
અમદાવાદ/નવી દિલ્હીઃ માન્યામાં ન આવે તેવી વાત છે. આજે તો ભારત ક્રિકેટનું પાવરહાઉસ છે, પરંતુ જે સમયે ક્રિકેટમાં ભારત અન્ડરડૉગ ગણાતું હતું ત્યારે વિશ્વને અચરજમાં મૂકી દેશ માટે પહેલો વર્લ્ડ કપ લઈ આવનાર તે સમયના ભારતીય કેપ્ટન અને મેચના હીરો કપિલ દેવને આજની અમદાવાદ ખાતેની મેચમાં હાજર રહેવાનું આમંત્રણ મળ્યું નથી. આ મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ બીસીસીઆઈની ટીકા કરી હતી.
કપિલ દેવને બીસીસીઆઈએ આમંત્રણ આપ્યું નહોતું. એ વાત આશ્ચર્યની છે. કપિલ દેવ પણ બેદીના માફક પોતાની વાત કહેવા માટે જાણીતા છે અને થોડા સમય પહેલા કપિલ દેવે પણ મહિલા આંદોલનકારી પહેલવાનોના સમર્થનમાં જાહેરમાં બોલ્યા હતા. આ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે, એવું સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે, આજની અમદાવાદની ફાઈનલ મેચમાં પોતાને આમંત્રણ નહીં આપ્યું હોવાની વાત ખુદ કપિલ દેવએ એક ટીવી શૉમાં કહી હતી. તેમણે ટીવી એન્કરને કહ્યું કે મારી ઈચ્છા હતી કે માત્ર મને નહીં પણ 1983ની આખી ટીમને અમદાવાદ આવવાનું આમંત્રણ મળે. પણ અમને બોલાવ્યા નથી એટલે અમે ગયા નથી. તમે બોલાવ્યા તો આવ્યા. કપિલ દેવે એવો તીખારો પણ કર્યો કે ઘણા કામ અને ઘણી જવાબદારીઓ હોય છે આથી અમને આમંત્રણ આપાવનું રહી ગયું હશે. ભારત ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચમાં રાજકારણથી માંડી ફિલ્મ અને ઉદ્યોગજગતના માંધાતાઓ હાજર છે. આ સાથે ઘણા દેશોના પૂર્વ કેપ્ટન પણ હાજર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 1983માં ભારત જ્યારે વર્લ્ડ કપમાં સામેલ થવા ગયું ત્યારે કોઈએ તેને ગંભીરતાથી લીધું નહોતું અને તે વિજેતાનું દાવેદાર પણ માનવામાં આવતું ન હતું. જ્યારે ભારત ફાઈનલમાં પહોંચ્યું ત્યારે તેમની સામે વેસ્ટ ઈન્ડીઝ જેવી ખૂબ જ જબરજસ્ત ટીમ હતી જે લગાતાર બે કપ જીતી હતી અને હેટ્રિક મારવાની તૈયારીમાં હતી, પણ બધાના આશ્ચર્ય વચ્ચે ભારતે તેમને હરાવી કપ પોતાને નામ કર્યો હતો. તે સમય બાદ દેશમાં ક્રિકેટની ચાહના વધી હોવાના દાવાઓ પણ થી રહ્યા છે ત્યારે કપિલ દેવનો આ ખુલાસો ટીકાને આમંત્રણ આપશે તે વાત નિર્વિવાદ છે.