સ્પોર્ટસ

આ ક્રિકેટર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો, બ્રેઈન સ્ટ્રોકના કારણે હોસ્પિટલમાં દાખલ પિતા

નવી દિલ્હીઃ અલીગઢમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવેલા ક્રિકેટર દીપક ચહરના પિતાને અચાનક બ્રેઈન સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સમાચાર જાણ્યા બાદ ફાસ્ટ બોલર દીપક ચહરે ઓસ્ટ્રેલિયા સામેની T20I સિરીઝ છોડી દેવાની જાહેરાત કરી હતી અને પિતા સાથે રહેવા બેંગલૂરુ આવી ગયો છે. દીપક ચહરે જણાવ્યું છે કે આવી સ્થિતિમાં તેના માટે દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જવું મુશ્કેલ બની ગયું છે.

દીપક ચહર ઘણા દિવસોની ઈજામાંથી સાજા થયા બાદ ટીમમાં પરત ફર્યો છે. હવે તેના પિતાની સ્વાસ્થ્યને કારણે તેમને ક્રિકેટથી વધુ દૂર રહેવું પડશે. નોંધનીય છે કે દીપક ચહરના પિતા લોકેન્દ્ર સિંહ ભૂતપૂર્વ એરફોર્સ મેન છે. પુત્રને સારો ક્રિકેટર બનાવવા માટે તેમણે નોકરી છોડી દીધી હતી.


પિતા પાસે પહોંચ્યા બાદ દીપક ચહરે હોસ્પિટલની બહાર પત્રકારોને જણાવ્યું કે તેણે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને પસંદગીકારોને જાણ કરી છે કે જ્યાં સુધી તે સ્વસ્થ ન થાય ત્યાં સુધી તે તેના પિતા સાથે રહેવા માંગે છે. શરૂઆતમાં તેમનો પરિવાર લોકેન્દ્ર સિંહને દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવાનું વિચારી રહ્યો હતો, પરંતુ તે શક્ય બન્યું નહીં.


“અમે તેમને સમયસર હોસ્પિટલ લઈ ગયા. નહિંતર, તેમની તબિયત વધુ ગંભીર થઇ ગઇ હોત. હવે તેઓ સારા છે. લોકો પૂછતા હતા કે મેં ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી T20 મેચ કેમ ન રમી. મારા પિતા મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે હું જે કંઇ છું તે તેમના કારણે છું. પિતાના સમર્થન અને પ્રોત્સાહનના કારણે જ મને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. મારા જીવનમાં મારા પિતા ક્રિકેટ જેટલું જ મહત્વ ધરાવે છે.હું તેમને આ હાલતમાં છોડીને ક્યાંય જઈ શકતો નથી. હું મારા પિતા સાથે રહું છું અને એકવાર તેઓ ખતરામાંથી બહાર આવશે ત્યારે હું દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ શરૂ કરીશ,” એમ દીપકે જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button