ટીમ ઇન્ડિયાના બૅટર્સને અંકુશમાં રાખીને કિવીઓએ મેળવ્યો 250નો સાધારણ લક્ષ્યાંક…

દુબઈઃ ભારતે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સેમિ ફાઇનલ પહેલાંના પ્રૅક્ટિસ મૅચ’ જેવા મુકાબલામાં બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં 4.98ના રનરેટ સાથે નવ વિકેટે 249 રન બનાવીને ન્યૂ ઝીલૅન્ડને 250 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી રીતે કહીએ તો કિવી બોલર્સ અને ફીલ્ડર્સે ભારતીયોને કાબૂમાં રાખીને 250 રનનો સાધારણ ટાર્ગેટ મેળવ્યો હતો.
Also read : સાઉથ આફ્રિકા સાત વિકેટે જીત્યું, ઇંગ્લૅન્ડ સતત આટલામી વન-ડેમાં પરાજિત
ટીમ ઇન્ડિયા વતી સૌથી વધુ રન શ્રેયસ ઐયર (79 રન, 98 બૉલ, 122 મિનિટ, બે સિક્સર, ચાર ફોર)એ બનાવ્યા હતા. તે વિલ ઑરુરકેના કલાકે 143 કિલોમીટરની ઝડપે ફેંકવામાં આવેલા ઑફ સ્ટમ્પ પરના બૉલમાં શૉર્ટ મિડવિકેટ પરથી દોડી આવેલા વિલ યંગના હાથમાં કૅચઆઉટ થયો હતો. 300મી વન-ડે રમનાર વિરાટ કોહલી (11 રન)ની ત્રીજી વિકેટ સસ્તામાં પડ્યા બાદ શ્રેયસ અને અક્ષર પટેલ (42 રન, 61 બૉલ, 84 મિનિટ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 136 બૉલમાં 98 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.
ત્યાર બાદ વિકેટકીપર કેએલ રાહુલ (23 રન, 29 બૉલ, 40 મિનિટ, એક ફોર) અને શ્રેયસ વચ્ચે પાંચમી વિકેટ માટે 42 બૉલમાં 44 રનની ભાગીદારી થઈ હતી. હાર્દિક પંડ્યા (45 રન, 45 બૉલ, 59 મિનિટ, બે સિક્સર, ચાર ફોર) અને રવીન્દ્ર જાડેજા (16 રન, 20 બૉલ, 27 મિનિટ, એક ફોર) વચ્ચેની સાતમી વિકેટ માટે 40 બૉલમાં થયેલી 41 રનની ભાગીદારીનું પણ ભારતના 249 રનના ટોટલમાં મહત્ત્વનું યોગદાન હતું. છેલ્લી ક્ષણોમાં હાર્દિક અને મોહમ્મદ શમી (આઠ બૉલમાં પાંચ રન) વચ્ચે બાવીસ બૉલમાં 23 રનની પાર્ટનરશિપ થઈ હતી.
Also read : એક જાણીતા ક્રિકેટરે કરી આગાહી, `મારો અંતરાત્મા કહે છે કે ભારત એક રનથી ફાઇનલ જીતશે અને રોહિત ટૉપ-સ્કોરર બનશે’
શમી ઇનિંગ્સના છેલ્લા બૉલ પર આઉટ થયો હતો. કુલદીપ યાદવ એક રને અણનમ રહ્યો હતો. ભારતને 10 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા. કિવીઓ વતી ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ 42 રનમાં સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી અને સૌથી સફળ બોલર સાબિત થયો હતો. બીજા ચાર બોલરને એક-એક વિકેટ મળી હતી. ભારત અને ન્યૂ ઝીલૅન્ડ સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે અને આ મૅચના પરિણામ પરથી નક્કી થશે કે કઈ ટીમ ગ્રૂપએ’માં મોખરે રહેશે અને સેમિ ફાઇનલમાં એની સામે કોણ આવશે.