ન્યૂ ઝીલૅન્ડ માટે માઠાં સમાચાર, પણ ભારતને એનાથી મોટો ફાયદો થઈ શકે…

દુબઈઃ આઇસીસી ટૂર્નામેન્ટોની અનેક ટ્રોફીઓ જીતી ચૂકેલા ભારત અને વારંવાર બહુમૂલ્ય ટ્રોફીથી વંચિત રહેનાર ન્યૂ ઝીલૅન્ડ વચ્ચે રવિવારે દુબઈમાં (બપોરે 2.30 વાગ્યાથી) ચૅમ્પિયન્સ ટ્રોફીની રોમાંચક ફાઇનલ રમાશે એ પહેલાં ટીમ ઇન્ડિયાને ફાયદો થઈ શકે એવો એક અહેવાલ બહાર આવ્યો છે જેમાં જણાવાયું છે કે ન્યૂ ઝીલૅન્ડનો મુખ્ય ફાસ્ટ બોલર મૅટ હેન્રી ઈજાને કારણે આ નિર્ણાયક મુકાબલામાં કદાચ ન પણ રમે.
Also read : દુબઈમાં ભારતની મૅચ વખતે સ્ટેન્ડમાં આ ‘મિસ્ટ્રી ગર્લ’ કોણ હતી?
આ સ્પર્ધાની સેમિ ફાઇનલમાં ભારતે ઑસ્ટ્રેલિયાને ચાર વિકેટે અને ન્યૂ ઝીલૅન્ડે સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. કિવીઓના સ્ટાર ફાસ્ટ બોલર હેન્રીને સેમિ ફાઇનલમાં સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બૅટર હિન્રિક ક્લાસેનનો કૅચ પકડતી વખતે ખભામાં ઈજા થઈ હતી. એ ઈજા બાદ હેન્રીએ બે ઓવર બોલિંગ કરી હતી અને એક સમયે બૉલ ઝડપવા માટે તે મેદાન પર ડાઇવ મારતો પણ જોવા મળ્યો હતો. કૅપ્ટન મિચલ સૅન્ટનરે હેન્રીના ફાઇનલમાં રમવા વિશે આશાવાદી પણ હતો, પરંતુ હેડ-કોચ ગૅરી સ્ટીડે કહ્યું છે કે ફાઇનલના 48 કલાક પહેલાં હેન્રીની ફિટનેસને લગતી સ્થિતિ વિશે સ્પષ્ટ જાણ નહોતી થઈ.
હેન્રીએ બીજી માર્ચે ભારત સામેની અંતિમ લીગ મૅચમાં પાંચ વિકેટ લીધી હતી જેમાં શુભમન ગિલ (બે રન), વિરાટ કોહલી (11 રન), હાર્દિક પંડ્યા (45 રન), રવીન્દ્ર જાડેજા (16 રન) અને મોહમ્મદ શમી (પાંચ રન)નો સમાવેશ હતો. બુધવારે હેન્રીએ સાત ઓવર બોલિંગ કરી હતી જેમાં તેણે સાઉથ આફ્રિકાના ઓપનર રાયન રિકલ્ટન (17 રન) અને કૅગિસો રબાડા (16 રન)ની વિકેટ લીધી હતી તેમ જ હિન્રિક ક્લાસેન (ત્રણ રન)નો કૅચ પણ ઝડપ્યો હતો.
હેડ-કોચ ગૅરી સ્ટીડે એવું પણ કહ્યું છે કે `સેમિ ફાઇનલમાં ખભાની ઈજા થયા પછી પણ હેન્રી બે ઓવર બોલિંગ કરવા માટે પાછો આવ્યો એ અમારા માટે સકારાત્મક બાબત છે. અમે તેના ખભાના કેટલાક સ્કૅન કરાવ્યા છે અને અન્ય ચેક-અપ પણ કરાવ્યા છે. તે ફાઇનલ માટે પૂર્ણપણે ફિટ થાય એનો અમે તેને પૂરી તક દઈશું. જોકે તેની ફિટનેસ વિશેની સ્થિતિ હજી પણ પૂરી સ્પષ્ટ નથી. નીચે પડવાથી તેના ખભા પર શરીરનું વજન આવી ગયું હતું જેને કારણે તેને હજી દુખાવો છે. આશા રાખીએ છીએ કે તે ફિટ થઈ જશે.
જો હેન્રી રવિવારની ફાઇનલ નહીં રમી શકે તો તેના સ્થાને જૅકબ ડફીને ભારત સામે રમવાનો મોકો મળી શકે.
Also read : ચેમ્પિયન્સ ટ્રોફીઃ ન્યૂ ઝીલેન્ડે સાઉથ આફ્રિકાને 50 રનથી હરાવ્યું, ફાઇનલમાં ભારત સામે થશે ટક્કર
બન્ને દેશની સ્ક્વૉડઃ
ભારતઃ રોહિત શર્મા (કૅપ્ટન), શુભમન ગિલ (વાઇસ-કૅપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, મોહમ્મદ શમી, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને વૉશિંગ્ટન સુંદર. (નૉન-ટ્રાવેલિંગ સબસ્ટિટ્યૂટઃ યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ, શિવમ દુબે.
ન્યૂ ઝીલૅન્ડઃ મિચલ સૅન્ટનર (કૅપ્ટન), કેન વિલિયમસન, વિલ યંગ, માઇકલ બે્રસવેલ, માર્ક ચૅપમૅન, ડેવૉન કૉન્વે, કાઇલ જૅમિસન, મૅટ હેન્રી, ટૉમ લેથમ (વિકેટકીપર), ડેરિલ મિચલ, વિલ ઑરુરકે, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, જૅકબ ડફી, નૅથન સ્મિથ.