સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ કપ માટે કોચ દ્રવિડ પાસે અનેક વિકલ્પો: કેટલાકના પત્તા કટ થઈ શકે

બેન્ગલૂરુ: સિલેક્ટરો પાસે તેમ જ કૅપ્ટન-કોચ પાસે ઘણી વાર વિકલ્પ તરીકે એટલા બધા ખેલાડીઓ ઉપલબ્ધ હોય છે કે એ તેમના માટે મીઠી મૂંઝવણ બની જાય છે. હાલમાં હેડ-કોચ રાહુલ દ્રવિડના કિસ્સામાં કંઈક આવું જ છે.

ઇંગ્લૅન્ડ સામે પચીસમી જાન્યુઆરીએ ઘરઆંગણે શરૂ થનારી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ પૂરી થયા પછી આઇપીએલ રમાશે અને ત્યાર બાદ જૂનમાં ટી-20નો વિશ્ર્વ કપ શરૂ થશે.

ભારત બુધવારે ટી-20 વર્લ્ડ કપ પહેલાંની છેલ્લી ટી-20 અફઘાનિસ્તાન સામે રમ્યું અને એ શ્રેણીની પહેલાં સાઉથ આફ્રિકા તથા ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પણ ભારતે ઘણા યુવા ખેલાડીઓને અજમાવ્યા હતા. હવે જ્યારે વિકલ્પો વધી ગયા છે ત્યારે એક સંભાવના એવી પણ છે કે ક્યારેક કોઈક સારા પ્લેયરનું ટીમમાંથી પત્તું કપાઈ શકે અને જે બહુ ફૉર્મમાં ન હોય એનું સ્ક્વૉડમાં સિલેક્શન થઈ શકે.

છેલ્લી થોડી સિરીઝોની એક કે વધુ મૅચોમાં ચમકેલા ખેલાડીઓમાંથી કોઈના પત્તા ટી-20 વર્લ્ડ કપ માટેના સિલેક્શન વખતે કટ થઈ શકે. હેડ-કોચ રાહુલ દ્રવિડે કહ્યું, ‘વન-ડેના વર્લ્ડ કપ પછી અલગ-અલગ ખેલાડીઓ રમ્યા જેને કારણે સારું એ થયું કે આપણી પાસે ઘણા વિકલ્પો આવી ગયા છે. આઇપીએલ પણ આવશે અને એમાંના પર્ફોર્મન્સ પર પણ નજર રખાશે.’

દ્રવિડ અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં બુધવારે મૅન ઑફ ધ સિરીઝ પુરસ્કાર જીતનાર ઑલરાઉન્ડર શિવમ દુબે પર આફરીન છે. દ્રવિડે કહ્યું, ‘તે (શિવમ) લાંબા સમય બાદ ટીમમાં પાછો આવ્યો, અગાઉ કરતાં વધુ સારો પ્લેયર બનીને આવ્યો. તેનામાં ટૅલન્ટ હંમેશાં જોવા મળી જ છે. હું તેના પર્ફોર્મન્સથી ખૂબ ખુશ છું. વાપસી પછી તે બુધવારે પ્લેયર ઑફ ધ સિરીઝ બન્યો એનાથી તેનો આત્મવિશ્ર્વાસ ઘણો વધી જશે.’

દ્રવિડે વિકેટકીપિંગમાં પણ ભારતીય ટીમ પાસે જે અનેક વિકલ્પો છે એની પણ વાત કરી હતી. તેણે કહ્યું, ‘અમારી પાસે સંજુ સૅમસન, ઇશાન કિશન અને રિષભ પંત સહિત ઘણા વિકલ્પો છે. હવે આવનારા મહિનાઓમાં શું સ્થિતિ રહે છે એના પર બધો આધાર છે અને એને આધારે નિર્ણયો લેવામાં આવશે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button