વિરાટ સામે વામણા પુરવાર થયા પાકિસ્તાનીઓ…
પાક.ની 10માંથી સાત વિકેટમાં ગુજરાતીઓનો સિંહફાળો

દુબઈઃ ભારતે અહીં રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાનને ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ગ્રૂપ `એ’ના હાઈ-વૉલ્ટેજ મુકાબલામાં 45 બૉલ બાકી રાખીને છ વિકેટના માર્જિનથી હરાવીને સેમિ ફાઇનલ માટે સ્થાન લગભગ પાકું કરી લીધું હતું. ભારતે 242 રનનો લક્ષ્યાંક 42.3 ઓવરમાં 244/4ના સ્કોર સાથે હાંસલ કરીને 29 વર્ષે પહેલી વાર આઇસીસી ટૂર્નામેન્ટનું યજમાનપદ મેળવનાર પાકિસ્તાનને સ્પર્ધાની એક્ઝિટની લગોલગ મૂકી દીધું હતું. એ સાથે, ભારતે 2017ની ગઈ ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં જોવી પડેલી હારનો પાકિસ્તાન સામે બદલો લઈ લીધો હતો.
Also read : કોહલીએ નસીમ શાહનો કૅચ પકડ્યો એટલે પચીસ વર્ષ જૂનો ભારતીય વિક્રમ તૂટ્યો!

51મી વન-ડે સેન્ચુરી ફટકારનાર વિરાટ કોહલી (100 અણનમ, 111 બૉલ, સાત ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. તેણે પાકિસ્તાનની ઇનિંગ્સમાં બે કૅચ પણ પકડ્યા હતા.
પાકિસ્તાનની ઇનિંગ્સમાં સ્પિનર કુલદીપ યાદવ તેમ જ ખાસ કરીને ભારતના ત્રણ ગુજરાતી ખેલાડીઓ (હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, રવીન્દ્ર જાડેજા)ની બોલબાલા હતી, જ્યારે ભારતના દાવમાં ટૉપ-ઑર્ડરના બૅટર્સની કમાલ જોવા મળી હતી. વિરાટ ઉપરાંત શ્રેયસ ઐયર (56 રન, 67 બૉલ, એક સિક્સર, પાંચ ફોર), શુભમન ગિલ (46 રન, બાવન બૉલ, સાત ફોર)ની ઇનિંગ્સ મોહમ્મદ રિઝવાન ઍન્ડ કંપનીને ભારે પડી હતી. વિરાટ તેના પૂરા ફૉર્મમાં અને અસલ મિજાજમાં હતો. શ્રેયસ સાથે તેણે ત્રીજી વિકેટ માટે 114 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાનીઓને સૌથી વધુ ડર વિરાટનો હતો અને એ જ તેમને ભારે પડ્યો. હાર્દિકે આઠ રન અને અક્ષરે અણનમ ત્રણ રનનું યોગદાન આપ્યું હતું.

એ અગાઉ રોહિત શર્મા (20 રન, 15 બૉલ, એક સિક્સર, ત્રણ ફોર)એ ટૂંકી ઇનિંગ્સમાં ભારતને સાધારણ શરૂઆત અપાવી હતી. પાકિસ્તાનના છ બોલર પણ ભારતની બૅટિંગ લાઇન-અપને તોડી નહોતા શક્યા. શાહીન આફ્રિદીએ સૌથી વધુ બે વિકેટ તેમ જ અબ્રાર તથા ખુશદિલે એક-એક વિકેટ લીધી હતી.
એ પહેલાં ટૉસ જીત્યા બાદ પાકિસ્તાને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ ભારતે એને 241 રન સુધી સીમિત રાખ્યું હતું. મોહમ્મદ રિઝવાનની ટીમે આ 241 રન 49.4 ઓવરમાં બનાવ્યા હતા. ભારતની મજબૂત બૅટિંગ લાઇન-અપ જોતાં 242 રનનો ટાર્ગેટ બહુ મોટો નહોતો.
ચાઇનામૅન તરીકે ઓળખાતો રિસ્ટ-સ્પિનર કુલદીપ યાદવ ભારતીય બોલર્સમાં સૌથી સફળ હતો. શરૂઆતમાં તે ખાસ કંઈ નહોતો ફાવ્યો અને 42મી ઓવર સુધીમાં તેના નામે એકેય વિકેટ નહોતી, પણ ત્યાર બાદ તે ત્રાટક્યો હતો અને ઉપરાઉપરી ત્રણ વિકેટ લીધી હતી. આ ત્રણ વિકેટ તેણે 40 રનમાં લીધી હતી.
એમાંથી પહેલી બે વિકેટ તેણે બે બૉલમાં મેળવી હતી. સલમાન આગા (19), શાહીન શાહ આફ્રિદી (0) અને નસીમ શાહ (14) તેના શિકાર થયા હતા.
સાઉદ શકીલના 62 રન પાકિસ્તાનની ટીમમાં હાઈએસ્ટ હતા. તેને હાર્દિક પંડ્યાએ અક્ષર પટેલના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.
ભારત વતી કુલ છ બોલરે બોલિંગ કરી હતી જેમાં કુલદીપ બાદ હાર્દિક બીજા નંબરનો સૌથી સફળ બોલર હતો. તેણે 31 રનમાં બે વિકેટ લીધી હતી, જ્યારે હર્ષિત રાણાને 30 રનમાં એક, અક્ષરને 49 રનમાં એક અને રવીન્દ્ર જાડેજાને 40 રનમાં એક વિકેટ મળી હતી.