ગુજરાતનું ટચૂકડું ગામ ચેસ જગતને અનેક ગ્રેન્ડમાસ્ટર આપવા માગે છે
બાલાસિનોર તાલુકાના ગામમાં અનેક ગરીબ બાળકોને કોચ સંદીપ ઉપાધ્યાય શતરંજની તાલીમ આપવા ઉપરાંત તેમને આર્થિક મદદ પણ કરે

બાલાસિનોરઃ ગુજરાતમાં મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવેલું ` રતુસિંહના મુવાડા’ નામનું ગામ છે તો બહુ નાનું, પણ ત્યાંના કેટલાક બાળકોએ મેળવેલી સિદ્ધિ જાણશો તો ચોંકી જશો. આ ટચૂકડું ગામ જ્યાંના ઓછી અવરજવરવાળા રૂટ પર લોકો રાજ્ય પરિવહન (એસ. ટી.) બસની સેવાથી પણ વંચિત છે ત્યાંના આ બાળકો પોતાના ગામને ખેલકૂદમાં અનેરું ગૌરવ અપાવી રહ્યા છે.
રતુસિંહના મુવાડા Ratusingh na muvada) ગામમાં માંડ 100 જેટલા ઘર છે, પણ આ ગામે રાજ્ય-સ્તરે ચેસ (chess)ના છ ચૅમ્પિયન આપ્યા છે. આ છ ભૂલકાં વૈશ્વિક ફલક પર પ્રતિષ્ઠિત ઇન્ટરનૅશનલ ચેસ ફેડરેશન (Fide) રૅન્કિંગ મેળવી ચૂક્યા છે.

રાજ્યના પાટનગર ગાંધીનગરથી લગભગ 100 કિલોમીટર દૂર આ ગામની પ્રખ્યાત સરકારી પ્રાયમરી સ્કૂલ આવેલી છે જ્યાંના ટીચર સંદીપ ઉપાધ્યાય શતરંજના આ બાળ-ચૅમ્પિયનોને સપનાં સાકાર કરાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે 2022થી માંડીને અત્યાર સુધીમાં 200 જેટલા બાળકોને ચેસની તાલીમ આપી છે જેમાંના મોટા ભાગના બાળકો સમાજના અત્યંત ગરીબ પરિવારોના છે.
ઉપાધ્યાય 45 વર્ષના છે. તેઓ હાલમાં કે. જી. (કિન્ડરગાર્ટન)થી માંડીને આઠમા ધોરણ સુધીના 100 જેટલા બાળકોને શતરંજની તાલીમ આપી રહ્યા છે. આમાંના 70 બાળકો એવા છે જેમણે કિંગ, ક્વીન, રૂક, નાઇટ અને અન્ય મ્હોરાંની ચાલ કેટલા ખાનાંની હોય તથા કઈ દિશાની હોય એ બરાબર શીખી લીધું છે.

