Champions Trophy: પાકિસ્તાન સામેની મેચ પહેલા ભારતનો આ સ્ટાર બેટર બીમાર પડ્યો; પ્લેઇંગ-11ને થશે અસર?

દુબઈ: ભારત અને પાકિસ્તાન ઉપરાંત દુનિયાભરના ક્રિકેટ ચાહકો છેલ્લા ઘણા સમયથી 23 ફેબ્રુઆરી 2025ની રાહ જોઈ રહ્યા હતાં. કેમ કે આ દિવસે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે ODI મેચ રમાવાની (IND vs PAK) છે. આવતી કાલે રવિવારે રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket team) પાકિસ્તાની ટીમને પછડાટ અપાવા તૈયારીઓ કરી રહી છે. એવાંમાં ભારતીય ટીમ માટે ચિંતા સમાચાર છે, ટીમનો સ્ટાર બેટર મેચના એક દિવસ પહેલા બીમાર પડ્યો છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભારતે બાંગ્લાદેશ સામેની તેની પહેલી મેચ જીતી લીધી છે, ટુર્નામેન્ટમાં ભારતની બીજી મેચ પાકિસ્તાન સામે રવિવારે દુબઈમાં રમાશે. ભારતીય સમય મુજબ બપોરે 2.30 વાગ્યે મેચ શરુ થશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના વાઈસ-કેપ્ટન શુભમન ગિલે એક પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે ટીમ ઈન્ડિયાનો આ વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત બીમાર (Rishabh Pant) પડ્યો છે.
પંતને વાયરલ ફીવર:
પાકિસ્તાન સામેની મેચ પહેલા શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે ભારતીય ટીમનો વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંત બીમાર છે અને જેના કારણે તે પ્રેક્ટીસ સેશનમાં હાજરી આપી શક્યો નથી. પંતને વાયરલ ફીવર થયો છે.
પ્લેઇંગ-11ને અસર થશે:
નોંધનીય છે કે પંતના બીમાર પાડવાથી ભારતને વધુ તકલીફ નહીં પડે. બાંગ્લાદેશ સામેની પહેલી મેચમાં ભારતની પ્લેઇંગ ઇલેવનમાં પંતને સ્થાન મળ્યું ન હતું. પાકિસ્તાન સામે પણ પ્લેઇંગ ઇલેવનમાં તેને સ્થાન મળે તેવી શક્યતા ઓછી જ હતી. હાલમાં કેએલ રાહુલ આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ માટે વિકેટકીપરની ભૂમિકા ભજવી રહ્યો છે.
…તો ચિંતા ઉભી થશે:
જો મેચ પહેલા અથવા મેચ દરમિયાન કેએલ રાહુલને કંઈક થાય, તો પંતનું ફીટ ના હોવું ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. કેમ કે, ભારતીય ટીમમાં ત્રીજો વિકેટકીપર નથી. આવી સ્થિતિમાં, ભારતીય ટીમ અને ચાહકોને આશા છે કે રાહુલ ફિટ રહે અને પંત પણ શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થઈ જાય.
આ પણ વાંચો : Champions Trophy: લાહોરના સ્ટેડિયમમાં ભારતનું રાષ્ટ્રગીત વાગ્યું; પાકિસ્તાન ક્રિકેટ મેનેજમેન્ટે લોચો માર્યો!
શુભમન ગિલે મેચ વિષે શું કહ્યું?
પાકિસ્તાન સામેની મેચ અંગે શુભમન ગિલે કહ્યું કે આ માટે એક મોટી મેચ છે, પરંતુ કોઈપણ ટુર્નામેન્ટની ફાઇનલ જ સૌથી મોટી મેચ છે. ગિલને ટીમના વાઈસ કેપ્ટનના પદ વિશે પૂછવામાં આવતા, તેણે કહ્યું, ‘આ જવાબદારી પછી પણ કંઈ બદલાયું નથી. જ્યારે પણ હું બેટિંગ કરું છું, ત્યારે હું ફક્ત બેટર તરીકે રમું છું. પાકિસ્તાન સામેની મેચ મોટી છે પણ તેનાથી કંઈ બદલાશે નહીં અને અમે દરેક મેચ જીતવા માટે રમીએ છીએ.’
ગિલે કહ્યું, “હું દરેક મેચમાં સદી ફટકારવા માંગુ છું. જો મને સારી શરૂઆત મળે તો હું મોટી ઇનિંગ્સ રમવાનું વિચારીશ અને તેના માટે પ્રયાસ કરીશ.”