પાકિસ્તાન પાસેથી ચૅમ્પિયન્સ ટ્રોફીનું યજમાનપદ આંચકી લેવાશે?
સ્ટેડિયમોમાં હજી બાંધકામ ચાલુ છેઃ આખી સ્પર્ધા કદાચ યુએઇને સોંપી દેવાશે

દુબઈઃ આવતા મહિને (19મી ફેબ્રુઆરીથી) વન-ડે ક્રિકેટની આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં રમાવાની છે, પરંતુ ત્યાં જે ત્રણ સ્થળે આ સ્પર્ધાની મૅચો રમાવાની છે ત્યાંના સ્ટેડિયમમાં બાંધકામ હજી ઘણું બાકી હોવાથી આખી સ્પર્ધા પાકિસ્તાન પાસેથી લઈને કદાચ યુએઇને સોંપી દેવામાં આવશે એવી ચર્ચા છે.
આ ટૂર્નામેન્ટમાં ભારતની મૅચો દુબઈમાં રમાવાની છે, પણ લાહોર, કરાચી અને રાવલપિંડી ખાતેના સ્ટેડિયમ હજી પૂરા બનવાના બાકી હોવાથી કહેવાય છે કે આઇસીસી આખી સ્પર્ધા યુએઇમાં રાખવા પર વિચાર કરી રહી છે.
સ્પર્ધાને હજી દોઢ મહિનો બાકી છે, પરંતુ જેટલું કામ બાકી છે એ જોતાં આઇસીસી પોતાના કડક કાયદાના પાલનને ધ્યાનમાં લઈને આ ટૂર્નામેન્ટ પાકિસ્તાન પાસેથી લઈ લે તો નવાઈ નહીં લાગે.
એક સૂત્રના જણાવ્યા મુજબ `ત્રણેય સ્ટેડિયમમાં નાનું-સૂનું કામ બાકી નથી. મોટા બાંધકામ બાકી છે. હજારો પ્રેક્ષકોને બેસવા માટેની સગવડ પણ હજી પૂરી તૈયાર નથી થઈ. ફ્લડલાઇટસ અને પિચ પણ પૂરેપૂરી તૈયાર થવાની બાકી છે. લાહોરનું ગદાફી સ્ટેડિયમ જેની નજીકના એક વિસ્તારમાં 2009માં શ્રીલંકાની ટીમ પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એ સ્ટેડિયમમાં પ્લાસ્ટર વર્ક હજી પૂરું નથી થયું. ખેલાડીઓ માટેના ડ્રેસિંગ-રૂમમાં પણ ઘણું કામ બાકી છે.’
બુધવાર, 19મી ફેબ્રુઆરીએ કરાચીમાં પ્રથમ મૅચ પાકિસ્તાન અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. 20મી ફેબ્રુઆરીએ દુબઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે (બપોરે 2.30 વાગ્યાથી) મુકાબલો થશે. રવિવાર, 23મી ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં (બપોરે 2.30 વાગ્યાથી) ટક્કર થશે.