ચેન્નઇ સુપર કિંગ્સના ઝડપી બોલર તુષાર દેશપાંડેએ કર્યાં લગ્ન
તુષાર અને નાભા સ્કૂલ સમયથી એક બીજાને ઓળખે છે
મુંબઇ: ચેન્નઈ સુપર કિંગ્સના ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેએ લગ્ન કરી લીધા છે. તુષારે નાભા ગદમવારને પોતાની જીવન સાથી બનાવી છે. ચેન્નઇના ખેલાડી તુષારે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેના લગ્નની જાણકારી આપી હતી. તેણે તેની પત્ની નાભા સાથેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. તુષારના લગ્નમાં નજીકના સંબંધીઓની સાથે કેટલાક મિત્રોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તુષાર અને નાભા સ્કૂલના સમયથી એકબીજાને ઓળખે છે. આ પછી તેઓ કોલેજમાં પણ સાથે ભણ્યા. હવે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. તુષારે લગ્નની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. બંનેએ ૨૧ ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. અગાઉ સગાઈ ૧૨મી જૂને થઈ હતી.
તુષાર આઈપીએલમાં અત્યાર સુધીમાં ૨૩ મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન ૨૫ વિકેટ ઝડપી છે. તુષારે ૩૦ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૮૧ વિકેટ ઝડપી છે. તેણે ૪૦ લિસ્ટ-એ મેચમાં ૫૧ વિકેટ લીધી છે.
આ સાથે તેણે અત્યાર સુધી રમાયેલી ૬૭ ટી-૨૦ મેચમાં ૯૯ વિકેટ ઝડપી છે.