પાકિસ્તાનના ત્રણ ધુરંધર ખેલાડીઓને ક્રિકેટ બોર્ડે સાફ મનાઈ કરી દેતાં કહી દીધું કે…
કરાચી: તાજેતરના ટી-20 વર્લ્ડ કપમાં ભારત સામે અને અમેરિકા સામે હારી જતાં વહેલા સ્પર્ધાની બહાર ફેંકાઈ જવા બદલ પોતાના દેશમાં બદનામ થયેલા ત્રણ પાકિસ્તાની ધુરંધર ખેલાડીઓને તેમના ક્રિકેટ બોર્ડે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તમારે હમણાં બહારની (અન્ય દેશની) કોઈ ફ્રૅન્ચાઇઝી-આધારિત ટી-20 ટૂર્નામેન્ટમાં નથી રમવા જવાનું, કારણકે આવનારા આઠ મહિનામાં પાકિસ્તાનની ટીમને ત્રણેય ફૉર્મેટ (ટી-20, વન-ડે, ટેસ્ટ)માં તમારી જરૂર પડવાની છે.
ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી, કૅપ્ટન બાબર આઝમ અને વિકેટકીપર-બૅટર મોહમ્મદ રિઝવાને કૅનેડાની આગામી ગ્લોબલ ટી-20 ટૂર્નામેન્ટમાં રમવા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) પાસે નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) માગ્યું હતું, પરંતુ પીસીબીએ આ ખેલાડીઓ તેમ જ સિલેક્શન કમિટી સાથે ચર્ચા કરીને ત્રણેયને એનઓસી નકારી દીધી છે.
પીસીબીએ ત્રણેય ખેલાડીને કહી દીધું છે કે ‘આવનારા આઠ મહિના દરમ્યાન પાકિસ્તાનની ત્રણેય ફૉર્મેટમાં જે પણ સિરીઝ રમાવાની છે એમાં ટીમને તમારી જરૂર પડશે એટલે તમને હમણાં ક્યાંય બહાર રમવા નહીં જવા મળે. આ ભરચક ઇન્ટરનૅશનલ શેડ્યૂલ વચ્ચે તમે ક્યાંય બહાર કોઈ પણ ફ્રૅન્ચાઇઝી ટૂર્નામેન્ટમાં રમવા નહીં જઈ શકો.’
ગયા અઠવાડિયે ફાસ્ટ બોલર નસીમ શાહે ઇંગ્લૅન્ડની ‘ધ હન્ડ્રેડ’ સ્પર્ધામાં રમવા પરવાનગી માગી હતી, પણ પીસીબીએ તેને પણ એનઓસી ન આપવાનો નિર્ણય લીધો હતા. જો નસીમને રમવા મળ્યું હોત તો તેને 1.25 લાખ પાઉન્ડ (1.35 કરોડ રૂપિયા) મળ્યા હોત, કારણકે તેણે બર્મિંગહૅમ ફિનિક્સ ટીમ વતી રમવા એના ફ્રૅન્ચાઇઝી સાથે કરાર કર્યો હતો.
પાકિસ્તાની ટીમે ઑગસ્ટ, 2024થી માર્ચ 2025 સુધીના આઠ મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની નવ ટેસ્ટમાં, વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં અને બીજી 14 વન-ડેમાં તેમ જ નવ ટી-20 મૅચમાં રમવાનું છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પીસીબી તરફથી હારિસ રઉફ, મોહમ્મદ આમિર, મોહમ્મદ નવાઝ, આસિફ અલી અને ઉસામા મીરને વિવિધ ટી-20 ટૂર્નામેન્ટોમાં રમવા એનઓસી આપ્યું હતું.