ખુદ સંદીપ ઉપાધ્યાય બાળપણથી બહુ સારું ચેસ રમી જાણે છે. 2021ની સાલમાં તેમણે પ્રોત્સાહન આપતા એક પ્રવક્તાનું પુસ્તક વાંચ્યું હતું ત્યારથી તેમણે નક્કી કર્યું હતું કે તેઓ સ્કૂલના બાળકોનું જીવન બદલી નાખશે. ઉપાધ્યાયે પીટીઆઇ સાથેની મુલાકાતમાં કહ્યું, ` આ ગામ એટલું બધુ દૂર આવેલું છે જ્યાં એસ. ટી. બસ પણ નથી આવતી.’
આ નાનકડા ગામમાં ચેસ શીખી રહેલા મોટા ભાગના બાળકો ગરીબ ખેડૂતોના પરિવારના છે. આ બાળકો ચેસની કિટ ખરીદી શકે એવી સ્થિતિમાં પણ નથી, પરંતુ પચીસ વર્ષથી આ પ્રાથમિક શાળા સાથે જોડાયેલા ઉપાધ્યાય પીટીઆઇને કહે છે, ` મેં મારા પગારનો સારો એવો હિસ્સો આ બાળકો માટેના ચેસબોર્ડ, પુસ્તકો તથા ઘડિયાળ ખરીદવા માટે ઉપયોગમાં લીધો છે. જોકે તેમને એક કંપનીને સપોર્ટ પણ મળ્યો છે.’
આ પણ વાંચો… ભારતીય મૂળની બોધના શિવાનંદને ચેસમાં ત્રણ નવા ઇતિહાસ રચ્યા…
ગરીબીને કારણે કોઈ બાળક ટૂર્નામેન્ટમાં ભાગ લેવાનું ચૂકી ન જાય એ માટે ઉપાધ્યાય ઘણી વાર પોતાના આ ગરીબ વિદ્યાર્થીઓના પ્રવાસ તથા રજિસ્ટ્રેશનની ફીનો ખર્ચ પણ ઉઠાવે છે. ક્યારેક તો ઉપાધ્યાયે આ હેતુસર તેમના સહ કર્મચારીઓ અને ગામવાસીઓ પાસેથી ઉધાર પૈસા પણ લીધા છે અથવા પૈસા ઉઘરાવ્યા પણ છે.
ચેસ જગતમાં ભારત હાલમાં સર્વોચ્ચ સ્થાને છે. વિશ્વનાથન આનંદ બાદ હવે 19 વર્ષનો ડી. ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયન છે. મહિલાઓમાં નાગપુરની 19 વર્ષની દિવ્યા દેશમુખ તાજેતરમાં જ વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બની હતી. સંદીપ ઉપાધ્યાય કહે છે, ` હું ઘણી વાર મારા વિદ્યાર્થીઓને ડી. ગુકેશ તથા દિવ્યા દેશમુખ તેમ જ મૅગ્નસ કાર્લસનના વીડિયો બતાવીને તેઓ ચેસબોર્ડ પર કેવા પ્રકારની સફળ ચાલ ચાલ્યા એ યાદ રાખવાની સલાહ આપું છું. મારા આ વિદ્યાર્થીઓ તમને સ્કૂલમાં રીસેસ દરમ્યાન કે સ્કૂલ પૂરી થયા પછી તેમ જ રવિવારે ચેસ રમતા જોવા મળશે. હું દિવાળી અને ઉનાળાના વેકેશનમાં પણ તેમને ચેસની તાલીમ આપું છું.’
આ પણ વાંચો… ચેસની વર્લ્ડ ચૅમ્પિયન દિવ્યાને ફડણવીસના હસ્તે ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ સુપરત
ટીચર સંદીપ ઉપાધ્યાયની મહેનત લેખે લાગી રહી છે, કારણકે તેમના 14 વિદ્યાર્થી ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (ડીએલએસએસ) સ્કિમ હેઠળ સિલેક્ટ થયા છે. તેમને વડોદરા તથા બોટાદની સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં સરકાર તેમને 12મા ધોરણ સુધી વિના મૂલ્યે ચેસની વધુ તાલીમ તેમ જ શિક્ષણ અપાવશે.
ઉપાધ્યાય ગર્વથી કહે છે, ` અમારા છ સ્ટૂડન્ટ ફિડે રૅન્કિંગ મેળવી ચૂક્યા છે. અમારા વિદ્યાર્થીઓ તાલુકા અને જિલ્લા સ્તરીય સ્પર્ધાઓમાં ચૅમ્પિયન બની ચૂક્યા છે તેમ જ રાજ્ય-સ્તરીય ટૂર્નામેન્ટોમાં ટોચના ત્રણ કે પાંચમાં આવતા જ હોય છે. તેઓ ખેલ મહાકુંભ સહિતની 20 સ્પર્ધામાં ટોચના ત્રણ સ્થાને આવ્યા છે. આ વર્ષના માર્ચમાં અમારી સ્કૂલની વિદ્યાર્થિનીઓ અમદાવાદની આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે આયોજિત સ્પર્ધાઓમાં ઝળકી હતી. મારા વિદ્યાર્થીઓ હજી રાષ્ટ્રીય સ્તરે નથી ઝળક્યા. જોકે મને ખાતરી છે, તેઓ જરૂર ઝળકશે. ગ્રામ્ય ગુજરાતમાંથી ચેસના 50 ગ્રેન્ડમાસ્ટર અને 10 વર્લ્ડ ચૅમ્પિયન અપાવવાનો મારો ધ્યેય છે.’