નૉકઆઉટમાં ભારત ચડિયાતું, પણ ફાઇનલની વાત આવે ત્યારે…

દુબઈઃ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ચૅમ્પિયન કોણ બનશે એ જોવાનો દિવસ નજીક આવી ગયો છે અને એ માટેની બે હરીફ ટીમ (ભારત અને ન્યૂ ઝીલૅન્ડ)ની આઇસીસી ઇવેન્ટ્સમાં સામસામે જે ટક્કર થઈ છે એનો ઇતિહાસ જાણવા જેવો છે. આઇસીસી ટૂર્નામેન્ટોમાં જે નૉકઆઉટ તબક્કો હોય એમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતનો હાથ ઉપર રહ્યો છે, જ્યારે આઇસીસી ઇવેન્ટ્સની ફાઇનલની વાત આવે ત્યારે ન્યૂ ઝીલૅન્ડના ખેલાડીઓએ જ ભારત સામે છેલ્લું અટ્ટહાસ્ય કર્યું છે. બીજી રીતે કહીએ તો ન્યૂ ઝીલૅન્ડ સામે ભારત બે ફાઇનલ રમ્યું છે અને બન્નેમાં ભારતનો પરાજય થયો છે.
Also read : IND vs NZ Final મેચ જોવા દુબઈમાં ઉમટશે બોલિવૂડ સેલિબ્રીટીઝ; ટીમ ઇન્ડિયાનો ઉત્સાહ વધારશે…
આવતી કાલે દુબઈમાં બપોરે 2.00 વાગ્યે ટૉસ ઉછાળવામાં આવશે અને 2.30 વાગ્યે ફાઇનલ મુકાબલો શરૂ થશે.
નૉકઆઉટમાં કોનો કેવો પર્ફોર્મન્સ?
ભારતે છેલ્લી 14માંથી 12 આઇસીસી ઇવેન્ટના નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો છે અને એમાં ત્રણમાં વિજય પ્રાપ્ત કર્યો છે. બીજી બાજુ, ન્યૂ ઝીલૅન્ડે આઠ વખત નૉકઆઉટ રાઉન્ડમાં એન્ટ્રી કરી છે, પણ એમાંથી માત્ર એકમાં જીત મેળવી છે.
વર્તમાન ટૂર્નામેન્ટનો નૉકઆઉટ રાઉન્ડ શરૂ થયો એ પહેલાંના (બીજી માર્ચના) અંતિમ લીગ મુકાબલામાં ભારતે ન્યૂ ઝીલૅન્ડને 44 રનથી હરાવ્યું હતું. એ મૅચના પરિણામ પરથી સેમિ ફાઇનલના બીજી બે હરીફ ટીમો (ઑસ્ટ્રેલિયા તથા સાઉથ આફ્રિકા)ના પૉઇન્ટ્સ-ટેબલમાંના ક્રમ નક્કી થયા હતા અને હવે એ બન્ને ટીમ સ્પર્ધાની બહાર થઈ ચૂકી છે.
બીજી માર્ચે ભારતે શ્રેયસ ઐયરના 79 રન અને હાર્દિક પંડ્યાના 45 રનની મદદથી નવ વિકેટે 249 રન બનાવ્યા હતા. કિવી ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ 42 રનમાં પાંચ વિકેટ લીધી હતી. જોકે હેન્રીની પાંચ વિકેટનો સ્પિનર વરુણ ચક્રવર્તીએ 42 રનમાં લીધેલી પાંચ વિકેટના તરખાટથી જવાબ આપ્યો હતો. ન્યૂ ઝીલૅન્ડની ટીમ કેન વિલિયમસનના 81 રન છતાં ભારતીય સ્પિનર્સ સામે ઝૂકી ગઈ હતી. કિવીઓની દસમાંથી નવ વિકેટ સ્પિનરોએ લીધી હતી.
ફાઇનલમાં કિવીઓ કેવી રીતે જીત્યા જ છે?
આઇસીસી ટૂર્નામેન્ટોના ઇતિહાસમાં ન્યૂ ઝીલૅન્ડ ક્યારેય ભારત સામે ફાઇનલ નથી હાર્યું. 2000ની નૈરોબી ખાતેની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રથમ બૅટિંગ મળ્યા બાદ ભારતે સૌરવ ગાંગુલી (117 રન) અને સચિન તેન્ડુલકર (69 રન) વચ્ચે થયેલી 141 રનની ઓપનિંગ ભાગીદારીની મદદથી છ વિકેટે 264 રન બનાવ્યા હતા. કિવીઓએ ક્રિસ કેર્ન્સ (102 અણનમ) તથા ક્રિસ હૅરિસ (46 રન)ની ઇનિંગ્સની મદદથી 49.4 ઓવરમાં છ વિકેટે 265 રન બનાવીને રોમાંચક વિજય મેળવી લીધો હતો. વેન્કટેશ પ્રસાદે ત્રણ, અનિલ કુંબલેએ બે અને સચિને એક વિકેટ લીધી હતી.
2021માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની સાઉધમ્પ્ટન ખાતેની ફાઇનલમાં પણ ભારત સામે કિવીઓ વિજયી થયા હતા. ભારતે 217 રન બનાવ્યા બાદ કિવીઓએ 249 રન બનાવ્યા હતા. બીજા દાવમાં ભારતના 170 રન સામે ન્યૂ ઝીલૅન્ડે 139 રનના લક્ષ્યાંક સામે માત્ર બે વિકેટે 140 રન બનાવીને વિજય મેળવ્યો હતો.
Also read : IND vs NZ Finalમાં કોહલી બનાવી શકે છે આ ‘વિરાટ’ રેકોર્ડ્સ; સચિનને પણ પછાળ છોડી શકે છે
આવતી કાલે ભારત હારની હૅટ-ટ્રિક ટાળશે?
આઇસીસી ટૂર્નામેન્ટોની ફાઇનલ્સના ઇતિહાસમાં ભારત સામે કિવીઓએ બન્ને મુકાબલામાં વિજય મેળવ્યો છે, પરંતુ આવતી કાલે દુબઈમાં ભારતે હારની હૅટ-ટ્રિક ટાળવાની છે. 2000માં ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં સૌરવ ગાંગુલીના સુકાનમાં કિવીઓ સામે ભારત હાર્યું હતું અને 2021માં ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં વિરાટ કોહલીના સુકાનમાં ભારતે પરાજય ખમવો પડ્યો હતો. જોકે હવે રોહિત શર્માએ સતત ત્રીજો પરાજય ટાળવાનો છે અને એમાં તેને ખુદ વિરાટની જ મોટી મદદ મળી શકે એમ છે.