ઑસ્ટ્રેલિયામાં મેં ભારતને હૅટ-ટ્રિક વિજય અપાવ્યો જ હોત, હવે ઇંગ્લેન્ડ સામે મને રમાડજો: પુજારા

નવી દિલ્હી: ભારતના પીઢ બૅટર અને ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ચેતેશ્વર પુજારાએ અજિત આગરકરના અધ્યક્ષ સ્થાન હેઠળની સિલેક્શન કમિટીને ટકોર કરી છે કે તેમણે જો તેને ઑસ્ટ્રેલિયાના મોકલ્યો હોત તો તેણે ટીમ ઇન્ડિયાને શ્રેણી વિજયની હૅટ-ટ્રિક અપાવી જ હોત.
પુજારાએ આવું કહેવાની સાથે આગરકર ઍન્ડ કંપનીને ઇશારામાં જણાવી દીધું છે કે જૂનમાં ઇંગ્લૅન્ડ ખાતેના ટેસ્ટ પ્રવાસ માટેની ટીમમાં તેનો સમાવેશ કરજો.
પુજારાએ એક ઇન્ટરવ્યૂમાં કહી દીધું છે કે તે ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવા માટે તૈયાર જ છે. તેણે જણાવ્યું છે કે હાલમાં ડોમેસ્ટિક ક્રિકેટમાં તે બહુ સારા ફોર્મમાં રમ્યો છે અને દોઢ-બે વર્ષથી ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં પણ રમી રહ્યો છે એટલે તેને ઇંગ્લેન્ડની પિચ અને હવામાનનો સારો અનુભવ છે.
બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલ બાદ ભારતની આગામી સિરીઝ ઇંગ્લૅન્ડ સામે હશે જેમાં ભારતીયો બ્રિટિશ ધરતી પર પાંચ ટેસ્ટ રમશે.
Read This…ભારતીય ક્રિકેટરોનું ટીમ બસમાં યાદગાર ‘રંગ બરસે…’
ત્રણ મહિના પહેલાં ઑસ્ટ્રેલિયા ખાતેના પ્રવાસમાં પોતાને ન મોકલવામાં આવ્યો એ વિશે પુજારા હજી પણ આગરકર અને તેની કમિટીથી નારાજ છે.
પુજારાએ મુલાકાતમાં જણાવ્યું છે કે ‘હું પૂરી ખાતરીથી કહું છું કે ઑસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાએ શ્રેણી વિજયની હૅટ-ટ્રિક કરી જ હોત. મને ત્યારે મારા બૅટિંગ ફોર્મ પર પૂરો ભરોસો હતો. મને જો ટીમમાં લીધો હોત તો મેં ભારતને સિરીઝ જિતાડી દીધી હોત. જૂનમાં રમનારી ઇંગ્લેન્ડની ટીમ ભારતીય ટીમ કરતા ગણી નબળી હશે. મને ખાતરી છે કે ટીમ ઇન્ડિયા એ પ્રવાસમાં શ્રેણી જીતીને જ પાછી આવશે.’