Italian GP : લેક્લર્ક માત્ર 2.6 Secના તફાવતથી ઇટલીમાં જીત્યો ફોર્મ્યુલા-વન રેસ
રોમ: યુરોપના મૉનેગાસ્કની રાષ્ટ્રીયતા ધરાવતો 26 વર્ષનો ચાર્લ્સ લેકલર્ક રવિવારે ફક્ત 2.6 સેકન્ડના તફાવતથી ઇટાલિયન એફ-વન ગ્રાં પ્રિ સ્પર્ધા જીત્યો હતો. આ વર્ષની તેની આ બીજી F-1 ટ્રોફી છે. થોડા મહિના પહેલાં તે ઘરઆંગણાની મૉનેકો ફોર્મ્યુલા-વન રેસ જીત્યો હતો.
રવિવારે લેક્લર્કે છેલ્લી પળોમાં માત્ર વન-સ્ટૉપની અનોખી અને મોટું જોખમ વહોરી લેતી વ્યૂહરચના અપનાવી હતી અને આ રેસ રોમાંચક સ્થિતિમાં જીતી લીધી હતી.
લેકલર્કનો જન્મ 1997માં ફ્રાન્સની નજીકના મૉનેકો દેશના મોન્ટે કાર્લો શહેરમાં થયો હતો. તે ‘ઓવરટેક ઑફ ધ યર’ નામની ટ્રોફી સહિત નાના મોટા કુલ સાત અવૉર્ડ જીત્યો છે.
ફેરારી રેસિંગ કારના ડ્રાઇવર લેકલર્કે રવિવારની રેસ એક કલાક, 14 મિનિટ, 40.727 સેકન્ડમાં પૂરી કરી હતી. ઓસ્ટ્રેલિયાનો ઑસ્કર પિઆસ્ટ્રી બીજા નંબરે આવ્યો હતો. મેકલારેન-મર્સીડીઝ કારના ડ્રાઇવર ઑસ્કરને આ રેસ પૂરી કરવામાં લેકલર્ક કરતાં 2.6 સેકન્ડ જેટલો વધુ સમય લાગ્યો હતો.
લેકલર્કે ઇટલીની રેસ જીતીને સૌને ચોંકાવી દીધા હતા, કારણકે આ રેસમાં ઘણા ચેમ્પિયન ડ્રાઇવરો પાછળ રહી ગયા હતા. એલ. નોરિસ ત્રીજા સ્થાને, સી. સેઈન્ઝ ચોથા અને લુઇસ હૅમિલ્ટન પાંચમા નંબરે રહ્યો હતો. એફ-વનનો મોટો ચેમ્પિયન મેક્સ વર્સ્ટેપ્પન 38 સેકન્ડના તફાવતથી પાછળ રહી ગયો હતો.