ગઈકાલે મેચ હાર્યા બાદ ગુસ્સે ભરાયા કોચ રાહુલ દ્રાવિડ અને કહ્યું…
નવી દિલ્હીઃ ગઈકાલે સાઉથ આફ્રિકા ખાતે ટીમ ઈન્ડિયા અને ટીમ સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. ઈન્ડિયન ટીમે પહેલાં બેટિંગ કરીને 19.3 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 180 બનાવ્યા હતા. ત્યાર બાદ પડેલાં વરસાદને કારણે મેચ રોકાઈ ગઈ હતી અને પછી સાઉથ આફ્રિકાની ટીમને DLS પદ્ધતિ મુજબ 15 ઓવરમાં 152 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આશ્ચર્ય વચ્ચે સાઉથ આફ્રિકાએ 14 ઓવરમાં જ આપવામાં આવેલો ટાર્ગેટ હાંસિલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયાની હારથી કોચ રાહુલ દ્રાવિડ ખૂબ જ નારાજ થયા છે અને તેમણે મેદાન પર જ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
સાઉથ આફ્રિકાની ટીમ જેવી ટીમ ઈન્ડિયા સામે બીજી મેચ જીતવામાં સફળ રહી એટલે કોચ રાહુલ દ્રવિડ તરત જ મેદાન પર આવ્યા હતા અને તે મેદાનને ટચ કરીને જોવા લાગ્યા હતા. વરસાદને કારણે આખું મેદાન ભીનું હતું અને એને કારણે ભારતીય બોલરોની બોલિંગ પર અસર જોવા મળી હતી. આ પરિસ્થિતિતમાં દ્રવિડ ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને તે બધાની સામે પોતાની નારાજગી વ્યક્ત કરતો જોવા મળ્યો હતો, જેના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. રાહુલે જે રીતે પોતાની પ્રતિક્રિયા આપી છે એ જોઈને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કદાચ રાહુલ આ મામલે અમ્પાયરને સવાલ કરી શકે છે.
જોકે, ટીમ ઈન્ડિયાની હાર બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એક સમયે એવું લાગી રહ્યું હતું કે સ્કોર એકદમ બરાબરીનો છે, પરંતુ તેમણે પહેલી પાંચ-છ ઓવરમાં જ ધૂંઆધાર બેટિંગ કરીને આખી મેચ એમના તરફ કરી લીધા હતા. ભીના બોલ સાથે બોલિંગ કરવું ખરેખર અઘરું હતું. પરંતુ ભવિષ્યમાં પણ અમારે આવી જ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે એની અમને જાણ છે. આ અમારા માટે એક શીખવા જેવી બાબત છે અને એમાંથી શીખી રહ્યા છે.