રોનાલ્ડોને બાવીસ વર્ષમાં પહેલી વાર બતાવાયું રેડ કાર્ડ, વર્લ્ડ કપની પહેલી મૅચ ગુમાવશે?

ડબ્લિનઃ એક-બે વર્ષમાં નિવૃત્તિ લેવાની જાહેરાત કરી ચૂકેલા પોર્ટુગલના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo)ને બાવીસ વર્ષની કારકિર્દીમાં પહેલી વાર પોર્ટુગલની મૅચમાંથી નીકળી જવાનો આદેશ અપાયો. બીજી રીતે કહીએ તો તેને મૅચ રેફરીએ રેડ કાર્ડ (red card) બતાવ્યું એને કારણે તે આવતા વર્ષે ફિફા વર્લ્ડ કપમાં પોર્ટુગલની પહેલી મૅચમાં કદાચ નહીં રમી શકે.
40 વર્ષીય રોનાલ્ડોએ ગુરુવારે રાત્રે ડબ્લિનમાં વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગ મૅચ દરમ્યાન આયરલૅન્ડના ડિફેન્ડર ડારા ઑશાયને કોણી મારી હતી જેને પગલે રેફરીએ રોનાલ્ડોને રેડ કાર્ડ બતાવ્યું હતું. તે પોર્ટુગલ વતી 225 મૅચ રમ્યો છે અને એમાં પહેલી વાર તેને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું છે. જોકે બાવીસ વર્ષમાં પોર્ટુગલ સિવાયની સિનિયર કરીઅર સ્તરની મૅચોમાં અને પ્રોફેશનલ ફૂટબૉલમાં રોનાલ્ડોને કુલ મળીને 12 વખત રેડ કાર્ડ બતાવવામાં આવ્યા છે.
આપણ વાચો: ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ હવે નક્કી કરી લીધું, કરોડો ચાહકોને નિરાશ કરતું નિવેદન આપી દીધું!
હરીફને કોણી માર્યા પછી પ્રેક્ષકો સામે કટાક્ષ
રોનાલ્ડોએ મૅચ દરમ્યાન એક તબક્કે ડારાને પીઠમાં જમણી કોણી ફટકારી દીધી હતી. રેફરીએ તેને મેદાનની બહાર જતા રહેવા કહ્યું ત્યારે સ્ટેડિયમમાં બેઠેલા અસંખ્ય પ્રેક્ષકોએ રોનાલ્ડોને હુરિયો બોલાવ્યો હતો.
રોનાલ્ડો ત્યારે થોડી ક્ષણ માટે ઊભો રહ્યો હતો અને પ્રેક્ષકો સામે જોઈને તાળી પાડીને તેમ જ બન્ને હાથે થમ્બ્સ-અપનો કટાક્ષમાં સંકેત આપીને મેદાનની બહાર ગયો હતો.
આપણ વાચો: ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી સગાઈ, ગર્લફ્રેન્ડ જોર્જિનાની પોસ્ટ જોઈને ચોંકી ગયા ફેન્સ
પોર્ટુગલનો 0-2થી પરાજય
અધૂરામાં પૂરું, પોર્ટુગલ આ મૅચ 0-2થી હારી ગયું હતું. પોર્ટુગલ વતી રોનાલ્ડો સહિત એક પણ પ્લેયર ગોલ નહોતો કરી શક્યો. આયરલૅન્ડ વતી બન્ને ગોલ ટ્રૉય પારૉટે 17 અને 45મી મિનિટમાં કર્યા હતા. હવે પોર્ટુગલે આર્મેનિયા સામે રમવાનું છે.
રોનાલ્ડો કેમ વર્લ્ડ કપની મૅચ ગુમાવી શકે
રોનાલ્ડો હવે રવિવારે આર્મેનિયા સામેની વર્લ્ડ કપ ક્વૉલિફાઇંગ મૅચમાં તો નહીં જ રમી શકે, ફિફાના નિયમ મુજબ જો તેના પર કુલ બે મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવશે તો તે આવતા વર્ષે પોર્ટુગલ વતી ફિફા વર્લ્ડ કપની પહેલી મૅચમાં પણ ભાગ નહીં લઈ શકે.
ફિફાનો નિયમ એવો છે કે જો કોઈ ખેલાડીની કસૂર ગંભીર હોય તો તેના પર બે મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવે છે અને પ્લેયરની કસૂર જો (હરીફને કોણી મારવા સહિત) હિંસક હોય તો તે પછીની કુલ ત્રણ મૅચમાં ન રમી શકે.



