કુલદીપના જાદુઈ બૉલનો રચિન પાસે કોઈ જવાબ નહોતો, પોતે જ સ્તબ્ધ થઈ ગયો

દુબઈઃ ભારતના બોલર્સને આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડના વિલ યંગ (15 રન) અને રચિન રવીન્દ્ર (37 રન)ની ઓપનિંગ જોડીએ શરૂઆતની સાત ઓવરમાં ખૂબ પરેશાન કર્યા હતા અને ખાસ કરીને પેસ બોલર્સ મોહમ્મદ શમી તથા હાર્દિક પંડ્યાને કોઈ સફળતા જ નહોતી મળતી ત્યારે વરુણ ચક્રવર્તીએ દાવની આઠમી ઓવરમાં યંગની વિકેટ લઈને કિવીઓને પહેલો ફટકો માર્યો હતો અને પછી કુલદીપ યાદવ ત્રાટક્યો હતો.
11મી ઓવર કુલદીપે કરી હતી જેમાં તેણે પહેલા જ બૉલમાં રચિનને ગૂંચવી નાખીને એવો ક્લીન બોલ્ડ કર્યો કે ખુદ રચિન સ્તબ્ધ થઈ ગયો હતો.
રચિન આ ટૂર્નામેન્ટમાં ખૂબ જ સારું રમ્યો અને ભારતીય ટીમને તેનો સૌથી વધુ ડર હતો. તેણે શરૂઆતમાં ફટકાબાજી કરીને ભારતીય બોલર્સને દબાણમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો. કુલદીપને પહેલી વાર આ મૅચમાં બોલિંગ કરવાની તક મળતાં જ તેણે જાણે છૂપું શસ્ત્ર શરૂઆતમાં જ અપનાવી લેવાનું નક્કી કર્યું હશે એવા પ્રકારનો બૉલ ફેંક્યો હતો..
આ પણ વાંચો: રોહિત, વિરાટ અને ગંભીરની ત્રિપુટીએ ફાઇનલ પહેલાં 20 મિનિટ શું કરી ચર્ચા? જાણો
કુલદીપનો કલાકે 84 કિલોમીટરની ઝડપે ફેંકાયેલો એ બૉલ રૉન્ગ-વન હતો. ચોથા સ્ટમ્પ જેટલો દૂર પડેલો એ બૉલ ઝડપથી અંદરની તરફ આવ્યો હતો. રચિન એ બૉલને સમજવામાં ગોથું ખાઈ ગયો હતો અને ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
કિવીઓનું રનમશીન કાબૂમાં રાખવા રચિનની વિકેટ મળવી અત્યંત જરૂરી હતી અને કુલદીપે એ સૌથી મહત્ત્વની વિકેટ અપાવતાં જ કૅપ્ટન રોહિત શર્મા તેની પાસે દોડી આવ્યો હતો અને ટીમ ઇન્ડિયાનું સેલિબે્રશન શરૂ થઈ ગયું હતું.
રચિન 37 રન બનાવીને આ ટૂર્નામેન્ટના તમામ બૅટર્સમાં નંબર-વન થઈ ગયો હતો. ચાર ઇનિંગ્સમાં તેણે બનાવેલા 263 રન હાઇએસ્ટ હતા. તેણે ઇંગ્લૅન્ડના બેન ડકેટ (227)ને પાછળ રાખી દીધો હતો. જોકે એ તબક્કે વિરાટ કોહલી (217 રન)ને નંબર-વન થવાનો મોકો હતો.