એક્ટ્રેસ અને સ્પોર્ટ્સ (ક્રિકેટ) એન્કર મંદિરા બેદીએ 2003માં ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરીને ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી. અભિનયની સાથે સાથે મંદિરાએ ક્રિકેટમાં પણ પોતાનું ગ્લેમર ઉમેર્યું છે. હવે એક તાજેતરના ઈન્ટરવ્યુમાં મંદિરા બેદીએ ક્રિકેટ વર્લ્ડ કપ હોસ્ટ કરતી વખતે પોતાના અનુભવો શેર કર્યા છે. તેણે કહ્યું છે કે કેવી રીતે લાખો લોકોની નજર તેના પર ટકેલી હતી. તેણે લિંગ ભેદભાવ વિશે પણ વાત કરી છે, જેનો તેણે ક્રિકેટ નિષ્ણાતો સાથે બેસીને દરરોજ સામનો કરવો પડતો હતો.
એ સમયે (2003)માં મહિલા હોસ્ટ્સ ક્રિકેટ શોમાં ભાગ્યે જ જોવા મળતી હતી. જોકે, મંદિરાએ આ ચેલેન્જ સ્વીકારી લીધી હતી અને તેણે ક્રિકેટ શો હોસ્ટ કર્યો હતો. જોકે, શરૂઆતમાં અભિનેત્રીને રમતની દુનિયામાં ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
હ્યુમન ઓફ બોમ્બેને આપેલા ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ આ વાતનો ખુલાસો કર્યો છે. અભિનેત્રીએ એ પણ જણાવ્યું હતું કે તે એક અઠવાડિયા સુધી દરરોજ સતત રડતી હતી.
મંદિરાને બાળપણથી જ ક્રિકેટનો ઘણો શોખ હતો. તે મિત્રો સાથે ક્રિકેટ વિશે વાતો કરતી હતી. વર્ષ 2002માં ભારતે ઈંગ્લેન્ડને હરાવી ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઈનલમાં પોતાની જગ્યા બનાવી હતી. આ મેચ જોવા માટે તે કોલંબો આવી હતી. આ મેચ દરમિયાન તેની મુલાકાત સોની મેક્સના હેડ સ્નેહા રજની સાથે થઇ અને બંનેએ ક્રિકેટ વિશે ઘણી વાતો કરી. અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈ પરત ફર્યાના એક મહિના પછી તેને સોની તરફથી 2003 વર્લ્ડ કપની યજમાની કરવાનો ફોન આવ્યો.
આ પણ વાંચો : All Sports News: રવિવારથી હરમનપ્રીત, સ્મૃતિ ઍન્ડ કંપનીની આકરી કસોટી: જાણો કોની સામે અને શેમાં?
આ માટે હજારો છોકરીઓએ ઓડિશન આપ્યું હતું, પરંતુ સ્નેહાએ મંદિરા બેદીને પસંદ કરી. જોકે, મંદિરા ક્રિકેટ હોસ્ટિંગમાં તદ્દન નવી હતી. તેની માટે આ કામ સરળ નહોતું, કારણ કે તેની આજુબાજુ ક્રિકેટના ખેરખાંઓ હતા જે ક્રિકેટની નસનસથી વાકેફ હતા. તેમને તેમની પેનલમાં મહિલા હોસ્ટ આવે તે પસંદ નહોતું પડ્યું. તેથી મંદિરા જ્યારે પણ સવાલ પૂછતી તો તેઓ તેને અવગણતા અને પોતાની કોમેન્ટરી ચાલુ રાખતા. જોકે, આ ફિલ્ડમાં નવી સવી હોવાને કારણે મંદિરાના સવાલો પણ બાલિશ હતા, પણ તેનો ક્રિકેટ પ્રત્યેનો પ્રેમ, દેશ પ્રત્યેનો પ્રેમ ભારોભાર જણાઇ આવતો હતો. પોતાની અવગણના થવાથી મંદિરાને ઘણું રડવું આવતું હતું. અઠવાડિયા સુધી શો બાદ તે રડ્યા જ કરતી હતી. જોકે, પછી એક દિવસ તેને કહેવામાં આવ્યું કે તેણે કંટાળાજનક પેનલમાં થોડી મજા લાવવી જોઈએ. ત્યાર પછી મંદિરાએ નર્વસનેસ છોડીને દિલથી શો હોસ્ટ કર્યો અને પોતાના બાલિશ સવાલોથી લોકોની લાડકી પણ બની ગઇ. લોકો તેની હિંમતની દાદ આપવા માંડ્યા.
મંદિરાએ શેર કર્યું કે ટાઈગર પટૌડી એકવાર તેના સ્ટુડિયોમાં આવ્યા અને કહ્યું, ‘શું તમે એ જ મંદિરા બેદી છો જેના વિશે બધા વાત કરે છે?’ ત્યારે મને મારી બધી મહેનત લેખે લાગી એમ લાગ્યું. મંદિરા બેદીએ 2007 ક્રિકેટ વર્લ્ડ કપ પણ હોસ્ટ કર્યો હતો. તેણે 2004 અને 2006માં ચેમ્પિયન્સ ટ્રોફી અને IPL સિઝન 2નું હોસ્ટિંગ પણ કર્યું હતું.