દુબઈમાં પાકિસ્તાન સામે ગુજરાતી ક્રિકેટરોની બોલબાલાઃ હાર્દિક, અક્ષર અને જાડેજા છવાઈ ગયા

દુબઈઃ અહીં ભારત સામેની ચૅમ્પિયન્સ ટ્રોફીની બહુચર્ચિત અને રોમાંચક મૅચમાં આજે ભારતને ખાસ કરીને ત્રણ ગુજરાતી ખેલાડીઓએ મોટી મુસીબતમાંથી ઉગારી લીધું હતું. જો આ ત્રણ ગુજરાતી ખેલાડીઓનો પર્ફોર્મન્સ ઉત્કૃષ્ટ કક્ષાનો ન હોત તો પાકિસ્તાનની ટીમ પહેલી 40 ઓવરમાં 200 રનનો આંકડો આસાનીથી પાર કરી ગઈ હોત. એને બદલે 40 ઓવરને અંતે તેમના પાંચ વિકેટે 183 રન હતા. હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવીન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો.
ખરેખર તો પાકિસ્તાનની પહેલી સાત વિકેટમાં આ ત્રણ ગુજરાતી ખેલાડીઓ છવાઈ ગયા હતા.
બન્યું એવું કે મોહમ્મદ શમીના પહેલી જ ઓવરના પાંચ વાઇડ બાદ તેમ જ તેની પગની ઈજાને કારણે પેસ બોલિંગમાં હર્ષિત રાણા તથા હાર્દિક પંડ્યા પર મોટો બોજ આવી પડ્યો હતો અને સ્પિનરોની ફોજ પાસેથી ભારતની અપેક્ષા વધી ગઈ હતી.
જોકે નવમી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 41 રન હતો ત્યારે હાર્દિકે બાબર આઝમ (23 રન)ની મહત્ત્વની વિકેટ અપાવી હતી. તે વિકેટકીપર કેએલ રાહુલના હાથમાં કૅચઆઉટ થયો હતો.
આ પણ વાંચો: ‘આજે પાકિસ્તાન જ જીતવું જોઈએ, મજા આવશે’: ભારતનો ભૂતપૂર્વ બોલર કેમ આવું કહે છે?
10મી ઓવરમાં બાપુ' અક્ષર પટેલે ઓપનર ઇમામ-ઉલ-હક (10 રન)ને રનઆઉટ કરી દેતાં પાકિસ્તાનની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. ઇમામની વિકેટ પડ્યા પછી કૅપ્ટન મોહમ્મદ રિઝવાન અને સાઉદ શકીલ વચ્ચે ત્રીજી વિકેટ માટે 104 રનની મજબૂત ભાગીદારી થઈ હતી જે 34મી ઓવરમાં અક્ષર પટેલે તોડી હતી. તેણે રિઝવાનને એક જીવતદાન બાદ ક્લીન બોલ્ડ કર્યો હતો. રિઝવાને 77 બૉલમાં ત્રણ ફોરની મદદથી 46 રન બનાવ્યા હતા. ચોથી વિકેટ શકીલની હતી અને એ વિકેટમાં બે ગુજરાતીનો સહિયારો રોલ હતો. શકીલે પાંચ ફોરની મદદથી 75 રનમાં 62 રન બનાવ્યા હતા અને ભારત માટે વધુ ખતરો સાબિત થઈ શક્યો હોત, પરંતુ 35મી ઓવરમાં હાર્દિકે તેને ડીપ મિડવિકેટ પર અક્ષરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બે ઓવર બાદ
અસ્સલ બાપુ’ રવીન્દ્ર જાડેજા ત્રાટક્યો હતો. તેણે છઠ્ઠા નંબરના બૅટર તૈયબ તાહિર (4 રન)ને ક્લીન બોલ્ડ કરીને પાકિસ્તાનના મિડલ-ઑર્ડરની કમ્મર ભાંગી નાખી હતી.
43મી ઓવર કુલદીપ યાદવે કરી હતી જેમાં સલમાન આગા (19 રન)નો જાડેજાએ અફલાતૂન કૅચ પકડ્યો હતો.
પાકિસ્તાનની પહેલી છ વિકેટમાં માત્ર કેએલ રાહુલ અને કુલદીપને બાદ કરતા ત્રણેત્રણ ગુજરાતી ખેલાડીઓ (હાર્દિક, અક્ષર, જાડેજા)ની ભૂમિકા હતી. તેમણે આ મૅચ જોવા આવેલા હજારો ભારત-તરફી ક્રિકેટપ્રેમીઓને ખુશ કરી દીધા હતા.