‘ભારત સેમિ ફાઇનલ જા રહા હૈ…’ એવું બોલીને કૉમેન્ટેટર ચોધાર આંસુએ રડી પડ્યા!
પૅરિસ: શુક્રવારે કોલંબોમાં શ્રીલંકા સામેની પ્રથમ વન-ડેમાં હાથમાં આવી રહેલી બાજી ભારતે ગુમાવી દીધી અને મૅચને ટાઇમાં જતી જોવા મળી ત્યારે એકાદ ભારત-તરફી કૉમેન્ટેટર હતાશામાં ભાવુક થઈ ગયા હશે. રવિવારે ભારતનો કૉમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલિસ્ટ બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ડેન્માર્કના વિક્ટર ઍક્સલસેન સામે લડત આપીને હારી ગયો ત્યારે પણ કદાચ કૉમેન્ટેટર હતાશાને રોકી નહીં શક્યો હોય, પરંતુ રવિવારે પૅરિસમાં ભારતની હૉકીની રસાકસીભરી મૅચ વખતે ભારતીય કૉમેન્ટેટર આનંદના અતિરેકમાં એટલા બધા ભાવુક થઈ ગયા હતા કે ચોધાર આસુંએ રડી પડ્યા હતા. તેમનામાં ખુશી સમાતી નહોતી.
વાત એવી છે કે સોમવારે ભારતે ભારે સંઘર્ષપૂર્ણ હૉકી મૅચમાં વર્લ્ડ નંબર-ટૂ ગ્રેટ બ્રિટનને 1-1ની ડ્રૉ પછી પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી લીધી હતી.
એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલ પર બતાવાયા મુજબ સુનીલ તનેજા નામના કૉમેન્ટેટરમાં ભારતીય હૉકી ચાહકો જેવા જ જુસ્સો અને પૅશન જોવા મળ્યા હતા. સામાન્ય રીતે કૉમેન્ટેટર કૉમેન્ટરી દરમ્યાન પોતાની સંવેદનાઓને કાબૂમાં રાખતા હોય છે, પરંતુ પેનલ્ટી શૂટઆઉટમાં ભારતે 4-2થી જેવો વિજય મેળવ્યો કે તરત જ સુનીલ તનેજા ઊભા થઈ ગયા હતા અને ખૂબ લાગણીવશ થઈને ‘ભારત સેમિ ફાઇનલ જા રહા હૈ…’ એવું વારંવાર બોલ્યા હતા. એવું બોલતાં-બોલતાં તેઓ રડી પડ્યા હતા અને સાથી કૉમેન્ટેટરે તેમને શાંત પાડવા પડ્યા હતા. મેદાન પરનો ભારતીય ખેલાડી જેટલો ભાવુક થઈ ગયો હશે એટલા એક્સાઇટેડ આ કૉમેન્ટર પણ થયા હતા એમ કહીએ તો પણ ખોટું નથી.
કૉમેન્ટેટરની એ ભાવુક ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
આ મૅચની શરૂઆતની મિનિટોમાં અમિત રોહિદાસને રેડ કાર્ડ બતાવાતાં ભારતની ટીમ 11ને બદલે 10ની થઈ ગઈ હતી એમ છતાં છેવટે આ ટૂર્નામેન્ટના નંબર-વન ખેલાડી અને ભારતના કૅપ્ટન હરમનપ્રીત સિંહની કૅપ્ટન્સીમાં ભારતે અટ્ટહાસ્ય કર્યું હતું. ભારતના લેજન્ડરી ગોલકીપર અને આ ઑલિમ્પિક્સ પછી નિવૃત્તિ લેનાર શ્રીજેશ ‘દીવાલ’ બનીને ગ્રેટ બ્રિટનના આક્રમણ સામે ઊભો હતો અને ઘણા ગોલ અટકાવ્યા હતા.