ક્રિસ ગેઇલે નિવૃત્ત રનર ઉસેન બોલ્ટને પડકારતા કહ્યું, ‘મારી સામે 100 મીટરની રેસ જીતી બતાવ’
દુબઈ: આઇપીએલ પછી ક્રિકેટની બીજી મોટી સ્પર્ધા તરત જ રમાશે અને એનું યજમાન અમેરિકા ઉપરાંત વેસ્ટ ઇન્ડિઝ પણ છે.
જૂનમાં આ બે દેશમાં સંયુક્ત રીતે મેન્સ ટી-20 વર્લ્ડ કપ રમાવાનો છે અને દુબઈમાં હેડ ક્વૉર્ટર ધરાવનાર આઇસીસીએ જ એનું કાઉન્ટડાઉન અત્યારથી શરૂ કરી દીધું છે.
વેસ્ટ ઇન્ડિઝના એક ટાપુ જમૈકાના બે દિગ્ગજ રમતવીરો અત્યારે વિશ્ર્વકપને લઈને ન્યૂઝમાં છે. એક છે ક્રિસ ગેઇલ અને બીજો છે ઉસેન બોલ્ટ.
37 વર્ષના બોલ્ટને આઇસીસીએ ટી-20 વર્લ્ડ કપ માટે બ્રૅન્ડ ઍમ્બેસેડર બનાવ્યો છે, જ્યારે રિટાયર્ડ ક્રિકેટર ગેઇલ વેસ્ટ ઇન્ડિઝની ટીમ સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલો રહેશે.
આપણે જાણીએ છીએ કે ‘યુનિવર્સ બૉસ’ તરીકે ઓળખાતો 44 વર્ષનો ગેઇલ આક્રમક બૅટર હતો, જ્યારે 37 વર્ષીય બોલ્ટ વિશ્ર્વનો ફાસ્ટેસ્ટ રનર હજી પણ છે. ‘લાઇટનિંગ બોલ્ટ’ તરીકે જાણીતો આ દોડવીર 9.58 સેક્ધડમાં 100 મીટરની દોડ પૂરી કરવાનો વિશ્ર્વવિક્રમ ધરાવે છે અને વિક્રમજનક આઠ વાર ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. 200 મીટરમાં પણ બોલ્ટના જ નામે 19.19 સેક્ધડનો વર્લ્ડ રેકૉર્ડ છે.
હવે વાત એવી છે કે ગેઇલે મજાકમાં ઉસેન બોલ્ટને રિટાયર થયા પછી હવે 100 મીટરની દોડમાં પોતાની સામે જીતી બતાવવાની ચૅલેન્જ આપી છે. ગેઇલે તેને મસ્તીમાં કહ્યું છે, ‘હું પૂરપાટ દોડતો હોઈશ ત્યારે મારા પગ નીચેથી જે રેતી ઉડતી હશે એને તું (બોલ્ટ) પાછળથી જોઈ રહ્યો હોઈશ.’
કેટલાકને ખબર નહીં હોય કે ઉસેન બોલ્ટ નાનો હતો ત્યારે તેને ફાસ્ટ બોલર બનવાની ખૂબ ઇચ્છા હતી, પણ રનિંગમાં તેનામાં વધુ કાબેલિયત અને ક્ષમતા હતી. તે સ્કૂલમાં ક્રિકેટ મૅચ રમતો અને લાંબા રન-અપ પર જે ઝડપથી દોડતો એ જોઈને તેના ક્રિકેટ-કોચે તેને સલાહ આપી કે તું ક્રિકેટર બનવા કરતાં રનર બનીશ તો વધુ સફળ થઈશ.
બોલ્ટે તેમની સલાહ માનીને દોડવાની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી અને એ પછી જે બન્યું એ ઇતિહાસ આપણી સામે જ છે.
થોડા વર્ષ પહેલાં એક ફ્રેન્ડ્લી ક્રિકેટ મૅચમાં બોલ્ટે ક્રિસ ગેઇલની વિકેટ લઈને બધાને ચોંકાવી દીધા હતા.
બોલ્ટે એ જ વિકેટ લીધી એને ધ્યાનમાં રાખીને હવે ગેઇલે તેને પડકારતા કહ્યું છે કે ‘તેં મારી વિકેટ લીધી તો હું હવે તને રનિંગમાં હરાવી દઈશ.’
આઇસીસીએ ગેઇલ-બોલ્ટ વચ્ચેની આ મસ્તીમજાકવાળી ચૅલેન્જનો વીડિયો શૅર કર્યો છે.
વીડિયોમાં ગેઇલે મજાકમાં બોલ્ટ વિશે કહ્યું છે, ‘તે હજી પણ મારાથી ડરે છે. 100 મીટરના ટ્રૅક પર તે મને જોવા જ નથી માગતો. હું પણ બહુ સારો રનર છું.’
બોલ્ટે જવાબમાં કહ્યું, ‘આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે રનિંગ બિટવિન ધ વિકેટ્સમાં ગેઇલ ખાસ કંઈ દોડી જ નહોતો શક્તો. તે ઝડપથી દોડીને રન લઈ જ નહોતો શક્તો.’
ગેઇલે બોલ્ટને સામા જવાબમાં કહ્યું, ‘તે ખોટું બોલે છે. મેં દોડીને ઘણી વાર એક, બે અને ત્રણ રન લીધા છે. ક્યારેક દોડીને ચાર રન પણ લીધા છે. એટલે હું બોલ્ટને પડકાર ફેંકુ છું કે તારા રનિંગ સ્પાઇક્સ તૈયાર કરી લેજે.’
ગેઇલે બોલ્ટના બૉલમાં જ્યારે વિકેટ ગુમાવી હતી એ ઘટનાની વાત વીડિયોમાં કરી છે. તેણે કહ્યું, ‘એ ચૅરિટી મૅચ હતી. બોલ્ટ મને એક બાઉન્સર ફેંક્યો હતો. એ પછી મેં કમબૅક કરીને ફટકાબાજી શરૂ કરી દીધી હતી. તેની બોલિંગમાં મેં બે સિક્સર અને થોડી ફોર ફટકારી હતી. જોકે તેના એક બૉલમાં મારા બૅટની ઇન્સાઇડ એજ વાગી ગયા પછી બૉલ સ્ટમ્પ્સ પર આવ્યો અને હું ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.’