ચેમ્પિયન્સ ટ્રોફી: પાકિસ્તાનમાં 100 પોલીસ તત્કાળ બરતરફ, જાણો શૉકિંગ કારણ…

લાહોર: પાકિસ્તાન ક્રિકેટ અત્યારે ગંભીર કટોકટીમાં છે. યજમાન હોવા છતાં પોતે ચેમ્પિયન્સ ટ્રોફીના લીગ રાઉન્ડમાંથી જ સ્પર્ધાની બહાર થઈ જવું પડ્યું છે, મોહમ્મદ રિઝવાનના નેતૃત્વમાં રમનાર પાકિસ્તાની ટીમ પર ભારત સામેના પરાજય બાદ ટીકાઓનો વરસાદ થઈ રહ્યો છે અને એવામાં હવે પોલીસ તંત્ર પણ ચર્ચામાં આવી ગયું છે.
Also read : ઑસ્ટ્રેલિયા-સાઉથ આફ્રિકા મૅચ રદઃ જાણી લો…સેમિ ફાઇનલ માટે ગ્રૂપ `બી’માંથી હવે કોને કેટલો ચાન્સ છે
કેટલાક અહેવાલો જણાવે છે કે ચેમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન સલામતી વ્યવસ્થામાં પોતાને સોંપવામાં આવેલી ફરજ નિભાવવાની ના પાડનાર 100થી પણ વધુ પોલીસ કર્મચારીઓને પંજાબ પ્રાંતના પોલીસ વિભાગે બરતરફ કરી નાખ્યા છે.
આ 100થી વધુ પોલીસમાં કેટલાક અધિકારીઓનો પણ સમાવેશ છે.
કહેવાય છે કે આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ટૂર્નામેન્ટની કેટલીક મૅચો દરમિયાન લાહોરના ગદાફી સ્ટેડિયમથી હોટલ સુધીની મુસાફરી દરમ્યાન ખેલાડીઓને અલગ-અલગ પ્રકારની સલામતી પૂરી પાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું, પરંતુ કેટલાક પોલીસ ગેરહાજર રહ્યા હતા તો કેટલાકે ચોખ્ખી ના પાડી દીધી હતી.
અહેવાલ અનુસાર એક અધિકારીએ આપેલી આ માહિતીમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે પંજાબના આઈજીપી ઉસમાન અનવરે આ આખી બાબતને ગંભીરતાથી લીધી અને કસૂરવાર પોલીસો સામે કડક પગલાં ભર્યા છે. અનવરે એવું કહ્યું છે કે ‘આંતરરાષ્ટ્રીય ઇવેન્ટની સલામતીનો પ્રશ્ન આવે ત્યારે હું કોઈ પણ પ્રકારની બાંધછોડ કે લાપરવાહી નથી ચલાવતો.’
આ બનાવ સંબંધમાં કોઈ સત્તાવાર નિવેદન બહાર નથી પાડવામાં આવ્યું, પણ કેટલાક મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે એકધારા કામકાજના કલાકો ખૂબ વધી જવાને કારણે આ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ વધુ કામ કરવાની સ્થિતિમાં નહોતા એટલે તેમણે ફરજ પર આવવાની ના પાડી હતી.
Also read : પાકિસ્તાની ક્રિકેટ ચાહકે રિઝવાનની પ્રતિક્રિયાને અશ્લીલ રીતે રજૂ કરી નાખી!
પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર થઈ ગયું છે અને હવે આવતી કાલે એની છેલ્લી લીગ મૅચ બાંગ્લાદેશ સામે રમાશે.