IND vs NZ: આટલા રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડશે!

મુંબઈ: ગત રવિવારે ICC Champions Trophy 2025 માં ભારતીય ક્રિકેટ ટીમે પાકિસ્તાન સામે શાનદાર જીત નોંધાવી. આ જીત ભારત માટે ખુબ ખાસ રહી કેમ કે આ જીતમાં વિરાટ કોહલીનો મહત્વનો ફાળો રહ્યો. લાંબા સમયથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા વિરાટ કોહલી (Virat Kohli)એ આ મેચ સદી ફટકારીને ભારતને જીત અપાવી, વિરાટ ફોર્મમાં આવી જતા આ ટુર્નામેન્ટમાં તે આગળ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં છેલ્લી મેચ 2 માર્ચે ન્યુઝીલેન્ડની ટીમ સામે રમવાની છે, આ મેચમાં પણ સૌની નજર કોહલીના પ્રદર્શન પર રહેશે. ગત મેચમાં ફટકારેલી સદીને કારણે ચાહકોને વિરાટ પાસેથી વધુ એક મોટી ઇનિંગની અપેક્ષા છે, જો વિરાટ સેમિફાઇનલ મેચ પહેલા બીજી સદી ફટકારશે તો તે એક મોટો રેકોર્ડ બનાવશે.
સચિનનો રેકોર્ડ તુટશે!
ભારત તરફથી ન્યૂઝીલેન્ડ સામે ODI ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હાલમાં સચિન તેંડુલકરના નામે છે. સચિને ન્યુઝીલેન્ડ સામે કુલ 42 મેચ રમી છે, જેમાં તેમણે 46.05 ની એવરેજથી 1,750 રન બનાવ્યા છે, આ સમયગાળા દરમિયાન તેણે 5 સેન્ચ્યુરી અને 8 ફિફ્ટી ફટકારી હતી.
આ પણ વાંચો…IND vs NZ: રોહિત શર્માને આરામ આપવામાં આવશે! કોણ બનશે કેપ્ટન અને કોણ કરશે ઓપનીંગ?
વિરાટ આ યાદીમાં બીજા નંબરે છે, જેમાં તેણે ન્યુઝીલેન્ડ સામે 31 વનડેમાં 58.75 ની એવરેજથી 1,645 રન બનાવ્યા છે, જેમાં 6 સેન્ચ્યુરી અને 9 ફિફ્ટીનો સમાવેશ થાય છે. જો વિરાટ 2જી માર્ચે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચમાં 106 રન બનાવવામાં સફળ થશે, તો તે ODI ફોર્મેટમાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની જશે.
ન્યુઝીલેન્ડ સામે શાનદાર રેકોર્ડ:
જો આપણે ICC ODI ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે વિરાટ કોહલીનો રેકોર્ડ જોઈએ તો તેણે ત્રણ મેચમાં 71 ની એવરેજથી કુલ 213 રન બનાવ્યા છે, આ દરમિયાન તેણે બેટમાંથી એક સદી અને એક અડધી સદી ફટકારી છે. ICC ODI ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે વિરાટનો બેસ્ટ સ્કોર 117 રન છે.