સ્પોર્ટસ

કેએલ રાહુલ વિશે પુજારા શું માને છે? પડિક્કલ માટે મયંક અગરવાલે કઈ અગત્યની સલાહ આપી?

શૉર્ટ પિચ્ડ બૉલનો સામનો કરવા બાબતમાં પણ પુજારાએ અનુભવ શૅર કર્યો

પર્થ/મુંબઈઃ ભારતની ટેસ્ટ-મૅચ રમાવાની હોય એટલે ક્રિકેટપ્રેમીઓને વર્તમાન પેઢીના ખેલાડીઓમાંથી ચેતેશ્વર પુજારાનું નામ સૌથી પહેલાં યાદ આવે, કારણકે આ ટેસ્ટ-સ્પેશિયાલિસ્ટે ભારતને ઘણી મૅચો જિતાડી છે. જોકે કમનસીબે તે હાલમાં ટીમ ઇન્ડિયાની બહાર છે, પણ તેને ટેસ્ટ ટીમની બને એટલા નજીક રહેવાની તક જતી નથી કરવી એટલે જ તે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચેની આગામી ટેસ્ટ-શ્રેણી (બોર્ડર-ગાવસકર ટ્રોફી)માં કૉમેન્ટરી-બૉક્સમાં જોવા મળશે. પુજારાએ આ નવી ભૂમિકાની પૂર્વતૈયારી વચ્ચે એક મુલાકાતમાં ઑસ્ટ્રેલિયા ખાતેના પોતાના અનુભવોને સાંકળીને ઓપનિંગ બૅટર કેએલ રાહુલ વિશે રસપ્રદ અભિપ્રાય આપ્યો છે.

બીજી બાજુ, 2018થી 2022 દરમ્યાન 21 ટેસ્ટ-મૅચ રમી ચૂકેલા ઓપનર મયંક અગરવાલે યુવા બૅટર દેવદત્ત પડિક્કલ માટે અગત્યની સલાહ આપી છે.

રોહિત શર્મા પર્થમાં શુક્રવાર, 22મી નવેમ્બરે (સવારે 7.50 વાગ્યે) શરૂ થનારી પ્રથમ ટેસ્ટમાં નથી રમવાનો એટલે ઓપનિંગમાં યશસ્વી જયસ્વાલ સાથે રમવાનો મોકો કેએલ રાહુલને મળવાનો છે. જોકે પુજારાનું માનવું કંઈક જૂદું છે. પુજારા કહે છે, મને લાગે છે કે પર્થની ટેસ્ટમાં રાહુલ માટે વનડાઉન (ત્રીજા નંબરનું સ્થાન) ઠીક રહેશે, કારણકે તેને ખાસ કરીને એ ક્રમે રમવાનો વધુ અનુભવ છે.' 36 વર્ષનો પુજારા 2010થી 2023 દરમ્યાન 103 ટેસ્ટ રમી ચૂક્યો છે જેમાં તેણે 19 સેન્ચુરી અને 35 હાફ સેન્ચુરીની મદદથી કુલ 7,195 રન બનાવ્યા છે. તે એક જાણીતી સ્પોર્ટ્સ ચૅનલને એવું પણ કહે છે કેમને એવું પણ લાગે છે કે લેફ્ટ-રાઇટનું કૉમ્બિનેશન રાખવા દેવદત્ત પડિક્કલને વનડાઉનમાં મોકલવામાં આવશે. જોકે પડિક્કલે મિડલમાં પાંચમા-છઠ્ઠા ક્રમે બૅટિંગ કરી છે. હા, ઓપનિંગ કરતાં વનડાઉનમાં બૅટિંગ કરવી આસાન બની રહેશે. જો તે ત્રીજા નંબરે સારું રમી શકશે તો ટીમને ઘણી મદદ મળી રહેશે.’

