શિવાજી પાર્કમાં બનશે કોચ આચરેકરનું સ્ટૅચ્યૂ: સચિને તમામ સ્ટુડન્ટ્સ વતી સરકારનો આભાર માન્યો

મુંબઈ: શિવાજી પાર્ક વિસ્તારમાં વિખ્યાત ક્રિકેટ-કોચ રમાકાંત આચરેકરનું સ્ટૅચ્યૂ સ્થાપિત કરવાનો મહારાષ્ટ્ર સરકારે નિર્ણય લીધો છે અને એ નિર્ણયને આચરેકરના ખ્યાતનામ સ્ટુડન્ટ સચિન તેન્ડુલકરે આવકાર્યો છે.
શિવાજી પાર્ક ગ્રાઉન્ડના પાંચમા નંબરના ગેટ નજીક રમાકાંત આચરેકરની છ ફૂટ ઊંચી પ્રતિમા ઊભી કરવાની દરખાસ્તને રાજ્યના શહેરી વિકાસ વિભાગે બુધવારે મંજૂરીની મહોર લગાવી હતી.
શિવાજી પાર્કના મેદાનમાં જ સચિને નાનપણમાં આચરેકર પાસેથી ક્રિકેટની પાયાની તાલીમ લીધી હતી અને તે ક્રિકેટ જગતનો મહાન ખેલાડી બન્યો. ઑસ્ટ્રેલિયાના સર ડોનાલ્ડ બ્રૅડમૅન પછી સચિનની ગણના જી.ઓ.એ.ટી. (ગ્રેટેસ્ટ ઑફ ઑલ ટાઇમ) તરીકે થઈ રહી છે.
સચિને ઇન્સ્ટાગ્રામ પર સરકારના નિર્ણયને આવકારતા લખ્યું છે, ‘આચરેકર સરે આપેલી તાલીમની મારા તેમ જ બીજા અનેકના જીવન પર ઊંડી અસર થઈ છે. હું તેમના તમામ સ્ટુડન્ટ વતી આ કહી રહ્યો છું. આચરેકર સરનું આખું જીવન શિવાજી પાર્કની ક્રિકેટને સમર્પિત હતું. તેઓ જરૂર ઇચ્છતા હશે કે શિવાજી પાર્ક ખાતે તેમને હંમેશ માટે યાદ રાખવામાં આવે. શિવાજી પાર્ક આચરેકર સરની કર્મભૂમિ છે અને આ જ સ્થળે તેમની પ્રતિમા ઊભી કરવાનો સરકારે જે નિર્ણય લીધો છે એ બદલ હું બેહદ ખુશ છું.’
સરકારે ઠરાવમાં જણાવ્યું હતું કે ‘આ સ્ટૅચ્યૂ બનાવવાની જવાબદારી બૃહનમુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)ની રહેશે. સ્મૃતિરૂપી પ્રતિમા બનાવતાં પહેલાં બીએમસીએ કમિશનર પાસેથી તમામ પ્રકારની પરવાનગી અને મંજૂરીઓ લેવાની રહેશે તેમ જ નીતિ-નિયમો પાળવાના રહેશે.’
સરકારે ઠરાવમાં એવું પણ જણાવ્યું હતું કે ‘આચરેકર સરની પ્રતિમા સ્થાપિત થઈ જાય ત્યાર બાદ એની જાળવણી, સમારકામની જવાબદારી તેમ જ જરૂરી ભંડોળની જોગવાઈ કરવાની જવાબદારી બીવી કામથ મેમોરિયલ ક્રિકેટ ક્લબની રહેશે. આ સ્ટૅચ્યૂ બનાવવા તેમ જ એની જાળવણી-સમારકામ માટે સરકાર તરફથી કોઈ જ ફંડ નહીં આપવામાં આવે.’
આચરેકરે એવા 12 ખેલાડીઓને કોચિંગ આપ્યું હતું જેઓ પછીથી ભારત વતી રમ્યા હતા.આચરેકરને 1990ની સાલમાં દ્રોણાચાર્ય અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આચરેકરના મુખ્ય સ્ટુડન્ટ્સમાં સચિન તેન્ડુલકર ઉપરાંત રામનાથ પારકર, બલવિન્દર સિંહ સંધુ, લાલચંદ રાજપૂત, ચંદ્રકાન્ત પંડિત, પ્રવીણ આમરે, સમીર દીઘે, વિનોદ કાંબળી, સંજય બાંગડ, પારસ મ્હામ્બ્રે, રમેશ પોવાર અને અજિત આગરકરનો સમાવેશ હતો.