સાઉથ આફ્રિકા સાત વિકેટે જીત્યું, ઇંગ્લૅન્ડ સતત આટલામી વન-ડેમાં પરાજિત

કરાચીઃ સાઉથ આફ્રિકાએ આજે અહીં ઇંગ્લૅન્ડને ચૅમ્પિયન્સ ટ્રોફીની અંતિમ લીગ મૅચમાં સાત વિકેટે હરાવીને સેમિ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કરી લીધું હતું. ખરેખર તો સાઉથ આફ્રિકાએ બ્રિટિશરોને 39 ઓવરની અંદર 179 રનના સ્કોર પર ઑલઆઉટ કરી નાખ્યા હતા ત્યારે જ સેમિમાં એણે સ્થાન ચોક્કસ કરી લીધું હતું અને ત્યાર બાદ સાઉથ આફ્રિકાએ માત્ર 29.1 ઓવરમાં ત્રણ વિકેટે 181 રન બનાવીને શાનદાર વિજય મેળવ્યો હતો. ઇંગ્લૅન્ડ સતત સાતમી મૅચ હાર્યું છે.
ઇંગ્લૅન્ડની ટીમ ત્રણેય લીગ મૅચ હારીને સ્વદેશ પાછી જઈ રહી છે અને જૉસ બટલરે કૅપ્ટનપદેથી રાજીનામું આપી દીધા પછી હવે નેતૃત્વની છેલ્લી મૅચમાં પણ પરાજય જોવો પડ્યો છે. 39 રનમાં બ્રિટિશરોની ત્રણ વિકેટ લઈને તેમને અંકુશમાં રાખવામાં સૌથી મોટી ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર માર્કો યેનસેનને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર અપાયો હતો.
ગ્રૂપ બી'માંથી સાઉથ આફ્રિકા ઉપરાંત ઑસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચ્યું છે. જોકે ગ્રૂપ
એ’માંથી ભારત અને ન્યૂ ઝીલૅન્ડ સેમિમાં તો પહોંચી જ ગયા છે, પરંતુ આવતી કાલે (બપારે 2.30 વાગ્યાથી) દુબઈમાં ભારત-ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રમાનારી મૅચના પરિણામ પરથી નક્કી થશે કે આ ગ્રૂપમાં કોણે મોખરે રહેશે અને કોણ બીજા સ્થાને. એ સ્થિતિ સેમિ ફાઇનલની લાઇન-અપ નક્કી કરશે. ટૂંકમાં, ચોથી માર્ચે દુબઈમાં રમાનારી સેમિમાં ભારતની સામે (સાઉથ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયામાંથી) કઈ ટીમ રમશે એ આવતી કાલે નક્કી થશે.
સાઉથ આફ્રિકાને પાંચ બોલરના સહિયારા શાનદાર પર્ફોર્મન્સ ઉપરાંત ખાસ કરીને બે બૅટર રૅસી વૅન ડર ડુસેન (72 અણનમ, 87 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર) તેમ જ હિન્રિક ક્લાસેન (64 રન, 56 બૉલ, અગિયાર ફોર)એ આસાન વિજય અપાવ્યો છે.
ક્લાસેન અને ડુસેન વચ્ચે ત્રીજી વિકેટ માટે 122 બૉલમાં 127 રનની ભાગીદારી થઈ હતી.
સાઉથ આફ્રિકાની ત્રણમાંથી બે વિકેટ જોફ્રા આર્ચરે લીધી હતી.
એ પહેલાં, ઇંગ્લૅન્ડે બૅટિંગ પસંદ કર્યા બાદ 38.2 ઓવરમાં જે 179 રન બનાવ્યા હતા એમાં જૉ રૂટના 37 રન હાઇએસ્ટ હતા.
સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર માર્કો યેનસેન (7-0-39-3) અને મિડિયમ પેસ બોલર વિઆન મુલ્ડર (7.2-0-25-3) બે સૌથી સફળ બોલર હતા. ભારતીય મૂળના સ્પિનર કેશવ મહારાજે 35 રનમાં બે વિકેટ તેમ જ બીજા ફાસ્ટ બોલર્સ લુન્ગી ઍન્ગિડીએ 33 રનમાં એક અને કૅગિસો રબાડાએ 42 રનમાં એક વિકેટ લીધી હતી. ટૂંકમાં, પાંચેય બોલર બ્રિટિશ બૅટર્સ પર એકધારું દબાણ રાખીને વિકેટ લેવામાં સફળ રહ્યા હતા.
આ ટૂર્નામેન્ટમાં સૌનું ધ્યાન આકર્ષિત કરનાર અને સેમિ ફાઇનલમાં પહોંચી ચૂકેલા ઑસ્ટ્રેલિયા સામે બાવીસમી ફેબ્રુઆરીએ 165 રનનો વિક્રમી સ્કોર નોંધાવનાર ઓપનર બેન ડકેટ (24 રન) પણ મોટી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો.