વિશ્વ ચેસ સ્પર્ધામાં ગુકેશે સાત મિનિટમાં 15 ચાલ ચાલવાની હતી અને પછી…

સિંગાપોર: વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપમાં સોમવારે ભારતના 18 વર્ષના ગ્રેન્ડમાસ્ટર ડી. ગુકેશે ચીનના ડિફેન્ડિંગ વર્લ્ડ ચેમ્પિયન ડિન્ગ લિરેનને જોરદાર લડત આપી હતી અને છેવટે 39મી ચાલ બાદ ગુકેશે હાર સ્વીકારી લીધી હતી. એક સમયે ગુકેશ પર ખૂબ માનસિક દબાણ હતું. તેણે ફક્ત સાત મિનિટમાં 15 ચાલ ચાલવાની હતી અને ગણતરીની મિનિટોમાં એક સાથે આટલા બધા મૂવ પૂરા કરવા એ ગુકેશ માટે સૌથી કપરો તબક્કો હતો.
સોમવારની એ 12મી ગેમને અંતે ગુકેશ અને લિરેન, બન્નેના એકસરખા છ-છ પોઇન્ટ હતા. હવે ફક્ત બે ગેમ બાકી છે. બેમાંથી જે ખેલાડી વધુ 1.5 પોઇન્ટ મેળવીને સૌથી પહેલાં 7.5 પોઇન્ટ પર પહોંચશે તે વર્લ્ડ ચેમ્પિયન કહેવાશે. જીત બદલ એક પોઇન્ટ અને ડ્રો બદલ અડધો પોઇન્ટ મળે છે.
138 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ક્લાસિકલ ફોર્મેટની ફાઈનલમાં બે એશિયન પ્લેયર સામસામે રમી રહ્યા છે. વિજેતા બનનાર ખેલાડીને અંદાજે 21 કરોડ રૂપિયાનું ઇનામ મળશે.
જો છેલ્લે (14મી ગેમને અંતે) બંનેના એકસરખા પોઇન્ટ હશે તો ટાઈ-બ્રેક યોજાશે અને એમાં જીતવા માટે 32 વર્ષીય લિરેન ફેવરિટ કહેવાશે કારણકે ગયા વર્ષે ફાસ્ટર ટાઈમ કન્ટ્રોલની પદ્ધતિ હેઠળના ટાઈ-બ્રેકમાં જ ઇયાન નેપોમનીઆચીને હરાવીને લિરેને પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી લીધી હતી.
બન્ને પ્લેયર બે-બે ગેમ જીત્યા છે અને કુલ આઠ ગેમ ડ્રોમાં ગઈ છે.
આજે રેસ્ટ ડે છે અને છેલ્લી બે ગેમ અનુક્રમે બુધવારે અને ગુરુવારે રમાશે.