ભારત 44 રનથી જીત્યું, ઑસ્ટ્રેલિયા સામે રમાશે સેમિ ફાઇનલ…
વરુણનો પાંચ વિકેટનો તરખાટ, દસમાંથી નવ વિકેટ સ્પિનરે લીધી

દુબઈઃ ભારતે આજે અહીં ચૅમ્પિયન્સ ટ્રોફીમાં સેમિ ફાઇનલ પહેલાંના પ્રૅક્ટિસ મૅચ’ જેવા મુકાબલામાં ન્યૂ ઝીલૅન્ડને 44 રનથી હરાવી દીધું એ સાથે મંગળવારની સેમિ ફાઇનલ (બપોરે 2.30 વાગ્યાથી) પહેલાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો જુસ્સો બુલંદ થઈ ગયો છે. ભારત ગ્રૂપએ’માં નંબર-વન પર રહ્યું અને હવે દુબઈમાં જ મંગળવાર, ચોથી માર્ચની સેમિ ફાઇનલમાં ભારતનો મુકાબલો ગ્રૂપ `બી’ની બીજા નંબરની ટીમ ઑસ્ટ્રેલિયા સામે થશે. બુધવાર, પાંચમી માર્ચની બીજી સેમિ ફાઇનલ (બપોરે 2.30 વાગ્યાથી) લાહોરમાં ન્યૂ ઝીલૅન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે.
Also read : સેમિ ફાઇનલની ચારેય ટીમ દુબઈમાં! બે ટીમ લાહોર જવા રવાના થશે…
ભારતે કિવીઓને 250 રનનો સાધારણ લક્ષ્યાંક આપ્યો હતો અને મિચલ સૅન્ટનરના સુકાનમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ 45.3 ઓવરમાં 205 રને ઑલઆઉટ થઈ હતી.
કિવીઓની 10માંથી નવ વિકેટ ભારતીય સ્પિનર્સે લીધી હતી જેમાં મૅન ઑફ ધ મૅચ વરુણ ચક્રવર્તી (10-0-42-5) સૌથી સફળ પુરવાર થયો હતો. કુલદીપ યાદવે 56 રનમાં બે વિકેટ, તેમ જ અક્ષર પટેલે 32 રનમાં એક અને રવીન્દ્ર જાડેજાએ 36 રનમાં એક વિકેટ લીધી હતી. પેસ બોલર હાર્દિક પંડ્યા બાવીસ રનમાં એક વિકેટ લઈ શક્યો હતો, પરંતુ બીજા પેસ બોલર મોહમ્મદ શમીને 15 રનમાં વિકેટ નહોતી મળી. તેને બૅટિંગ દરમ્યાન ખભા પર ઈજા થઈ હતી.
કેન વિલિયમસન (81 રન, 120 બૉલ, સાત ફોર) કિવીઓનો સૌથી સફળ બૅટર હતો. 41મી ઓવરમાં કુલ 169 રનના સ્કોર પર અક્ષર પટેલની જાળમાં વિલિયમસન ફસાઈ ગયો હતો. અક્ષરના બૉલમાં તે કેએલ રાહુલના હાથે સ્ટમ્પ-આઉટ થયો એ સાથે જ ન્યૂ ઝીલૅન્ડના વિજયની આશા ઘણી ઓછી થઈ ગઈ હતી. કૅપ્ટન મિચલ સૅન્ટનરે 28 રન બનાવ્યા હતા એટલે તેના સહિત બીજો કોઈ જ બૅટર 30 રન પણ નહોતો બનાવી શક્યો.
એ પહેલાં, બૅટિંગ મળ્યા બાદ 50 ઓવરમાં 4.98ના રનરેટ સાથે નવ વિકેટે 249 રન બનાવીને ન્યૂ ઝીલૅન્ડને 250 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બીજી રીતે કહીએ તો કિવી બોલર્સ અને ફીલ્ડર્સે ભારતીયોને કાબૂમાં રાખીને 250 રનનો સાધારણ ટાર્ગેટ મેળવ્યો હતો.
ટીમ ઇન્ડિયા વતી સૌથી વધુ રન શ્રેયસ ઐયર (79 રન, 98 બૉલ, 122 મિનિટ, બે સિક્સર, ચાર ફોર)એ બનાવ્યા હતા. તે વિલ ઑરુરકેના કલાકે 143 કિલોમીટરની ઝડપે ફેંકવામાં આવેલા ઑફ સ્ટમ્પ પરના બૉલમાં શૉર્ટ મિડવિકેટ પરથી દોડી આવેલા વિલ યંગના હાથમાં કૅચઆઉટ થયો હતો.
300મી વન-ડે રમનાર વિરાટ કોહલી (11 રન)ની ત્રીજી વિકેટ સસ્તામાં પડ્યા બાદ શ્રેયસ અને અક્ષર પટેલ (42 રન, 61 બૉલ, 84 મિનિટ, એક સિક્સર, ત્રણ ફોર) વચ્ચે ચોથી વિકેટ માટે 136 બૉલમાં 98 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી.
ત્યાર બાદ વિકેટકીપર કેએલ રાહુલ (23 રન, 29 બૉલ, 40 મિનિટ, એક ફોર) અને શ્રેયસ વચ્ચે પાંચમી વિકેટ માટે 42 બૉલમાં 44 રનની ભાગીદારી થઈ હતી. હાર્દિક પંડ્યા (45 રન, 45 બૉલ, 59 મિનિટ, બે સિક્સર, ચાર ફોર) અને રવીન્દ્ર જાડેજા (16 રન, 20 બૉલ, 27 મિનિટ, એક ફોર) વચ્ચેની સાતમી વિકેટ માટે 40 બૉલમાં થયેલી 41 રનની ભાગીદારીનું પણ ભારતના 249 રનના ટોટલમાં મહત્ત્વનું યોગદાન હતું.
છેલ્લી ક્ષણોમાં હાર્દિક અને મોહમ્મદ શમી (આઠ બૉલમાં પાંચ રન) વચ્ચે બાવીસ બૉલમાં 23 રનની પાર્ટનરશિપ થઈ હતી. શમી ઇનિંગ્સના છેલ્લા બૉલ પર આઉટ થયો હતો. કુલદીપ યાદવ એક રને અણનમ રહ્યો હતો. ભારતને 10 રન એક્સ્ટ્રામાં મળ્યા હતા.
કિવીઓ વતી ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ 42 રનમાં સૌથી વધુ પાંચ વિકેટ લીધી હતી અને સૌથી સફળ બોલર સાબિત થયો હતો. બીજા ચાર બોલરને એક-એક વિકેટ મળી હતી.
Also read : કોહલી 300 મી મૅચમાં ફ્લૉપ, ફિલિપ્સનો જૉન્ટી જેવો ડાઇવિંગ કૅચ…
ભારત અને ન્યૂ ઝીલૅન્ડ અગાઉ જ સેમિ ફાઇનલમાં પહોંચી ગયા હતા અને આ મૅચના પરિણામ પરથી નક્કી થયું કે સેમિમાં કોણે કોની સામે રમવાનું છે.