છેલ્લે 1900ની સાલની ઑલિમ્પિક્સની ક્રિકેટમાં જાણો છો, કોણે કોને હરાવ્યું હતું?
2028ના મહા રમતોત્સવમાં યજમાન અમેરિકા ફિક્સ, બીજા પાંચ દેશ માટે યોજાશે ટી-20નો ક્વૉલિફિકેશન રાઉન્ડ

નવી દિલ્હીઃ `જેન્ટલમૅન્સ ગેમ’ તરીકે ઓળખાતી ક્રિકેટની રમતનું 128 વર્ષ બાદ ફરી ઑલિમ્પિક ગેમ્સમાં પુનરાગમન થઈ રહ્યું છે એ ગુડ ન્યૂઝ મળ્યા બાદ હવે એવી ચર્ચા થઈ રહી છે કે 2028ની લૉસ ઍન્જલસની ઑલિમ્પિક્સમાં ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ માટેના છ દેશમાં કોણ-કોણ રમશે? તો જણાવી દઈએ કે યજમાન અમેરિકાનું નામ ફિક્સ હશે, જયારે બીજા પાંચ દેશના નામ નક્કી કરવા માટે ક્વૉલિફિકેશન રાઉન્ડ યોજાશે. 2028ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં છ ટીમ વચ્ચે (પુરુષ અને મહિલા, બન્નેની) ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાશે.
ઑલિમ્પિક્સ દર ચાર વર્ષે યોજાય છે અને એમાં ક્રિકેટ છેલ્લે 1900ની સીઝનમાં (ફ્રાન્સના પૅરિસમાં) રમાઈ હતી. જોકે એમાં માત્ર એક મૅચ રમાઈ હતી. ત્યારે બન્યું એવું કે નેધરલૅન્ડ્સ અને બેલ્જિયમની ટીમ નીકળી જતાં ફક્ત બે ટીમ બાકી રહી હતી. ગ્રેટ બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે એકમાત્ર ક્રિકેટ મૅચ રમાઈ હતી જેમાં ગે્રટ બ્રિટનનો 158 રનથી વિજય થયો હતો. જોકે એ મૅચ હવે બિનસત્તાવાર ટેસ્ટ તરીકે ઓળખાય છે.
1900ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટની ટેસ્ટ મૅચ રમાઈ હતી. ગે્રટ બ્રિટને પ્રથમ દાવમાં 117 રન બનાવ્યા બાદ ફ્રાન્સની ટીમે 78 રન કર્યા હતા. બીજા દાવમાં બ્રિટનની ટીમે 145 રને દાવ ડિક્લેર કરીને ફ્રાન્સને જીતવા 185 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ ફ્રાન્સની ટીમ માત્ર 26 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી અને બ્રિટનનો 158 રનથી વિજય થયો હતો. ત્યાર બાદ ક્યારેય કોઈ ઑલિમ્પિક્સમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ નહોતી રમાઈ.
આ પણ વાંચો: ક્રિકેટ ચાહકો માટે ખુશીના સમાચાર; ઓલિમ્પિક્સ 2028માં ક્રિકેટનો સમાવેશ, આટલી ટીમો ભાગ લેશે
2028ની ઑલિમ્પિક્સમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ ટી-20 ફૉર્મેટમાં રમાશે. પુરુષો અને મહિલાઓ, બન્નેની ટી-20 ટૂર્નામેન્ટમાં છ-છ ટીમ ભાગ લેશે. દરેક ટીમ 15 ખેલાડી પસંદ કરી શકશે એટલે પ્રત્યેક ટૂર્નામેન્ટમાં કુલ 90 ખેલાડી ભાગ લેશે.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)માં કુલ 12 ફુલ મેમ્બર-રાષ્ટ્ર છે. એમાં ભારત, ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ, સાઉથ આફ્રિકા, ન્યૂ ઝીલૅન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, આયરલૅન્ડ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ છે. આઇસીસીમાં બીજા 94 અસોસિયેટ મેમ્બર-રાષ્ટ્ર પણ સામેલ છે.
જોકે 2028ની ઑલિમ્પિક્સ માટેની છ ટીમમાં સ્થાન મેળવવા વિવિધ દેશો વચ્ચે હરીફાઈ થશે. અમેરિકા યજમાન હોવાથી (પુરુષ તથા મહિલા) બન્ને ક્રિકેટ ટૂર્નામેન્ટમાં એનો સમાવેશ મોટા ભાગે નક્કી કહેવાશે. ટૂર્નામેન્ટમાં બીજા પાંચ-પાંચ દેશનો સમાવેશ ક્વૉલિફિકેશન રાઉન્ડને આધારે નક્કી થશે. એવું મનાય છે કે આઇસીસીના રૅન્કિંગ્સની યાદીમાં (કટ-ઑફ તારીખ)ને દિવસે જે પાંચ દેશ ટોચના પાંચ ક્રમે હશે તેઓ ઑલિમ્પિક્સમાં રમી શકશે.
2028ની આગામી ઑલિમ્પક્સમાં ક્રિકેટ ઉપરાંત બીજી ચાર નવી રમતોની પણ હરીફાઈ યોજાશે અને એમાં બેઝબૉલ, સૉફ્ટબૉલ, ફ્લૅગ ફૂટબૉલ, લૅક્રોઝી (સિક્સીસ) અને સ્ક્વૉશનો સમાવેશ છે.
એ રીતે, ગયા વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સની તુલનામાં લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સમાં વધુ બાવીસ મેડલ આપવામાં આવશે.
ઑલિમ્પિક્સના ઇતિહાસમાં પહેલી વખત તમામ ટીમ-સ્પોર્ટ્સમાં પુરુષ તેમ જ મહિલા ટીમ ભાગ લેશે.