નિવૃત્તિની અટકળો વિશે રોહિત શર્માએ ગઈ કાલે રાત્રે કહી દીધું કે…

દુબઈ: ગયા વર્ષે વેસ્ટ ઈન્ડિઝમાં ટી-20 વર્લ્ડ કપ જીતી લીધા પછી વિરાટ કોહલી તેમ જ રવીન્દ્ર જાડેજા ઉપરાંત કેપ્ટન રોહિત શર્માએ ટી-20 ઇન્ટરનેશનલમાંથી રિટાયરમેન્ટ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા એટલે આ વખતે પણ તેની વન-ડેની નિવૃત્તિ વિશે જોરદાર અટકળો ફેલાઈ હતી. જોકે રોહિતે ગઈ કાલે રાત્રે ચેમ્પિયન્સ ટ્રોફીનો તાજ જીત્યા પછી મોટું નિવેદન આપ્યું હતું.

Also read : કુલદીપના જાદુઈ બૉલનો રચિન પાસે કોઈ જવાબ નહોતો, પોતે જ સ્તબ્ધ થઈ ગયો
રોહિત શર્માએ પત્રકારોને ચોખ્ખું કહી દીધું હતું કે હમણાં વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની તેની કોઈ જ યોજના નથી.
ભારતે ગઈ કાલે દુબઈમાં ન્યૂ ઝીલેન્ડને ફાઇનલમાં એક ઓવર અને ચાર વિકેટ બાકી રાખીને હરાવી દીધું હતું. એ સાથે ભારતે વિક્રમજનક ત્રીજી વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી લીધી હતી.
રવિવારની ફાઇનલમાં 83 બૉલમાં ત્રણ સિક્સર અને સાત ફોરની મદદથી 79 રન બનાવનાર રોહિતને મૅન ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ અપાયો હતો. આખી સ્પર્ધામાં હાઈએસ્ટ 263 રન બનાવવા ઉપરાંત ત્રણ વિકેટ લેનાર ન્યૂ ઝીલૅન્ડના રચિન રવીન્દ્રને મૅન ઓફ ધ ટૂર્નામેન્ટનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડનો જ મૅટ હેન્રી 10 વિકેટ સાથે મોખરે હતો. વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી તેમ જ મિચલ સેન્ટનર 9-9 વિકેટ સાથે બીજા નંબર પર રહ્યા હતા.
રોહિત શર્માએ રવિવારે રાત્રે સેલિબ્રેશન વખતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘હું સ્પષ્ટતા કરી દઉં છું કે હાલમાં વન-ડે ફોર્મેટમાંથી રિટાયર થવાનો મારો કોઈ પ્લાન નથી. હું એવું પણ ઈચ્છું છું કે હવે પછી કોઈએ મારી વન-ડેની નિવૃત્તિ વિશે કોઈ જ અફવા ફેલાવવી નહીં.’
ભારત ઉપરાઉપરી બે આઇસીસી ટ્રોફીમાં અપરાજિત રહીને ટાઈટલ જીત્યું છે. એ વિશે રોહિતે પત્રકારોને જણાવ્યું હતું કે ‘ટીમ ઇન્ડિયાની આ બહુ મોટી સિદ્ધિ છે અને આપણે અત્યારે એ ભરપૂર ઉજવીએ. અપરાજિત રહીને બે આઈસીસી ટ્રોફી જીતવાની સિદ્ધિ ભાગે જ કોઈ ટીમ હાંસલ કરી શકતી હોય છે. અમે અહીં (દુબઈમાં) આવ્યા, અહીંના હવામાન તથા પિચ સહિતની સ્થિતિને અનુરૂપ થયા, પૂરી તૈયારી સાથે રમવા મેદાન પર ઊતર્યા અને દરેક મૅચ જીત્યા.’
Also read : ફાઇનલ પહેલાં મેદાન પરથી કોહલીએ કંઈક એવું કર્યું કે જેનો વીડિયો વાઇરલ થઈ ગયો
આવું કહીને રોહિતે જર્નલિસ્ટોને જણાવ્યું હતું કે ‘હમણાં તો મેં ભવિષ્ય વિશે કંઈ જ વિચાર્યું નથી. જે બનવાનું હશે એ એના સમયે બનતું રહેશે. હાલમાં કોઈ ચોક્કસ પ્લાન નથી બનાવ્યો.’