પુજારાનું યશસ્વી વિશે એવું માનવું છે કે ડેવિડ વૉર્નર તેના સૌથી શ્રેષ્ઠ સમયકાળમાં જેવું રમતો હતો એવું રમવાની કાબેલિયત યશસ્વીમાં મને દેખાય છે. મારી દૃષ્ટિએ યશસ્વી ભારતને મળેલા સૌથી ટૅલન્ટેડ ક્રિકેટરોમાંનો એક છે. મને ખાતરી છે કે આ સિરીઝમાં તે ઘણું સારું રમશે. ભારતના યુવા ખેલાડીઓને મારી સલાહ છે કે પ્રથમ જંગ (પહેલી ટેસ્ટ)માં સૌથી વધુ ચકાસણી મનોબળની થતી હોય છે. ઑસ્ટ્રેલિયાની પિચો પર અને ઑસ્ટ્રેલિયામાંની પરિસ્થિતિમાં રન બનાવવા ખેલાડીમાં આત્મવિશ્વાસ ભરપૂર હોવો જોઈએ. પેસ અને બાઉન્સ અપાવતી પિચ પર બૅટરના શરીરને બૉલ વાગવાની વધુ સંભાવના રહેતી હોય છે. સૌથી પહેલાં એ ડરમાંથી બહાર આવવું પડે.'

ઑસ્ટ્રેલિયાની પિચો પર ભારતીય બૅટર્સે શૉર્ટ-પિચ્ડ બૉલનો વધુ સામનો કરવો પડશે એ બાબતમાં પુજારાને પૂછવામાં આવતાં તેણે કહ્યું,કયા પ્રકારના બૉલ રમવા અને કયા છોડી દેવા એ બૅટરે બહુ સારી રીતે નક્કી કરી લેવું જોઈએ. બૅટર ઘણી વાર હૂક શૉટ સારી રીતે મારી ન શકતો હોય તો પણ મારવાની કોશિશ કરતો હોય છે. ભારતીય પિચો પર મોટા ભાગના શૉર્ટ-પિચ્ડ બૉલ ખભાથી નીચેના લેવલના હોય છે, પરંતુ ઑસ્ટ્રેલિયામાં એવા બૉલ ખભાની ઊંચાઈથી ઉપરની લેવલના હોય છે.’

આ પણ વાંચો : ભારતનું નામ લઈને આઇસીસીએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી કે…

33 વર્ષીય મયંક અગરવાલે 21 ટેસ્ટમાં ચાર સેન્ચુરીની મદદથી કુલ 1,488 રન બનાવ્યા હતા. તેણે દેવદત્ત પડિક્કલ વિશે કહ્યું છે, જો પડિક્કલને પર્થની પ્રથમ ટેસ્ટમાં રમવા મળે તો તેણે પડકારોને સમજદારી અને હિંમતથી ઝીલી લેવા જોઈએ. પડિક્કલમાં બૅટિંગનું બહુ સારું કૌશલ્ય છે અને તે ખૂબ મહેનતુ પણ છે. પડિક્કલ માટે મારી પહેલી સલાહ એ છે કે તે ઑસ્ટ્રેલિયાની ધરતી પરની આ સિરીઝમાં પૂરી લડત આપવા તૈયાર છે? તે જો પૂરી તૈયારીનો અભિગમ રાખશે તો ખૂબ સફળ થશે.' પડિક્કલ ઇંગ્લૅન્ડ સામે એક ટેસ્ટ રમી ચૂક્યો છે. તેને ઑસ્ટ્રેલિયામાં છેલ્લા થોડા દિવસ દરમ્યાન ઇન્ડિયાએ’ વતી ઑસ્ટ્રેલિયા `એ’ સામે બિનસત્તાવાર ટેસ્ટ-સિરીઝમાં રમવાનો સારો અનુભવ છે એટલે તેને હવે ટેસ્ટ-શ્રેણીમાં રમવામાં થોડી સરળતા પડશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button