આવતી કાલથી 36 કૅમેરા અને અદ્યતન ટેક્નોલૉજીના અઢળક સાધનો ક્રિકેટરો પર રાખશે બાજ નજર
કૉમેન્ટરીની પૅનલમાં ભારતીયોમાંથી કોણ-કોણ હશે?

દુબઈઃ અહીં હેડ-ક્વૉર્ટર ધરાવનાર આઇસીસીની ચૅમ્પિયન્સ ટ્રોફી આવતી કાલે પાકિસ્તાનમાં અને દુબઈમાં શરૂ થઈ રહી છે અને આ બહુચર્ચિત ટૂર્નામેન્ટ દરમ્યાન ઓછામાં ઓછા 36 કૅમેરા તેમ જ વિશ્લેષણ અને ફોટો-વીડિયો માટે અઢળક અદ્યતન સાધનો કામે લગાડવામાં આવશે. આઇસીસીના મતે આ ગોઠવણથી સ્ટેડિયમમાંના પ્રેક્ષકો અને ટીવી દર્શકોને નવો જ અનુભવ થશે.
આઇસીસીએ આવતી કાલે કરાચીમાં પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાનારી પ્રથમ મૅચ (બપોરે 2.30 વાગ્યાથી)ની પૂર્વ સંધ્યાએ એવું પણ જણાવ્યું હતું કે `તમામ મૅચોના પ્રસારણમાં ક્વિડિચ ઇનૉવેશન લૅબ્સના ફીલ્ડ 360 ડિગ્રીના કૅમેરાની મદદથી પ્રેક્ષકો-દર્શકોને ફીલ્ડિંગ પૉઝિશન અગાઉ કરતાં વધુ સારી રીતે બતાવી શકાશે.’
ડ્રૉન કૅમેરા ટૂર્નામેન્ટના તમામ સ્થળોના તેમ જ આસપાસની જગ્યાઓના શ્વાસ થંભાવી દે એવા રોમાંચક દૃશ્યો પૂરા પાડશે, જ્યારે રૉવિંગ બગી કૅમેરામાં મેદાન પરની ઝીણી-ઝીણી પળો કેદ થઈ જશે.
એ ઉપરાંત, સ્પાઇડર કૅમેરા હંમેશની જેમ ટીવી પ્રસારણને વધુ અસરદાર બનાવશે. ખાસ કરીને મેદાનની ઉપરથી આ કૅમેરા પ્રત્યેક ખેલાડીઓની દરેક મૂવમેન્ટ પર નજર રાખશે.
પીટીઆઇના અહેવાલ મુજબ આઇસીસી-ટીવીના આ ટૂર્નામેન્ટ માટે જિયોસ્ટાર સાથે સહકારના કરાર થયા છે મુજબ સ્માર્ટફોન ધારકો પણ અદ્યતન પ્રસારણની મોજ માણી શકશે.
આ પણ વાંચો…હાર્દિક અને શિખર પછી હવે આ ક્રિકેટરે છૂટાછેડા લીધા, 14 વર્ષના સંબંધોનો આવ્યો અંત
દરમ્યાન ચૅમ્પિયન્સ ટ્રોફી માટે નક્કી થયેલી આઇસીસીની કૉમેન્ટરીની પૅનલમાં સુનીલ ગાવસકર, રવિ શાસ્ત્રી, દિનેશ કાર્તિક અને હર્ષા ભોગલેનો સમાવેશ છે. પાકિસ્તાનમાંથી આ પૅનલ માટે વસીમ અકરમ, બાઝિદ ખાન અને રમીઝ રાજા નક્કી થયા છે, જ્યારે અન્ય કૉમેન્ટેટર્સમાં ખાસ કરીને નાસિર હુસેન, માઇકલ આથર્ટન, ઇયાન બિશપ, ઇયાન સ્મિથ, સાયમન ડૂલ, મૅથ્યૂ હેડન, મેલ જોન્સ, આરૉન ફિન્ચ તેમ જ ડેલ સ્ટેન અને શૉન પોલૉક સામેલ છે.