સ્પોર્ટસ

સીએસકેના બોલરે અમદાવાદની મૅચમાં 10 ઓવરમાં આટલા રન આપ્યા, નવો રેકૉર્ડ બની ગયો…

અમદાવાદઃ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)એ તાજેતરની હરાજીમાં 40 લાખ રૂપિયામાં ખરીદેલા પેસ બોલિંગ ઑલરાઉન્ડર અમન ખાને (AMAN KHAN) એક અનિચ્છનીય વિક્રમ રચ્યો છે. તેને 10 ઓવર સૌથી મોંઘી પડી છે. સોમવારે અમદાવાદમાં વિજય હઝારે ટ્રોફી વન-ડે ટૂર્નામેન્ટમાં અમન ખાન (10-0-123-1)ને કારણે જ તેની પુડુચેરીની ટીમ ઝારખંડ સામે હારી ગઈ હતી.

અમન ખાન પુડુચેરીનો કૅપ્ટન છે. તે 10 ઓવરમાં આપેલા 123 રન બદલ અણગમતી રેકૉર્ડ-બુકમાં આવી ગયો છે. તે લિસ્ટ-એ તરીકે જાણીતી ડોમેસ્ટિક ક્રિકેટની વન-ડે મૅચોમાં હવે સૌથી ખર્ચાળ બોલર બન્યો છે. તેનો સ્પેલ સૌથી મોંઘો બન્યો છે.

ઝારખંડે કુમાર કુશાગ્રા (105 રન, 104 બૉલ, બે સિક્સર, દસ ફોર)ની સેન્ચુરી અને અનુકૂલ રૉય (98 અણનમ, 53 બૉલ, આઠ સિક્સર, સાત ફોર) તેમ જ ઉત્કર્ષ સિંહ (74 રન, 70 બૉલ, બે સિક્સર, સાત ફોર)ની ઇનિંગ્સની મદદથી 50 ઓવરમાં સાત વિકેટે 368 રન કર્યા હતા. અમન ખાન સહિત ત્રણ બોલરે 10 ઓવર પૂરી કરી હતી, પણ એમાં ખુદ કૅપ્ટન અમન 123 રન આપવા બદલ સૌથી ખર્ચાળ બન્યો હતો.

આ પણ વાંચો…રોહિત-વિરાટને હઝારે ટ્રોફીની બે મૅચ રમવાના કેટલા પૈસા મળ્યા જાણી લો…

તેણે ઓવર દીઠ 12.30ની સરેરાશ રન આપ્યા હતા. તેનાથી અરુણાચલ પ્રદેશના પેસ બોલર મિબોમ મોસુ (9-0-116-0)નો પાંચ દિવસ જૂનો વિક્રમ તોડ્યો હતો. મિબોમ (MIBOM)ની એ ઓવર બિહાર સામે સૌથી ખર્ચાળ બની હતી. એ મૅચમાં બિહારે લિસ્ટ-એ ફૉમેૅટની વન-ડે ક્રિકેટમાં 6/574નો વિશ્વવિક્રમ રચ્યો હતો અને 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ એમાં 84 બૉલમાં 190 રન કર્યા હતા.

દરમ્યાન ઝારંખડ સામેની મૅચમાં પુડુચેરી પછીથી 235 રનમાં ઑલઆઉટ થઈ જતાં ઝારખંડનો 133 રનથી વિજય થયો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button