પરાજિત રોહિતસેનાને ‘સજા’: દિવાળીના દિવસોમાં બધાએ ફરજિયાત…

મુંબઈ: ભારતીય ટીમ ન્યૂ ઝીલેન્ડ સામે પહેલી બન્ને ટેસ્ટ હારી જતાં ન્યૂ ઝીલેન્ડને 70 વર્ષમાં પહેલી વાર ભારતની ધરતી પર ટેસ્ટ સિરીઝ જીતવા મળી ગઈ. 0-2ની આ હારના આ આઘાત બદલ રોહિત શર્માની કેપ્ટન્સી પર તો સવાલ ઉઠ્યા જ છે, ક્રિકેટ બોર્ડ એક્શન મોડમાં આવી ગયું છે.
હવે કિવીઓ સામે ત્રીજી અને છેલ્લી ટેસ્ટ શુક્રવાર, પહેલી નવેમ્બરથી વાનખેડેમાં રમાશે અને એ પહેલાં (દિવાળીના દિવસોમાં) ટીમ ઇન્ડિયાના બધા ખેલાડીઓને ફરજિયાત પ્રેક્ટિસ સેશનમાં હાજરી આપવાનું કહેવામાં આવ્યું છે.
એક અહેવાલ મુજબ હવે ખેલાડીઓએ દિવાળીના પર્વના દિવસોમાં પણ પ્રેક્ટિસ કરવી પડશે.
આ પ્રેક્ટિસ સેશન બુધવાર અને ગુરુવારે (30 અને 31મી ઓક્ટોબરે) યોજાશે અને એક અહેવાલ અનુસાર આ સેશન ટીમના દરેક ખેલાડી માટે ફરજિયાત છે.
કહેવાય છે કે કેપ્ટન રોહિત શર્મા, વાઇસ-કેપ્ટન જસપ્રીત બુમરાહ તેમ જ સિનિયર પ્લેયર વિરાટ કોહલી માટે પણ આ સેશન ફરજિયાત છે.
સામાન્ય રીતે પ્રેક્ટિસના સેશન અમુક ખેલાડીઓ માટે વૈકલ્પિક હોય છે, પરંતુ આ વખતે નિયમ કડક બનાવાયો છે.
વાનખેડેમાં પણ જો રોહિતની ટીમ હારી જશે તો ન્યૂ ઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કરવાનો મોકો મળશે અને ટેસ્ટના વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચવા માટેના ભારતના પ્રયાસોને મોટો ધક્કો પહોંચશે.
આ બધુ જોતાં ખેલાડીઓને મૅચના દિવસ સુધી સઘન પ્રેક્ટિસ કરવાનું કહેવામાં આવ્યું છે.