ડરપોક પાકિસ્તાન પાછું ભયભીત થયું, હવે ભારતની આ ટૂર્નામેન્ટમાંથી નીકળી ગયું

નવી દિલ્હીઃ 2023માં પાકિસ્તાને વન-ડેના વર્લ્ડ કપ માટે પોતાની ટીમને અમદાવાદ મોકલી હતી, પરંતુ 2025ની બાવીસમી એપ્રિલે પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ પહલગામમાં હિન્દુ સહેલાણીઓની કત્લેઆમનું બર્બરતાભર્યું કૃત્ય કરવાને પગલે હવે પાકિસ્તાન (Pakistan) ત્રણ દિવસના ટૂંકા યુદ્ધમાં ભારતના હાથે જોરદાર લપડાકો ખાધા બાદ પોતાના ખેલાડીઓને ભારત મોકલતા ડરી રહ્યું છે જેનો બીજો પુરાવો શુક્રવારે મળ્યો છે. પાકિસ્તાને પોતાના જુનિયર હૉકી (junior hockey) ખેલાડીઓને વર્લ્ડ કપ માટે ભારત ન મોકલવાનો નિર્ણય લીધો છે. ઑગસ્ટમાં પાકિસ્તાને મેન્સ હૉકી એશિયા કપ માટે પોતાની ટીમને બિહાર નહોતી મોકલી.
આગામી નવેમ્બર-ડિસેમ્બરમાં ભારતમાં જુનિયર હૉકી વિશ્વ કપ સ્પર્ધા રમાવાની છે અને એમાં પોતે ભાગ નહીં લે એવું પાકિસ્તાન હૉકી ફેડરેશને ઇન્ટરનૅશનલ હૉકી ફેડરેશન (એફઆઇએચ)ને જણાવી દીધું છે. પાકિસ્તાનના સંગઠને એને જણાવ્યું છે કે ` અમારી ટીમ તમિલનાડુના જુનિયર હૉકી વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ છે, પરંતુ અમે એમાં ભાગ નહીં લઈએ.’
આ સ્પર્ધા 28 નવેમ્બરથી 10 ડિસેમ્બર દરમ્યાન ચેન્નઈ અને મદુરાઈમાં યોજાવાની છે. પાકિસ્તાનને ભારતવાળા ગ્રૂપ-બીમાં રાખવામાં આવ્યું હતું. એ ગ્રૂપમાં ચિલી અને સ્વિટ્ઝરલૅન્ડનો પણ સમાવેશ છે. પાકિસ્તાનના સ્થાને કઈ ટીમ આ ગ્રૂપમાં રાખવામાં આવશે એની જાહેરાત કરવામાં આવશે. જોકે હૉકી ઇન્ડિયાએ જણાવ્યું છે કે પાકિસ્તાન હૉકીના વર્લ્ડ કપમાંથી નીકળી ગયું છે એની સત્તાવાર રીતે અમને કંઈ જ જાણ નથી.
ભારત સરકારે તાજેતરમાં નવી નીતિ જાહેર કરી હતી જે મુજબ પાકિસ્તાન સાથે દ્વિપક્ષી સિરીઝોમાં નહીં રમવાનો અભિગમ જાળવી રાખશે, પણ બહુરાષ્ટ્રીય ટૂર્નામેન્ટોમાં પાકિસ્તાન સામે રમશે. જોકે નફ્ફટ પાકિસ્તાને ભારતથી વિપરીત નીતિ અપનાવી છે અને ભારતમાં યોજાતી બહુરાષ્ટ્રીય સ્પર્ધામાંથી નીકળી જવાનો માર્ગ અપનાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ક્રિકેટના એશિયા કપમાં સૂર્યકુમાર યાદવે પાકિસ્તાનના કૅપ્ટન સલમાન આગા સાથે હાથ નહોતા મિલાવ્યા અને ભારતીય ખેલાડીઓએ મૅચ પછી પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાથ મિલાવવાનું ટાળ્યું હતું તેમ જ પાકિસ્તાનના પ્રધાન અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના પ્રમુખ મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડી દીધી હતી જેને પગલે નકવીએ ભારતના હકની ટ્રોફી અને મેડલ એસીસીની ઑફિસના કબાટમાં રખાવી દીધા હતા.
આપણ વાંચો: ‘ ફેરવેલ મૅચ થા’ રોહિત વિશે ગંભીર આવું શૉકિંગ કેમ બોલ્યો?



