કેપ્ટન રોહિતે ફરી ડૅડી બનવાના ‘અંગત કારણસર’ લીધી રજા!

મુંબઈ: ટીમ ઈન્ડિયા તેના આગામી પડકારનો સામનો કરવા ઑસ્ટ્રેલિયા જવા રવાના થઇ ગઇ છે. ન્યુ ઝીલેન્ડ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપનો સહન કર્યા બાદ શરમનો સામનો કરી રહેલી ભારતીય ટીમ હવે ઑસ્ટ્રેલિયામાં 5 ટેસ્ટ મેચની શ્રેણી રમવાની છે. આ સીરીઝ પહેલા એક વાત તો નક્કી થઇ ગઇ છે કે કેપ્ટન રોહિત શર્મા અંગત કારણોસર પ્રથમ ટેસ્ટ મેચ અને કદાચ બીજી ટેસ્ટ મેચ પણ ગુમાવશે. એવા સમાચાર પણ છે કે રોહિત શર્મા બીજી વખત પિતા બનવાની તૈયારીમાં છે. બાળકના જન્મને કારણે રોહિત પ્રથમ ટેસ્ટમાં નહીં રમી શકે તેવી સંભાવના છે. આવા સમયે પરિવારની સાથે રહેવું ખૂબ જ જરૂરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિતે પેટરનિટી લીવ માટે અરજી કરી છે.
આ પણ વાંચો…..ટ્રમ્પને મળી ગયો તેમનો અજીત ડોભાલ, માઈક વોલ્ટ્ઝ બન્યા NSA
ન્યુ ઝીલેન્ડ સામે ભારતની ઘરઆંગણે 0-3થી હાર બાદ રોહિતના પર્થ ટેસ્ટમાં રમવા અંગે સવાલ ઊઠ્યા હતા ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, “મને પર્થમાં પ્રથમ ટેસ્ટ માટે મારી ઉપલબ્ધતા વિશે ખાતરી નથી, ફિંગર્સ ક્રોસ્ડ.” જોકે, તે સમયે પણ તેણે રિતિકા પ્રેગ્નન્ટ હોવાની વાત કરી નહોતી. એ સમયે લોકોના મનમાં એ જ વાત ચાલી રહી હતી કે ન્યુ ઝીલેન્ડ સામેની નાલેશીભરી હાર બાદ કેપ્ટન શર્માની હકાલપટ્ટી થશે એવા ભયને કારણે રોહિત ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચની શ્રેણી રમવા નહીં જઇ રહ્યો હોય. જોકે, હવે આ બાબતનો ખુલાસો થઇ ગયો છે. રોહિત અને પત્ની રિતિકા સજદેહ તેમના બીજા બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. બાળકનો જન્મ એ મહત્વપૂર્ણ ઘટના છે અને ભારતીય કેપ્ટન પર્થ ટેસ્ટ ચૂકી જાય તેવી શક્યતા છે.