કોહલીએ નસીમ શાહનો કૅચ પકડ્યો એટલે પચીસ વર્ષ જૂનો ભારતીય વિક્રમ તૂટ્યો!

દુબઈઃ અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં આજે વિરાટ કોહલીએ વન-ડે ક્રિકેટમાં 157મો કૅચ ઝીલીને મોહમ્મદ અઝહરુદ્દીનનો 156 કૅચનો 2000ની સાલનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો.

અઝહરે 334 મૅચમાં 156 કૅચ પકડ્યા હતા, જ્યારે કોહલીએ 157 કૅચની ઐતિહાસિક સિદ્ધિ 299મી મૅચમાં નોંધાવી છે.
કોહલીએ આ 157મા કૅચ સાથે વન-ડે જગતમાં સૌથી વધુ કૅચ પકડનારાઓમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. હવે તેના નામે કુલ 158 કૅચ છે, કારણકે તેણે આજે ખુશદીલ શાહનો કૅચ પણ ઝીલ્યો હતો.
ખુશદીલની 10મી વિકેટ હર્ષિત રાણાએ લીધી હતી અને તેની વિકેટ પડતાંની સાથે પાકિસ્તાનની ઇનિંગ્સ 50મી ઓવરના બે બૉલ બાકી હતા ત્યારે 241 રનના સ્કોર પર સમેટાઈ હતી.
આ સાથે, હવે વન-ડેમાં સૌથી વધુ કૅચ પકડનારાઓમાં માત્ર માહેલા જયવર્દને (218 કૅચ) અને રિકી પૉન્ટિંગ (160 કૅચ) કોહલીથી આગળ છે.
Also read : ‘આજે પાકિસ્તાન જ જીતવું જોઈએ, મજા આવશે’: ભારતનો ભૂતપૂર્વ બોલર કેમ આવું કહે છે?
વન-ડેમાં ભારતીય ફીલ્ડર તરીકે સૌથી વધુ કૅચ કોના?
(1) વિરાટ કોહલી, 299 મૅચમાં 158 કૅચ
(2) મોહમ્મદ અઝહરુદ્દીન, 334 મૅચમાં 156 કૅચ
(3) સચિન તેન્ડુલકર, 463 મૅચમાં 140 કૅચ
(4) રાહુલ દ્રવિડ, 344 મૅચમાં 124 કૅચ
(5) સુરેશ રૈના, 226 મૅચમાં 102 કૅચ