
બૅટમી (જ્યોર્જિયા): મહિલાઓના ફિડે ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં રવિવારના બીજા દિવસે આંધ્રની કૉનેરુ હમ્પી (Koneru Humpy) અને નાગપુરની દિવ્યા દેશમુખ )Divya Deshmukh) વચ્ચેની બીજી ગેમ (game) પણ ડ્રૉ (draw)માં પરિણમતાં તેમનો મુકાબલો ટાઇ-બ્રેકરમાં ગયો છે. ટૂંકા સમયગાળા માટેની આ ટાઇ-બ્રેકર સોમવારે રમાશે અને એમાં ભારતની પ્રથમ ચેસ વર્લ્ડ ચૅમ્પિયન નક્કી થશે. શનિવારે તેમની વચ્ચેની પ્રથમ ગેમ ડ્રૉમાં ગઈ હતી.

19 વર્ષની દિવ્યા દેશમુખે રવિવારે પોતાનાથી રૅન્કિંગમાં ઘણી ચડિયાતી 38 વર્ષીય કૉનેરુ હમ્પી પર માનસિક દબાણ લાવવા કોઈ મોકો નહોતો છોડ્યો. દિવ્યાએ તેને જોરદાર વળતી લડત આપી હતી. જોકે પછીથી હમ્પી તેના પર જોરદાર પ્રેશર લાવી હતી. એક બાળકની માતા કૉનેરુ હમ્પી રવિવારે સફેદ મ્હોરાથી રમી છતાં દિવ્યાએ કાળા મ્હોરામાં તેને લડત આપી હતી.
આ પણ વાંચો: ચેસ વર્લ્ડ કપ ફાઇનલનો રસાકસીભર્યો આરંભઃ પ્રથમ ગેમમાં દિવ્યા સામે હારતાં બચી ગઈ હમ્પી
ટાઇ-બ્રેકરમાં 15-15 મિનિટની બે ગેમ રમાશે જેમાં પ્રત્યેક ચાલ બાદ 10 સેકન્ડનો વધારાનો સમય અપાશે. હમ્પી આ પ્રકારની રૅપિડ ચેસમાં વિશ્વવિજેતા છે. તેમની વચ્ચેનો સ્કોર ફરી સમાન રહેશે તો 10 મિનિટની વધુ એક ગેમ રમાશે જેમાં 10 સેકન્ડનો વધુ સમય દરેક ચાલ પછી મળશે અને એમ છતાં સ્કોર સમાન હશે તો પાંચ-પાંચ મિનિટની (ત્રણ-ત્રણ સેકન્ડના વધારાના સમય સાથેની) વધુ બે ગેમ રમાશે અને છેવટે ત્રણ મિનિટની ગેમ પણ રમાશે.