક દિવસ હું બાસ્કેટબૉલમાં એવું અચિવ કરીશ કે જેનાથી તું મારા પર ગર્વ અનુભવીશ.’

જોકે થોડા દિવસમાં અમન પર 20 વર્ષ જૂનો અને અનેક કિલો વજનનો થાંભલો પ્રેક્ટિસ દરમ્યાન તૂટ્યો અને તેના શરીર પર પડ્યો જેમાં તેનું 24 કલાકમાં મૃત્યુ થયું હતું.

10મા ધોરણના વિદ્યાર્થી અમન (Aman)ના પિતા સુરેશ કુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘ પપ્પા, મને તમારા ખોળામાં લઈ લો. આખુ શરીર દુખે છે. બસ, મારા દીકરાના એ અંતિમ શબ્દો હતા.’

લખન માજરા વિસ્તારના રાઠી હાઉસમાં એક ડેસ્ક પર હાર્દિક રાઠી (Hardik Rathi)ના અનેક મેડલ ગોઠવીને રાખવામાં આવ્યા છે, પણ આખા ઘરમાં ગમગીની છે. આ નેશનલ પ્લેયર બાસ્કેટબૉલ ફેડરેશન ઑફ ઇન્ડિયાની સ્પોન્સરશિપથી ગ્વાલિયરમાં એક પ્રોગ્રામનું ભણી રહ્યો હતો. જોકે બીમાર મમ્મી પાસે જતાં પહેલાં મંગળવારે રોહતકમાં અન્ડર-17 નેશનલ બાસ્કેટબૉલ (Basketball) ચેમ્પિયનશિપ માટે તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે તેની સાથે અકસ્માત થયો હતો. બૉલને બાસ્કેટમાં પધરાવવાના પ્રથમ પ્રયાસમાં નિષ્ફ્ળ ગયા પછી બીજા પ્રયત્નમાં તેનો હાથ બાસ્કેટની નેટમાં ફસાઈ ગયો અને ખેંચાવાને કારણે ઢીલો થાંભલો તેના પર આવી પડ્યો હતો અને તે મૃત્યુ પામ્યો હતો.

આપણ વાંચો:  ભારતને હરાવીને દક્ષિણ આફ્રિકાને ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફયદો; ભારતનું રેન્કિંગ વધુ બગડશે?

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button