ફૂટબૉલના ક્લબ વર્લ્ડ કપમાં ચેલ્સી ચૅમ્પિયનઃ યુરોપિયન ચૅમ્પિયન પીએસજી પરાજિત…

ઈસ્ટ રુધરફર્ડ (અમેરિકા): ફૂટબૉલ (FOOTBALL)ના ફિફા વર્લ્ડ કપની જેમ ફૂટબૉલનો ક્લબ વર્લ્ડ કપ (CLUB WORLD CUP) ખાસ કંઈ પ્રચલિત નથી, પરંતુ વિશ્વની ટોચની પ્રોફેશનલ ફૂટબૉલ ક્લબની ટીમો વચ્ચે રમાયેલા આ વર્લ્ડ કપની રવિવારની ફાઇનલે રોમાંચ જરૂર જગાડ્યો હતો અને એમાં વિશ્વ વિખ્યાત ચેલ્સી (CHELSEA)ની ટીમ ચૅમ્પિયન બની હતી. ચેલ્સીએ યુરોપિયન ચૅમ્પિયન પૅરિસ સેન્ટ-જર્મેઇન (PSG)ને 3-0થી હરાવીને બીજી વખત ચૅમ્પિયનપદ મેળવ્યું હતું.
આ પહેલાં 2021માં પહેલી વખત ચૅમ્પિયન બનનાર ચેલ્સી વતી રવિવારે કોલ પામેરે (COLE PALMER) કુલ બે ગોલ (22મી અને 30મી મિનિટે) કર્યા હતા. એક ગોલ ઝાઓ પેડ્રોએ 43મી મિનિટમાં કર્યો હતો. પામેર બે વર્ષ પહેલાં મૅન્ચેસ્ટર સિટીની ટીમ છોડીને ચેલ્સીમાં જોડાયો હતો. તેણે વર્તમાન સીઝનમાં 18 ગોલ કર્યા છે.
પીએસજીની ટીમ 11માંથી 10 ખેલાડીની થઈ ગઈ હતી, કારણકે 84મી મિનિટમાં એના ખેલાડીએ ઝાઓ નેવેઝને રેડ કાર્ડ બતાવવામાં આવ્યું હતું. નેવેઝે ચેલ્સીના માર્ક કુકુરેલાને વાળ ખેંચીને નીચે પાડ્યો હતો. ક્લબ વર્લ્ડ કપમાં પહેલી વાર 32 ક્લબની ટીમે ભાગ લીધો હતો. ફિફાએ આ સ્પર્ધાને વિસ્તારી છે છતાં આ વખતના વિશ્વ કપની ઘણી મૅચોમાં સ્ટૅન્ડ ખાલી હતા, ઘણી મૅચો વખતે અસહ્ય ગરમીને લીધે પણ લોકોએ સ્ટેડિયમમાં આવવાનું ટાળ્યું હતું, ખરાબ હવામાનને લીધે ઘણી મૅચો વિલંબમાં મુકાઈ હતી તેમ જ મેદાન ખરાબ હોવાની ક્યારેક ફરિયાદ પણ થઈ હતી.
રિયલ મૅડ્રિડ ક્લબની ટીમ સૌથી વધુ પાંચ વાર આ સ્પર્ધા જીતી છે. બીજા નંબરે બાર્સેલોના (ત્રણ ટાઇટલ) છે.