લલિત મોદી અને માઇકલ ક્લાર્ક, શરમ કરોઃ શ્રીસાન્તની પત્ની
ભુવનેશ્વરીએ કહ્યું, ` શ્રીસાન્ત-ભજ્જી 2008ની ઘટના ભૂલી ચૂક્યા છે અને બન્ને જણ પિતા પણ બની ગયા, પરંતુ તમે લોકો જૂની વાત પાછી ઉખાડીને બેઠા છો'

નવી દિલ્હીઃ આર્થિક ગેરરીતિના મામલે બીસીસીઆઇ સાથેના ઘર્ષણને પગલે વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા આઇપીએલના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદી (LALIT MODI)એ 18 વર્ષે શ્રીસાન્ત (SREESANTH) અને હરભજન સિંહ (HARBHAJAN SINGH) વચ્ચેનો 2008ની સાલનો વિવાદ ફરી ઉખેડયો એટલે શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરી (BHUVANESHWARI) ગુસ્સે થઈ છે અને તેણે લલિત મોદીની તેમ જ તેનો તાજેતરમાં ઇન્ટરવ્યૂ લેનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ ક્લાર્કની ખૂબ ટીકા કરી છે.
2008ની આઇપીએલની એક મૅચ બાદ પરાજિત ટીમ મુંબઈ ઇન્ડિયન્સના હરભજન સિંહે મૅચ દરમ્યાન કિંગ્સ ઇલેવન પંજાબના શ્રીસાન્તે તેને કોઈ વાતે ઉશ્કેર્યો હતો એટલે મૅચ પછી મેદાન પર તેને (શ્રીસાન્તને) ઊંધા હાથે લાફો મારી દીધો હતો. એ વિવાદને કારણે આઇપીએલ ટૂર્નામેન્ટ પહેલા વર્ષથી જ ચકચારમય અને લોકપ્રિય થઈ ગઈ હતી. ભજ્જીને એ કરતૂત બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને પછીથી ભજ્જીએ શ્રીસાન્તની માફી માગી હતી અને સમય જતાં બન્ને વચ્ચે ફરી દોસ્તી પણ થઈ ગઈ હતી.


તાજેતરમાં માઇકલ ક્લાર્કના ` બિયૉન્ડ23 ક્રિકેટ પૉડકાસ્ટ’ પરની મુલાકાતમાં લલિત મોદીએ દાવો કર્યો હતો કે તેની પાસે 2008ના લાફા-પ્રકરણનું એવું વીડિયો ફૂટેજ છે જે અગાઉ ક્યારેય કોઈને નહોતું જોવા મળ્યું.
શ્રીસાન્તની પત્ની ભુવનેશ્વરીએ લલિત મોદીના આ ફૂટેજ વાઇરલ થતાં સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં આપેલી પ્રતિક્રિયામાં કહ્યું છે કે ` લલિત મોદી અને માઇકલ ક્લાર્ક, તમે બન્ને શરમ કરો. તમારામાં માણસાઈ જેવું કંઈ છે કે નહીં? માત્ર સસ્તી પબ્લિસિટી માટે અને લોકોના મંતવ્યો જાણવા 18 વર્ષ જૂનો કિસ્સો પાછો ઉખેડ્યો છે. શ્રી અને હરભજન, બન્ને જણ એ કિસ્સાને ક્યારનાયે ભૂલી ગયા છે. શ્રી અને હરભજન પિતા બની ગયા છે અને તમે બન્ને જણ (લલિત મોદી અને ક્લાર્ક) તેમના જૂના જખમની ફરી વાત લઈને બેઠા છો. તમે બન્નેએ આ બહુ ખરાબ કર્યું. તમારામાં દિલ જેવું કંઈ છે કે નહીં?’
આ પણ વાંચો: શ્રીસાન્તને હરભજનનો તમાચોઃ કદી જ જોવા મળેલી વીડિયો ફૂટેજ વાઇરલ થયો…
ભુવનેશ્વરીએ પોસ્ટમાં લલિત મોદી-ક્લાર્ક વિશે એવું પણ લખ્યું છે કે ` 2008ના કિસ્સાને ફરી ચગાવવામાં આવ્યો એની અમારા પરિવાર પર માઠી અસર થઈ છે. જીવનના કપરા સંજોગોને વિસરીને શ્રી હવે માનભેર જિંદગી માણી રહ્યા છે. તેની પત્ની અને તેના સંતાનોની માતા તરીકે મને આ 18 વર્ષ જૂની ઘટના કારણ વગર ફરી ચગાવવામાં આવતાં ખૂબ દુઃખ થયું છે. તમે લોકોના પ્રતિભાવ મેળવી શકો એટલે જૂનો કિસ્સો પાછો ઉખેડ્યો અને અમારા પરિવારને આઘાત આપ્યો. તમારા આ અભિગમથી ખેલાડીઓ પર નહીં, પણ તેમના નિર્દોષ બાળકોના માનસ પર અવળી અસર થાય. હવે આ બાળકોએ કારણ વિના લોકોના સવાલના જવાબ આપવા પડશે.’