ચૅમ્પિયન્સ ટ્રોફી લઈને દુબઈથી પાછા આવી ગયા ચૅમ્પિયનો, મુંબઈ ઍરપોર્ટની બહાર લોકોની ભારે ભીડ…

મુંબઈઃ રવિવારે દુબઈમાં ન્યૂ ઝીલૅન્ડને ફાઇનલમાં હરાવીને ચૅમ્પિયન્સ ટ્રોફીનો તાજ જીતનાર ભારતીય ટીમના કેટલાક ખેલાડીઓ મુંબઈ પાછા આવી પહોંચ્યા હોવાના અહેવાલ રાત્રે મળ્યા હતા. થોડી વાર પહેલાં જ દુબઈથી મુંબઈ જે ફ્લાઇટ આવી પહોંચી એમાં રોહિત શર્મા અને બીજા કેટલાક પ્લેયર હતા.
ખેલાડીઓની ફ્લાઇટ આવી રહી છે એની જાણ કેટલાક ક્રિકેટપ્રેમીઓને અગાઉથી થઈ ગઈ હતી એટલે તેમને આવકારવા અસંખ્ય લોકો ઍરપોર્ટની બહાર જમા થઈ ગયા હતા. એક જાણીતી વેબસાઇટના અહેવાલ મુજબ એમિરેટ્સના વિમાન (ઇકે-508)માં પ્રવાસ કરીને ભારતીય ક્રિકેટરો મુંબઈ આવ્યા છે.
Also read : Champions Trophy: જીત બાદ વિરાટે શમીની માતાના ચરણ સ્પર્શ કર્યા; Videoએ લોકોના દિલ જીત્યા
દુબઈથી પાછા આવેલા ખેલાડીઓમાંથી મોટા ભાગના પ્લેયર પોતપોતાના શહેર-નગરમાં પાછા જતા રહેશે.
મુંબઈ ઍરપોર્ટ પર રોહિત શર્મા ઉપરાંત શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા તેમ જ અક્ષર પટેલ હતા.
રોહિત શર્મા ઍરપોર્ટ પરથી રેન્જ રોવર નામની લક્ઝરી કારમાં બેસીને રવાના થયો હતો.
દરમ્યાન દિલ્હી ઍરપોર્ટ પર હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ ફાસ્ટ બોલર હર્ષિત રાણા જોવા મળ્યા હોવાના અહેવાલ હતા. તેમણે મીડિયા સાથે કોઈ જ વાતચીત નહોતી કરી અને કારમાં બેસીને ઘર તરફ જવા રવાના થયા હતા.
કેટલાક ક્રિકેટપ્રેમીઓએ ગૌતમ ગંભીરને બૅ્રન્ડ લેક્સસ નામની લક્ઝરી કારમાં બેસીને રવાના થતો જોયો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા જ દિવસમાં (બાવીસમી માર્ચથી) આઇપીએલ શરૂ થશે. અહીં યાદ અપાવવાની કે ગયા વર્ષે ભારતીય ખેલાડીઓ ટી-20 વર્લ્ડ કપ જીતીને પાછા આવ્યા ત્યારે મુંબઈમાં તેમની વિક્ટરી પરેડ કાઢવામાં આવી હતી.