વિરાટ કોહલી વિરુદ્ધ સ્ટીવ સ્મિથ, માઇન્ડ ગેમ અત્યારથી શરૂ
ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ હજી બે મહિના દૂર છે, પરંતુ એકમેકનું મનોબળ તોડવા અત્યારથી તીર છૂટી રહ્યાં છે
સ્પોર્ટ્સ મૅન – અજય મોતીવાલા
વિરાટ કોહલી જો કોઈ સિરીઝમાં રમવાનો હોય તો સૌની નજર તેના પર અચૂક રહે છે. માત્ર તેના બૅટિંગ પર્ફોર્મન્સ પર કે ટીમ માટે તે કેટલો અસરદાર રહે છે એ જ નહીં, પણ સિરીઝમાં તેની હરીફાઈ કોની સાથે થશે એની પણ મહિનાઓ પહેલાં ચર્ચા શરૂ થઈ જતી હોય છે. ઇંગ્લૅન્ડ સામે સિરીઝ રમાવાની હોય તો કોહલીને જૉ રૂટ સાથે સરખાવાય અને ન્યૂ ઝીલૅન્ડ સામે રમવાના હોય તો કેન વિલિયમસન સાથે તુલના કરાય છે. સ્વાભાવિક છે કે ઑસ્ટ્રેલિયા કે ઇંગ્લૅન્ડ સામે શ્રેણી રમાવાની હોય તો માઇન્ડ-ગેમની શરૂઆત હરીફ દેશમાંથી જ ઉદ્ભવતી હોય છે.
જુઓને, ભારતીય ટેસ્ટ ખેલાડીઓએ હજી તો ઘરઆંગણે બાંગ્લાદેશ સામેની સિરીઝ માંડ શરૂ કરી છે અને ત્યાર બાદ આપણે ઘરઆંગણે જ ન્યૂ ઝીલૅન્ડ સામે પણ રમવાના છીએ અને કાંગારૂઓ સામેની ટેસ્ટ શ્રેણી છેક નવેમ્બરના ચોથા અઠવાડિયામાં શરૂ થવાની છે, પરંતુ ઑસ્ટ્રેલિયામાંથી તીર છૂટવાનાં શરૂ થઈ ગયાં છે.
ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડર ગ્લેન મૅક્સવેલે કહ્યું છે કે આગામી બોર્ડર-ગાવસકર ટ્રોફીમાં કોહલી અને સ્ટીવ સ્મિથ વચ્ચે જોરદાર હરીફાઈ થશે.
ઉલ્લેખનીય છે કે વર્તમાન ટેસ્ટ-ક્રિકેટમાં કોહલી અને સ્મિથ ચાર ટોચના બૅટરમાંના બે છે. બાકીના બે બૅટરમાં ઇંગ્લૅન્ડના જૉ રૂટ અને ન્યૂ ઝીલૅન્ડના કેન વિલિયમસનનો સમાવેશ છે.
મૅક્સવેલે કહ્યું છે કે ‘છેલ્લાં ૧૦ વર્ષથી ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં કોહલીનું અથવા સ્ટીવ સ્મિથનું વર્ચસ્વ રહ્યું છે. આ વખતે પણ બેમાંથી એક સુપરસ્ટાર ઢગલો રન બનાવશે જ અને એટલે જ આ શ્રેણી પણ રોમાંચક બની રહેશે અને બધાને જોવાની મજા આવશે.’
જુઓ, બન્ને દિગ્ગજો એકમેકથી કેવી રીતે ચડિયાતા પુરવાર થયા હતા: ૨૦૧૩માં ભારતમાં રમાયેલી શ્રેણીમાં કોહલીએ છ ઇનિંગ્સમાં ૨૮૪ રન બનાવ્યા હતા તો સ્મિથના ચાર દાવમાં ૧૬૧ રન હતા. ૨૦૧૫માં કોહલીએ આઠ ઇનિંગ્સમાં કુલ ૬૯૨ રન બનાવ્યા હતા તો સ્મિથના આઠ ઇનિંગ્સમાં તેનાથી માત્ર ફક્ત ૭૭ રન વધુ એટલે કુલ ૭૬૯ રન હતા. યોગાનુયોગ, એ સિરીઝમાં કોહલી અને સ્મિથ બન્ને હરીફો કૅપ્ટન હતા અને ઑસ્ટ્રેલિયાએ ઘરઆંગણે રમાયેલી એ શ્રેણી ૨-૦થી જીતી લીધી હતી. ૨૦૧૭ની શ્રેણીમાં સ્મિથના આઠ દાવમાં કુલ ૪૯૯ રન સામે કોહલીના પાંચ દાવમાં માત્ર ૪૬ રન હતા અને ભારતમાં રમાયેલી એ શ્રેણી ૧-૧થી ડ્રૉમાં ગઈ હતી.
૨૦૧૯ની ઑસ્ટ્રેલિયા ખાતેની શ્રેણીમાં સ્મિથ નહોતો રમ્યો, જ્યારે કોહલીએ સાત ઇનિંગ્સમાં કુલ ૨૮૨ રન બનાવીને ભારતને ૨-૧થી વિજય અપાવ્યો હતો. એ પછી ૨૦૨૦માં બન્ને બૅટર્સ એક જ ટેસ્ટમાં સામસામે આવ્યા જેમાં કોહલીના રન ૭૪ અને ૪ હતા, જ્યારે સ્મિથનો ફક્ત એક રન અને એક નૉટઆઉટનો સ્કોર હતો. ઍડિલેઇડની એ ઐતિહાસિક ડે/નાઇટ ટેસ્ટ-મૅચ ઑસ્ટ્રેલિયાએ આઠ વિકેટે જીતી લીધી હતી.
માર્ચ, ૨૦૨૩માં ભારતમાં રમાયેલી સિરીઝમાં કોહલીએ સ્મિથને ઝાંખો પાડી દીધો હતો. છ દાવમાં કોહલીએ ૨૯૭ રન બનાવ્યા જેની સામે સ્મિથના સાત દાવમાં ફક્ત ૧૪૫ રન હતા. જોકે જૂન, ૨૦૨૩માં ઇંગ્લૅન્ડમાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં સ્મિથનો હાથ ઉપર હતો, કારણકે તેના ૧૨૧ રન અને ૩૪ રનને લીધે ઑસ્ટ્રેલિયા જીતી ગયું હતું અને કોહલીના ૧૪ તથા ૪૯ના સ્કોર સાથે નિષ્ફળ સાબિત થયો હતો.
કોહલી અને સ્મિથ, બન્ને સુપરસ્ટાર બૅટર અગાઉ પોતાના દેશની ટીમના કૅપ્ટન હતા. બન્ને જણ એકમેકના કટ્ટર હરીફ હોવા છતાં તેમને એકમેક પર ખૂબ માન પણ છે. એક સમય હતો જ્યારે ખુદ સ્ટીવ સ્મિથ શ્રેણીની શરૂઆત પહેલાં કોહલીની એકાગ્રતા તોડવા તેના વિશે કમેન્ટ કરતો હતો. જોકે સ્ટીવ સ્મિથ હવે તેના વખાણ કરવા લાગ્યો છે. તાજેતરમાં સ્મિથે કહ્યું, ‘મેદાન પરના અભિગમની વાત કરીએ તો કોહલીની માનસિકતા એક રીતે ઑસ્ટ્રેલિયન જેવી છે. તેના વિચારો (વલણ) અને ઍક્શન આ વાતની સાબિતી છે. તે જે રીતે લડત આપતો હોય છે, જે રીતે પડકાર ઝીલી લેતો હોય છે અને હરીફો પર હાવી થઈ જવાનો જે રીતે પ્રયત્ન કરતો હોય છે એવો ઍટિટ્યૂડ સામાન્ય રીતે ઑસ્ટ્રેલિયનોમાં હોય છે અને એ મને કોહલીમાં જોવા મળ્યો છે.’
સુનીલ ગાવસકરે તાજેતરમાં બહુ સરસ કહ્યું. તેમણે એક કૉલમમાં લખ્યું છે કે ‘બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતીયો કુલ પાંચ ટેસ્ટ રમશે અને આ પાંચ મૅચ ઑસ્ટ્રેલિયામાં રમાનારી સિરીઝ માટેની ભારતીયોની માનસિક તૈયારી માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે. સ્ટીવ સ્મિથ વિશે બહુ કહેવાયું છે, પણ મને લાગે છે કે જો તે જસપ્રીત બુમરાહના આક્રમણમાં બચી જશે તો રવિચન્દ્રન અશ્ર્વિનની જાળમાં ફસાવાનો જ છે. મને લાગે છે કે સ્મિથને વહેલો પૅવિલિયન ભેગો કરવા અશ્ર્વિને કોઈ નવા પ્રકારનો બૉલ ફેંકવાની પ્રૅક્ટિસ કરી લીધી હશે.’