BCCI લગાવશે પાબંદી, ક્રિકેટ મેચોમાં હવે નહીં જોવા મળે………

નવી દિલ્હીઃ ભારતમાં ક્રિકેટ મેચો દરમિયાન, તમાકુ ઉત્પાદનોની સરોગેટ જાહેરાતો ઘણીવાર સ્ટેડિયમમાં મૂકવામાં આવે છે. આ જાહેરાતો તમાકુના ઉત્પાદનોને સીધી રીતે દર્શાવતી નથી, પરંતુ તમાકુ ઉત્પાદનો સાથે જોડાણ ધરાવતા અન્ય ઉત્પાદનો દ્વારા પ્રચાર કરવામાં આવે છે. મેચો દરમિયાન તમાકુની બ્રાન્ડ દર્શાવતી સરોગેટ જાહેરાતો પર સરકારની ચિંતા વધી છે, કારણ કે આ જાહેરાતોમાં આડકતરી રીતે યુવા દર્શકોને નિશાન બનાવવામાં આવે છે. આ જાહેરાતો ઘણીવાર પાન મસાલા અથવા માઉથ ફ્રેશનરની જાહેરાતો તરીકે દર્શાવીને તેને સેલિબ્રિટીઓ દ્વારા સમર્થન આપવામાં આવે છે. યુવાનોને તમાકુના ઉત્પાદનોના સંપર્કમાં રોકવા માટેના એક પગલામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને સમગ્ર દેશમાં ક્રિકેટના સ્થળો પર ધુમાડા વગરના તમાકુની જાહેરાત કરતા હોર્ડિંગ્સ પ્રદર્શિત કરવાનું બંધ કરવા સૂચના આપવાની તૈયારી કરી રહી છે. એક અહેવાલ મુજબ, ક્રિકેટ મેચો દરમિયાન તમાકુની બ્રાન્ડને પ્રમોટ કરતી સરોગેટ જાહેરાતો અંગે ઉભી થયેલી ચિંતાઓને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
BCCIના પ્રમુખ રોજર બિન્ની અને SAIના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાનને લખેલા પત્રમાં આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક ડૉ. અતુલ ગોયલે જણાવ્યું હતું કે ખેલાડીઓ, ખાસ કરીને ક્રિકેટરો, તંદુરસ્ત, સક્રિય અને લાભદાયક જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે યુવાનો માટે રોલ મોડેલ છે. આ સરોગેટ જાહેરાતો રમતગમતના કાર્યક્રમોમાં હાજરી આપતા યુવા પ્રેક્ષકોને પરોક્ષ રીતે લક્ષ્ય બનાવે છે. IPLજેવી ક્રિકેટ ઇવેન્ટ દરમિયાન, તેમાંથી કેટલાક – ફેમસ ક્રિકેટર્સ અને ફેમસ એક્ટર્સને તમાકુ કે આલ્કોહોલ સંબંધિત જાહેરાતો કરતા જોવું નિરાશાજનક છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બીસીસીઆઈને તમાકુ-દારૂની જાહેરાતો પર પ્રતિબંધ મૂકવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે ભારતના ક્રિકેટ સ્ટેડિયમોમાં તમાકુ અને આલ્કોહોલનો પ્રચાર કરતી આવી છુપી સરોગેટ જાહેરાતો ખતમ કરવા માટે BCCIએ પગલાં ભરવા પડશે.