Champions Trophy 2025

ખરું કહું તો આ ટૂર્નામેન્ટમાં હવે અમારા માટે બધું ખતમ થઈ ગયું: પાકિસ્તાન કેપ્ટન રિઝવાન

દુબઈ: ભારત સામે ગઈ કાલે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનો છ વિકેટે ઘોર પરાજય થયો ત્યાર બાદ પાકિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ રિઝવાન ગમગીન હતો અને એ હતાશામાં તેણે કહ્યું હતું કે ‘ખરેખર તો અત્યારે અમને બધાને એવું લાગી રહ્યું છે કે આ ટૂર્નામેન્ટમાં અમારા માટે બધું ખતમ થઈ ગયું છે.’

ગ્રૂપ ‘એ’માં વિરાટ કોહલીના અણનમ 100 રનના યાદગાર પર્ફોર્મન્સ સાથે ભારતે જીતીને સેમિ ફાઇનલમાં સ્થાન પાકું કરી લીધું છે ત્યાં બીજી બાજુ પાકિસ્તાનની ટીમ સ્પર્ધાની બહાર ફેંકાઈ જવાની તૈયારીમાં જ છે.

વિરાટે વિક્રમી 51મી સેન્ચુરી ફટકારવાની સાથે વન-ડે ફોર્મેટમાં સૌથી ઝડપે 14,000 રન પૂરા કરવાનો વિશ્વવિક્રમ પણ નોંધાવ્યો હતો. વિરાટ ગઈ કાલ પહેલાં ફોર્મમાં નહોતો, પરંતુ પાકિસ્તાન સામે આપોઆપ તે ફરી અસલ મિજાજમાં આવી ગયો અને પાકિસ્તાનની ટીમનો ઘડોલાડવો કરી નાખ્યો.

પાકિસ્તાને હવે આજે ન્યૂ ઝીલેન્ડ સામે બાંગ્લાદેશ જીતે એ પરિણામ પર નિર્ભર રહેવું પડશે. એ ઉપરાંત 27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાને બાંગ્લાદેશને મોટા માર્જીનથી હરાવવું પડશે. ભારતની હવે પછીની છેલ્લી લીગ મૅચ બીજી માર્ચે ન્યૂ ઝીલેન્ડ સામે રમાશે. આ ગ્રૂપમાં ચાર ટીમ છે અને પાકિસ્તાનનો પહેલી જ મૅચમાં ન્યૂ ઝીલેન્ડ સામે 60 રનથી પરાજય થયો હતો જે રિઝવાનની ટીમને ભારે હવે પડી રહ્યું છે.

હતાશ રિઝવાને ગઈ કાલે એવું પણ કહ્યું હતું કે ‘હવે અમને આશા તો નથી, પણ જોઈએ હવે બાંગ્લાદેશ આજે ન્યૂ ઝીલેન્ડ સામે કેવું છે. અમારે હવે બીજી ટીમોના પરિણામો પર આધાર રાખવો પડશે જે કેપ્ટન તરીકે મને જરાય પસંદ નથી. હું મારી ટીમના પર્ફોર્મન્સ પર જ નિર્ભર રહું છું અને બીજી બધી ટીમોના પરિણામોની ચિંતા કરવાનું મને જરાય ગમતું નથી.’
રિઝવાન ભારત સામેની હાર બદલ ખૂબ હતાશ હતો અને તેણે કહ્યું કે ‘અમે પહેલાં ન્યૂ ઝીલેન્ડ સામે અને હવે ભારત સામે હારી ગયા એ બહુ ખરાબ થયું. એ બંને ટીમ ખૂબ મજબૂત હતી અને અમે તેમની સામે સારું ન રમી શક્યા. ખાસ કરીને ભારત સામેની મૅચની વાત કરું તો અમે ત્રણેય રીતે (બેટિંગ, બોલિંગ, ફીલ્ડિંગ) સારું ન રમી શક્યા. અમે કેટલીક ભૂલો કરી જેને કારણે અમારે પરાજય જોવો પડ્યો. હું જાણું છું કે હવે અમારી સામે ઘણા પ્રશ્નો ઊભા થશે અને અમને ઘણા સવાલો પૂછવામાં આવશે.’

આ પણ વાંચો…Champions Trophy: પાકિસ્તાન તેરા ક્યા હોંગા…! બાંગ્લાદેશના સહારે પાકિસ્તાનની ટીમ, સેમીફાઈનલનું સમીકરણ

પાકિસ્તાન 29 વર્ષ પછી પહેલી વખત આઇસીસી ટૂર્નામેન્ટનું યજમાન બન્યું છે અને એમાં જ એણે નોકઆઉટ પહેલાં જ સ્પર્ધાની બહાર થઈ જવાનો વારો આવ્યો છે.

ખુદ રિઝવાને ગઈ કાલે ધીમી બૅટિંગમાં 46 બૉલમાં 77 રન બનાવ્યા એ ઇનિંગ્સ તેના દેશમાં ખૂબ ચર્ચાસ્પદ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button