ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સે કેમ રિષભ પંતની માફી માગી?

લંડનઃ ક્યારેક એવું બને છે કે કોઈ બે વ્યક્તિને એકમેક સાથે બનતું ન હોય અથવા એકબીજાની હરીફ હોય એટલે અરસપરસ માત્ર ખુન્નસ તથા દ્વેષની જ તેમની વચ્ચે આપ-લે થતી હોય છે, પરંતુ જો આ જ બન્ને વ્યક્તિ બીમાર પડે તો તેમનામાં એક પ્રકારનો દયા ભાવ જન્મ લેતો હોય છે અને તેઓ એકમેકના ખબર પૂછી લે છે અને અરસપરસ સહાનુભૂતિ પણ વ્યક્ત કરી દે છે.
ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર ક્રિસ વૉક્સના કિસ્સામાં આવું જ બન્યું. તાજેતરની સિરીઝમાં મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટ દરમ્યાન તેનો એક બૉલ વિકેટકીપર રિષભ પંત (Rishabh Pant)ને પગમાં વાગ્યો હતો અને એ કિસ્સા બાબતમાં વૉક્સે (WOAKES) અજાણતાં પહોંચાડેલી એ ઈજા (injury) બદલ પંતની માફી માગી છે.
આપણ વાંચો: ક્રિસ વૉક્સે સૂર્યકુમારની જેમ અદભુત કૅચ પકડવાનો પ્રયાસ કર્યો અને…
પગના અંગૂઠામાં ફ્રૅક્ચર થવા છતાં પંત એ ટેસ્ટમાં બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો હતો. ખુદ ક્રિસ વૉક્સને ઓવલની છેલ્લી ટેસ્ટ દરમ્યાન ડાબા ખભામાં ઈજા થઈ હતી અને તે સોમવારના અંતિમ દિવસે ડાબા હાથ પર પાટો લગાવીને (સ્લિંગ સાથે) બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો હતો.
પંત પગની ઈજાને કારણે છેલ્લી નિર્ણાયક ટેસ્ટમાં નહોતો રમી શક્યો. જોકે ભારતીય ટીમે એ મૅચ જીતીને સિરીઝ 2-2ની બરાબરીમાં લાવી દીધી હતી. સિરીઝ ડ્રૉ કરાવવામાં એકંદરે પંતનું મહત્ત્વનું યોગદાન હતું.
આપણ વાંચો: બોલતાં પહેલાં વિચાર કર, કર્મનો સિદ્ધાંત પોતાને પણ લાગુ પડે છેઃ અશ્વિને આવું કોના માટે કહ્યું?
મીડિયામાં એકમેકને ખબરઅંતર પૂછ્યા
ટૂંકમાં પંત અને વૉક્સ, બન્નેએ ફ્રૅક્ચર છતાં ટીમની જરૂરિયાતને લક્ષમાં રાખીને કટોકટીના સમયે ફરી રમવા આવીને અસાધારણ ઉદાહરણો આપ્યા. વૉક્સે ઇંગ્લૅન્ડના એક જાણીતા દૈનિકને ઇન્ટરવ્યૂમાં કહ્યું, મેં જોયું કે રિષભ પંતે ઇન્સ્ટાગ્રામ પર મારો ફોટો મૂક્યો અને એમાં મને સલામ કરતું ઇમોજી પણ તેણે જોડ્યું હતું એટલે મેં તેનો આભાર માનતા લખ્યું કે તેં મારા પ્રત્યે જે પ્રેમ દાખવ્યો એ બદલ ધન્યવાદ. આશા છે કે તને પગમાં હવે ઘણું સારું હશે.
‘ ક્રિસ વૉક્સે મુલાકાતમાં પંત સાથેની શુભેચ્છાની આપ-લે બાબતમાં વધુમાં કહ્યું, રિષભ પંતે મને વૉઇસ નોટ મોકલી જેમાં તેણે મને કહ્યું કે આશા છે કે તને પણ હાથમાં થોડી રિકવરી થઈ હશે. ગુડ લક. આશા રાખું છું કે તને જલદી સારું થઈ જાય. હું ઇચ્છું છું કે એક દિવસ આપણે ફરી મળીશું.’
ક્રિસ વૉક્સે ઇન્ટરવ્યૂમાં એવી પણ જાણકારી આપી કે મારા બૉલમાં પંતને પગના અંગૂઠામાં ફ્રૅક્ચર થયું હતું એટલે મેં તેને સૉરી કહ્યું.
આપણ વાંચો: રોનાલ્ડોનું વૉલપેપર અને તેના જેવું સેલિબ્રેશન, સિરાજ બન્યો સરતાજ
શુભમન ગિલે વૉક્સની હિંમતને દાદ દીધી
ક્રિસ વૉક્સ આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સ, પંજાબ કિંગ્સ, રૉયલ ચૅલેન્જર્સ બેંગલૂરુ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમી ચૂક્યો છે. તેણે અંગે્રજ અખબારને મુલાકાતમાં એવી જાણકારી પણ આપી કે ` સોમવારે હું ડાબા હાથમાં પાટા સાથે બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો એ બદલ ભારતીય કૅપ્ટન શુભમન ગિલે મારી ખૂબ પ્રશંસા કરી હતી.
તેણે મને કહ્યું કે વાહ, તારી હિંમતને દાદ દેવી પડે. મેં ગિલને કહ્યું કે તું આ સિરીઝમાં અસાધારણ રમ્યો. વેલ પ્લેઇડ. તારી ટીમને પણ દાદ દેવી પડે. ટૂંકમાં, બન્ને ટીમે શ્રેણી જીતવા જે અપ્રતિમ દેખાવ કર્યો એ બદલ બન્ને ટીમ સરખી પ્રશંસાને પાત્ર છે. બેઉ ટીમ સિરીઝ જીતવા માગતી હતી, પરંતુ સિરીઝ છેવટે ડ્રૉમાં ગઈ એ પણ ઠીક થયું.’
ક્રિસ વૉકસ ડાબા હાથના પાટા સાથે (જમણા હાથે બૅટિંગ કરવાની તૈયારી સાથે) મેદાન પર ઊતર્યો હતો. તેણે બૅટિંગ કરવી પડે એવો સમય તો નહોતો આવ્યો, પરંતુ રન દોડતી વખતે (રનિંગ બિટવિન ધ વિકેટ્સ)માં તેને હાથમાં ખૂબ દુખાવો થયો હતો.