ઓવલમાં ફતેહ કરો અને કરોડોનાં દિલ જીતો | મુંબઈ સમાચાર

ઓવલમાં ફતેહ કરો અને કરોડોનાં દિલ જીતો

ગુરુવારથી છેલ્લી ટેસ્ટઃ ગિલ ઍન્ડ કંપનીએ બ્રિટિશરોનો છેલ્લો ગઢ જીતીને લાજ રાખવાની છેઃ બપોરે 3.30 વાગ્યાથી મુકાબલો

લંડનઃ અહીં ધ ઓવલ ગ્રાઉન્ડ પર ગુરુવાર, 31મી જુલાઈ (બપોરે 3.30 વાગ્યાથી)થી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચમી અને અંતિમ ટેસ્ટ (Test) શરૂ થશે જે જીતીને ભારતીય ટીમે સિરીઝને 2-2થી ડ્રૉ કરાવીને ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીને બરાબરી સાથે પૂરી કરવાની છે અને એની સૌથી વધુ જવાબદારી સિરીઝમાં હાઇએસ્ટ 722 રન કરનાર ઇન્ફૉર્મ બૅટ્સમૅન તથા કૅપ્ટન શુભમન ગિલ (Gill) તેમ જ કે. એલ. રાહુલ, વૉશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા વગેરેની છે. સિરીઝમાં એજબૅસ્ટનની બીજી ટેસ્ટ ભારતે જીતી હતી અને ઑલ્ડ ટ્રેફર્ડમાં જાડેજા-વૉશિંગ્ટનની જોડીએ શાનદાર બૅટિંગથી આબરૂ સાચવી હતી એને લીધે જ શ્રેણી 1-2થી હજી જીવંત રહી છે. જસપ્રીત બુમરાહ વર્કલૉડને કારણે આ ટેસ્ટમાં નથી રમવાનો.

પિચ ક્યૂરેટરના ગેરવર્તનને કારણે વિવાદના વમળમાં આવી ગયેલી ઓવલ (oval)ની પિચ પર બુધવારે સાંજે થોડું લીલું ઘાસ હતું, પણ 24 કલાકમાં પિચમાં ફેરફાર થઈ શકે એવી શક્યતા પણ હતી. ગુરુવારે વરસાદ પડવાની સંભાવના છે.

ઓવલનું મેદાન બ્રિટિશરોનો ગઢ છે. અહીં ભારત 15માંથી માત્ર બે ટેસ્ટ (1971માં અને 2021માં) જીત્યું છે. 2023માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ઑસ્ટ્રેલિયા સામેની ફાઇનલમાં પણ ભારત આ જ મેદાન પર હાર્યું હતું. જોકે ગુરુવારે શરૂ થતી ટેસ્ટ જીતીને ટીમ ઇન્ડિયાએ ભૂતકાળના કલંકો દૂર કરવા પડશે.

બ્રિટિશ ટીમમાં જેકબ બેથેલ, ગસ ઍટક્નિસન, જૉશ ટન્ગ અને જૅમી ઑવર્ટનના સમાવેશ કરવામાં આવ્યા છે.

બેન સ્ટૉક્સ નહીં રમે, ઑલી પૉપ કૅપ્ટન

ઇંગ્લૅન્ડનો કૅપ્ટન-ઑલરાઉન્ડર બેન સ્ટૉકસ ભારત સામે ઓવલમાં શરૂ થનારી પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં નહીં રમે. સ્ટૉક્સને ખભામાં ખૂબ દુખાવો (ગ્રેડ થ્રી ટીઅર્સ) છે. તેના સ્થાને બૅટ્સમૅન ઑલી પૉપ ટીમનું સુકાન સંભાળશે. સ્ટૉક્સની ગેરહાજરીની બ્રિટિશ ટીમને ખૂબ ખોટ વર્તાશે, કારણકે તે આ સિરીઝનો સૌથી સફળ બોલર છે. ભારતે આ સ્થિતિનો ફાયદો ઉઠાવવો રહ્યો. બન્ને ટીમના તમામ બોલર્સમાં સૌથી વધુ 17 વિકેટ સ્ટૉક્સના નામે છે. યોગાનુયોગ, ભારત વતી સિરાજની જેમ સૌથી વધુ 14 વિકેટ લેનાર બુમરાહે પણ આજે શરૂ થતી ટેસ્ટમાં નથી રમવાનો.

બન્ને દેશની ટીમઃ

ભારત (સંભવિત ઇલેવન):
શુભમન ગિલ (કૅપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે. એલ. રાહુલ, સાઇ સુદર્શન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ/કુલદીપ યાદવ/શાર્દુલ ઠાકુર, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

ઇંગ્લૅન્ડની ઇલેવનઃ
ઑલી પૉપ (કૅપ્ટન), ઝૅક ક્રૉવ્લી, બેન ડકેટ, જૉ રૂટ, હૅરી બ્રૂક, જૅકબ બેથેલ, જૅમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વૉક્સ, ગસ ઍટક્નિસન, જૅમી ઑવર્ટન અને જૉશ ટન્ગ.

આપણ વાંચો : સારા તેંડુલકરની મિત્રને દિલ્હીમાં મળ્યું મોટું કામ! રૂપિયાનો થશે વરસાદ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button