સાઉથ આફ્રિકા આજે આ મૅચ-વિનર વગર અફઘાનિસ્તાન સામે રમી રહ્યું છે

કરાચીઃ અહીં અફઘાનિસ્તાન સામે શરૂ થયેલી વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીની ગ્રૂપ `બી’ની મૅચમાં સાઉથ આફ્રિકા એના નંબર-વન મૅચ વિનર હિન્રિક ક્લાસેન વિના રમી રહ્યું છે. કારણ ગળે ઉતરે એવું છે અને ટેમ્બા બવુમાના સુકાનમાં આ ટીમે બૅટિંગ લીધા બાદ શરૂઆત પણ સારી કરી છે, કારણકે પહેલી 20 ઓવરમાં માત્ર એક વિકેટના ભોગે 100-પ્લસરન બની ગયા હતા. જોકે ક્લાસેન છેલ્લા થોડા અઠવાડિયામાં જે ફૉર્મ બતાવ્યું એ જોતાં આ મૅચમાં તેની ખોટ તો વર્તાશે જ.
ક્લાસેનને કોણીમાં ઈજા થઈ હતી અને તેને કોણીમાં ખાસ કંઈ દુખાવો નથી, પરંતુ ટીમ મૅનેજમેન્ટે પૂર્વસાવચેતી તરીકે તેને પ્લેઇંગ-ઇલેવનમાં નથી સમાવ્યો. સાઉથ આફ્રિકાની આગામી મૅચ પચીસમી ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા સામે છે એટલે એમાં સાઉથ આફ્રિકાની ટીમ ક્લાસેન પર મોટો આધાર રાખશે.
ગયા વર્ષે આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી જબરદસ્ત ફટકાબાજી કરી ચૂકેલા ક્લાસેનના છેલ્લી ચાર વન-ડેના સ્કોર્સ (તમામ પાકિસ્તાન સામે) જોતાં આ મૅચ ફિક્કી તો પડી જ ગઈ કહેવાયઃ 97 બૉલમાં 86 રન, 74 બૉલમાં 97 રન, 43 બૉલમાં 81 રન અને 56 બૉલમાં 87 રન.
આ પણ વાંચો : Champions Trophy: આઉટ થયા બાદ પાકિસ્તાનનો આ બેટર ડ્રેસિંગ રૂમમાં પોક મૂકીને રડી પડ્યો! જાણો શું છે મામલો
એકંદરે 54 વન-ડેમાં 44.12ની બૅટિંગ-સરેરાશ ધરાવતા ક્લાસેને 2,074 રન બનાવ્યા છે અને 117.44 તેનો સ્ટ્રાઇક-રેટ છે જે વન-ડે માટે બહુ સારો કહેવાય.
2020ની શરૂઆતથી અત્યાર સુધીમાં 97 ખેલાડીઓએ સ્પિન બોલિંગ સામે 500-પ્લસ બૉલનો સામનો કર્યો છે અને એ બધામાં ક્લાસેનનો 117.44નો સ્ટ્રાઇક-રેટ હાઇએસ્ટ છે.
સાઉથ આફ્રિકાએ આજની મૅચની ઇલેવનમાં ફૅમસ બૅટર ટ્રિસ્ટેન સ્ટબ્સને પણ નથી સમાવ્યો.