ચૅમ્પિયન્સ ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, પહેલા જ દાવમાં બે સદી અને બે સેન્ચુરી-પાર્ટનરશિપ
ન્યૂ ઝીલૅન્ડનો પાકિસ્તાનને 321 રનનો તોતિંગ લક્ષ્યાંક

કરાચીઃ અહીંના નૅશનલ સ્ટેડિયમમાં આજે બહુચર્ચિત ચૅમ્પિયન્સ ટ્રોફીમાં યજમાન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાનના સુકાની મોહમ્મદ રિઝવાને ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી જેનો ન્યૂ ઝીલૅન્ડે પૂરો લાભ ઉઠાવ્યો હતો અને બે બૅટરની સેન્ચુરી તથા એક બૅટરની હાફ સેન્ચુરીની મદદથી 50 ઓવરમાં પાંચ વિકેટે 320 રનનો તોતિંગ સ્કોર નોંધાવીને પાકિસ્તાનને 321 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઓપનર વિલ યંગ (107 રન, 113 બૉલ, 174 મિનિટ, એક સિક્સર, બાર ફોર) અને વિકેટકીપર-બૅટર ટૉમ લૅથમ (118 અણનમ, 104 બૉલ, 160 મિનિટ, ત્રણ સિક્સર, દસ ફોર) વચ્ચે 126 બૉલમાં 118 રનની ભાગીદારી થઈ હતી. ત્યાર બાદ લૅથમ અને ગ્લેન ફિલિપ્સ (61 રન, 39 બૉલ, 62 મિનિટ, ચાર સિક્સર, ત્રણ ફોર) વચ્ચે માત્ર 74 બૉલમાં 125 રનની પાર્ટનરશિપ થઈ હતી.
પાકિસ્તાનના બોલર્સને બે કિવી સેન્ચુરિયનો યંગ તથા લૅથમે ખૂબ હંફાવ્યા હતા તેમ જ ફીલ્ડર્સને થકવી નાખ્યા હતા. એ ઉપરાંત ગ્લેન ફિલિપ્સે 34 બૉલમાં 50 રન બનાવીને યજમાન ટીમને વધુ મુસીબતમાં મૂકી દીધી હતી. યંગે 56 બૉલમાં 50 રન તથા 107 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા. લૅથમે 61 બૉલમાં હાફ સેન્ચુરી અને 95 બૉલમાં સેન્ચુરી પૂરી કરી હતી.
મિચલ સૅન્ટનરના સુકાનમાં રમતી ન્યૂ ઝીલૅન્ડની ટીમનો સ્કોર 17મી ઓવરમાં ત્રણ વિકેટે 73 રન હતો, પણ ત્યાર બાદ યંગ-લૅથમ વચ્ચેની ચોથી વિકેટ માટેની 118 રનની ભાગીદારીએ કિવીઓને ફરી મૅચ પર પકડ અપાવી હતી.
ડેવૉન કૉન્વે માત્ર 10 રન, કેન વિલિયમસન એક રન તથા ડેરિલ મિચલ 10 રન બનાવી શક્યા હતા. પાકિસ્તાનના છ બોલરમાંથી નસીમ શાહ અને હારિસ રઉફે બે-બે વિકેટ અને અબ્રાર અહમદે એક વિકેટ લીધી હતી. મુખ્ય બોલર શાહીન શાહ આફ્રિદીને 68 રનમાં એકેય વિકેટ નહોતી મળી. ખુશદિલ શાહને 40 રનમાં તથા સલમાન આગાને 15 રનમાં વિકેટ નહોતી મળી શકી. હારિસ રઉફ (83 રનમાં બે) સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો.